Nov 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-985

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,કારણ વિના કશું કાર્ય સંભવતું જ નથી,પણ વસ્તુતઃ પરબ્રહ્મ એ કશાનું ય "કારણ" ના હોવાને લીધે,અહી કારણનો અભાવ હોવાથી કારણ અને કાર્ય (કેવલ-જાગર) નામનો કોઈ ભેદ સંભવતો જ નથી,અને જો આમ હોય તો બીજા (આગળ કહ્યા તે) જીવોના (સાત) ભેદો પણ અસંભવિત થઇ જાય છે.આ નામ-રૂપ-વાળા વિષયોની (જીવોના સાત ભેદોની) કલ્પના-એ અધિકારી પુરુષોને તે વિષયોનો ઉપદેશ આપવા (સમજાવવા) માટે જ કરવામાં આવી છે.

રામ કહે છે કે-શરીરોને કોણ ઉત્પન્ન કરે છે? તથા મન-બુદ્ધિ-આદિમાં પ્રેરણા મૂકી
સ્નેહ-રાગ-આદિ બંધનો વડે બાંધી દઈ કોણ પ્રાણીઓને મોહ ઉપજાવે છે?

વસિષ્ઠ કહે છે કે-શરીરોને ઉત્પન્ન કરનાર પણ કોઈ નથી અને પ્રાણીઓમાં મોહ પેદા કરનાર પણ કોઈ નથી,
એક અનાદિ અને અનંત ચૈતન્ય આત્મા જ પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર જુદાજુદા પ્રકારના પદાર્થોને આકારે વિવર્ત-ભાવે થઈને રહે છે.કોઈ પણ બાહ્ય વસ્તુ છે જ નહિ,છતાં,જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ આ સર્વ  બાહ્ય-સૃષ્ટિ અંદર રહેલા ચિદાત્મામાંથી જ ઉત્પન્ન થઇ છે.

હે રામચંદ્રજી,જેમ,કોઈ સુતારે સ્તંભની અંદર કોતરેલી મૂર્તિ સ્તંભમાં જ રહેલી છે,
તેમ,ચિદાત્માની અંદર આ જગત રહેલું છે.ચૈતન્ય-આત્મ-તત્વ,દેશ-કાળ વડે અનંત અને એક છે.
તેમાં બહારની અને અંદરની સૃષ્ટિ,પુષ્પની સુગંધની જેમ સર્વત્ર પ્રસરી રહી છે-તેમ તમે સમજો.
વાસનાનો ક્ષય થઇ જાય એટલે આ પોતાનો આત્મા જ પરલોક-રૂપ છે એમ તમે સમજો,
કેમ કે જ્ઞાનને લીધે શાંત થઇ રહેલા વિવેકી પુરુષોને મન,પરલોક વગેરેની કલ્પના આ લોકમાં જ છે.

દૃશ્ય (જગત) ને વસ્તુ તરીકે નહિ જાણનારા અને સાક્ષી-રૂપે રહી સર્વનો અનુભવ કરનારા
તત્વવેત્તાઓની જ દૃષ્ટિ તે પરમપદની અંદર પહોંચી શકે છે,બીજાં પ્રાણીઓની દૃષ્ટિ ત્યાં પહોંચી શકતી નથી.
જેઓ અહંભાવ-રૂપી ખાડામાં પડેલા હોય છે-તેઓ કોઈ દિવસ પણ તે પ્રકાશમય પરમપદને જોઈ શકતા નથી.
ચૌદ લોકોમાં રહેલા અનંત પ્રાણીઓના સમૂહથી બનેલ આ જગતને વિવેકી પુરુષ પોતાના એક અવયવની
જેમ જ જુએ છે.જો કે તાત્વિક દૃષ્ટિએ,કારણના અભાવને લીધે આ જગતનો ઉત્પન્ન કે નાશ થતો નથી.

વ્યવહાર-દૃષ્ટિએ જોતાં-જેવું કારણ-તેવું કાર્ય થાય છે.પણ જો કારણની અંદર જ કાર્ય રહ્યું હોય તો પછી "કારણ-પણું" ક્યાંથી રહ્યું? કેમ કે "પ્રત્યક્ષ-પ્રમાણ" વડે અનુભવમાં આવવાથી કારણ એ કાર્ય-રૂપ જ છે.
તેથી જો ચિત્તમાં કોઈ જાતની વૃત્તિ સ્ફુરે નહિ તો-એ બંને-કાર્ય-કારણ રહી શકે નહિ,
એટલે વસ્તુતઃ તે બંને -કારણ-કાર્યની સત્તા જ અસત્ય ઠરે છે.પણ જેમ સમુદ્રની અંદર તરંગ-આદિ રહેલ છે,

તેમ,વિકાર-રહિત બ્રહ્મમાં જગત-આદિ વિવર્ત-ભાવથી રહેલ છે  અને જેમ સુવર્ણ તેની અંદર દાગીનાનોના આકારને ધારણ કરીને રહે છે-તેમ,નિર્વિકાર બ્રહ્મ પોતાની અંદર સર્વ આકારોને ધારણ કરીને રહેલ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE