ચિત્તનો નિરોધ ના હોવાને લીધે,સ્વપ્ન અવસ્થામાં,ચિત્તની અંદર અને વાસનાઓ અને
આસક્તિને લીધે વિષયો સત્ય લાગે છે,તેથી ઉલટું જો આત્મ-સ્વરૂપનું જ્ઞાન થાય
તો જાગ્રત અવસ્થા પણ અસત્ય લાગે છે.
આસક્તિને લીધે વિષયો સત્ય લાગે છે,તેથી ઉલટું જો આત્મ-સ્વરૂપનું જ્ઞાન થાય
તો જાગ્રત અવસ્થા પણ અસત્ય લાગે છે.
"જાગ્રત-પ્રપંચ કેવળ મનની કલ્પનાથી જ ઉભો થયો છે" એમ સમજાઈ જાય તો તે મિથ્યા થઇ રહે છે.તે જાગ્રત-પ્રપંચ જો વિવેક-વિચારથી નિર્મળ થઇ જાય તો-તે સ્વપ્ન જેવો જ અનુભવમાં આવે છે.
જેમ,વર્ષાકાળ જતો રહેતાં,વરસાદનાં વાદળાં,પોતાના સ્થૂળ-ભાવને છોડીને આકાશ-રૂપ થઇ જાય છે,
તેમ,જ્ઞાન સારી રીતે સુદૃઢ થતાં,તે જ્ઞાન-નિષ્ઠ પુરુષની દૃષ્ટિ,પોતાના દેહ સાથે સર્વ પ્રાણીઓના સ્થૂળ-ભાવને
છોડી દે છે.એટલે તેને સ્થૂળ-ભાવથી રહિત થયેલું જગત બ્રહ્મ-રૂપ દેખાય છે.
એટલે કે આત્મ-તત્વનું જ્ઞાન થતાં,અહંકાર સહિત જગત શમી જાય છે.(જગત મિથ્યા થઇ જાય છે)
આત્મ-તત્વ (સત્ય)નું અપરોક્ષ જ્ઞાન થતાં,જગત-ચિત્ત-વગેરે સર્વ એક-ભાવે બની જાય છે.
જ્ઞાનથી ખરી સમજણ આવે છે-એટલે ત્રણે લોકનું જે સાકાર-પણું જણાય છે,તે ક્રમે કરી ક્ષીણ થઇ જાય છે.
જીવ,જો સાક્ષી-ચૈતન્ય,અનંત અને નિરાકાર છે અને તેને પોતાના સ્વરૂપની અંદર વિના કારણે પોતાની મેળે જ જગત-ચિત્ત-આદિની વિવર્ત-રૂપે (પ્રપંચ-રૂપે) પ્રતીતિ થાય છે -તો-તેમાં આકાર-વગેરે ક્યાંથી હોય?
વિવેક-જ્ઞાન પ્રગટ થતાં,જાગ્રત-પ્રપંચ સ્વપ્નના જેવો તુચ્છ અને મિથ્યા જણાય છે.અને જ્ઞાનને લીધે વિષય-ભોગ પ્રત્યેનો રાગ (આસક્તિ) હલકો થઇ શાંત પડી જાય છે.અને દૃશ્ય (જગત) તરફ રુચિ જ થતી નથી.
"આ જગત કેવળ મનોમય છે,ભ્રાંતિ-રૂપ છે અને સ્વપ્નના જેવું સાવ મિથ્યા છે" આવો નિશ્ચય થઇ જાય પછી,
આ જગતમાં રહેલા પદાર્થોમાં મનાયેલી સત્ય-બુદ્ધિ દૂર થઇ જાય છે.
અને આમ,શાંત બુદ્ધિ-વાળો થયેલ વિવેકી પુરુષ,જગતને ચિદાકાશની જેમ નિરાકાર જુએ છે.
જેમ,સ્વપ્નને સ્વપ્ન-રૂપ જાણ્યા પછી,તે સ્વપ્નમાં દીઠેલા પદાર્થો પ્રત્યેની આસક્તિ દુર થાય છે,
તેમ,દૃશ્યનું પણ વાસ્તવિક સ્વરૂપ જાણવામાં આવે ત્યારે દૃશ્ય-પદાર્થો પ્રત્યેની આસક્તિ દુર થાય છે,
અને ત્યારે દૃષ્ટા-દૃશ્ય-સંબંધી દશાને લીધે ઉત્પન્ન થતા રાગ-દ્વેષ-આદિ દોષો-રૂપી-ગ્રંથિ પણ છેદાઈ જાય છે.
જ્ઞાન થવાથી જેની બુદ્ધિ શાંત થઇ છે-તેવો વિવેકી પુરુષ,સ્ત્રી-પુત્ર-બંધુ-વગેરેમાં આસક્તિ વિનાનો થઇ જાય છે,તેના સંકલ્પ શાંત પડી જાય છે,તે અહંકાર-રહિત થાય છે અને વિષયો પ્રત્યે નિસ્પૃહ બને છે,
તત્વજ્ઞ-પુરુષ સાતમી-ભૂમિકામાં રહેતો હોવાથી તેમ જ વૃત્તિ-નિરોધ દ્વારા પરબ્રહ્મમાં એક-રૂપ થયેલો હોવાથી,
પોતાના દેહને,આકાશને,શૂન્ય કે સ્ફૂરણને-એ કશાને (સુષુપ્તિ-વાળાની જેમ) દેખતો જ નથી.
તે પરમ-તત્વની અંદર પોતાનો આત્મા (દેહ-મન-જીવ-આદિ) પણ નથી,શૂન્ય પણ નથી,જગતની કલ્પના પણ નથી,ચિત્ત પણ નથી અને દૃશ્ય-પ્રપંચનો ઉદય પણ થયેલો જ નથી,તેમ છતાં પણ તે વિવર્ત-રૂપે રહેલ છે!!