Nov 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-984

વસિષ્ઠ કહે છે કે-આ જગત-રૂપી-સ્વપ્નની ભ્રાંતિને અંતે,દૈવ-યોગથી જો એ જીવો તત્વજ્ઞાનને પ્રાપ્ત થઇ ગયા હોય,તો તેઓ મોક્ષને પામી જાય છે,અથવા તો સ્વપ્નમાંથી જાગી ગયા પછી,પણ મનથી સંકલ્પ કરે તો-તે સંકલ્પ મુજબ  બીજા દેહોને ધારણ કરી લે છે અને મનથી જ બીજા જગતના કે અતીતના કલ્પને પણ દેખે છે.આમ આ સ્વપ્ન-જાગર નામનો જીવનો ભેદ મેં તમને કહ્યો.હવે સંકલ્પ-જાગરના ભેદ વિષે કહું છું-તે સાંભળો.

કોઈ એક પુરાતન કલ્પમાં,કોઈ એક જગતમાં,કોઈ એક સ્થળે-જે પુરુષો નિંદ્રા વિનાના છતાં અંદર કેવળ
"એક સંકલ્પ"માં જ પરાયણ થઇ રહ્યા હોય,અને તે ધ્યાનને લીધે,મનોમય શરીર વડે -મનોરાજ્યને અધીન રહી,
ગતિ કરવા-વાળા હોય,સંકલ્પની દૃઢતાને પ્રાપ્ત થઇ જઈ પૂર્વાવસ્થાના અનુસંધાનને ભૂલી ગયેલા હોય,
સાંકલ્પિક પદાર્થોમાં જ ચિત્ત-વૃત્તિ દ્વારા તદાકાર થઇ જવાથી શારીરિક ચેષ્ટાઓથી રહિત થઇ ગયેલા હોય,
અને ઘણા લાંબા કાળને લીધે-એ સંકલ્પમાં જ જેમણે "જાગ્રતપણાના અભિમાન"ને ધારણ કર્યું હોય-
તે પુરુષો (જીવો) સંકલ્પ-જાગર કહેવાય છે.

એ (એક) સંકલ્પની શાંતિ થઇ જતાં,પાછા તે જીવો,તેના તે દેહમાં,પહેલાંના વ્યવહારનો કે બીજા કોઈ
વિલક્ષણ વ્યવહારનો આશ્રય કરે છે અને તેમની દૃષ્ટિમાં આપણે,તેના સંકલ્પ-પુરુષ-રૂપ થઇ રહ્યા છીએ.
હવે હું -કેવલ-જાગર ભેદ વિષે કહું છું.

સૃષ્ટિ કરવાના સંકલ્પથી,વિસ્તરી રહેલા બ્રહ્મમાંથી આ ક્લ્પની અંદર પ્રથમ જ અવતરેલા જીવો કેવલ-જાગર કહેવાય છે અને તેઓ પ્રથમ પોતાની ઉત્પત્તિ થવા-રૂપી-સ્વપ્નથી રહિત હોય છે.
આ જીવો ફરીવાર એક પછી એક જન્મ-પરંપરાને પ્રાપ્ત થતા રહે છે,તેમ જ પ્રૌઢ-પણાને પામી જઈ,
જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ-એ ત્રણે અવસ્થામાં ગતિ કરતા રહે છે-તેઓ ચિર-જાગર-જીવો કહેવાય છે.
તેના તે જીવો-પાછા જો પાપના આવેશને લીધે જડ-સ્થાવર-ભાવને લીધે પ્રાપ્ત થાય છે,અને જાગ્રત-અવસ્થામાં અજ્ઞાન વડે ઘટ્ટ થઈને રહે છે-તેઓ ધન-જાગર-જીવો કહેવાય છે.

જે પુરુષો અજ્ઞાન-નિંદ્રામાંથી જાગ્રત થઇ જ્ઞાનને પામેલા છે અને જાગ્રત અવસ્થામાં દેખાતા દૃશ્ય-પ્રપંચને
સ્વપ્ન જેવા દેખે છે-તે જાગ્રત-સ્વપ્ન-જીવો  કહેવાય છે.
જેઓ જ્ઞાનને પ્રાપ્ત થઇ જવાથી પરમપદને પ્રાપ્ત થઇ ગયા હોય અને તુર્ય અવસ્થામાં રહેલા હોય,
તેમની જાગ્રત-આદિ અવસ્થા ક્ષીણ થઇ ગયેલી હોવાથી તેઓ ક્ષીણ-જાગર કહેવાય છે.
આ રીતે જીવોના (ઉપર પ્રમાણેના)  સાત ભેદ છે.(નોંધ-આ ભેદો કાલ્પનિક છે-અને ઉપદેશ માટે જ આ કલ્પના કરવામાં આવી છે-તેવું આગળના પ્રકરણમાં આવશે)

(૫૧) બ્રહ્મ-દૃષ્ટિ થતાં જગતની સ્થિતિ

રામ કહે છે કે-હે મહારાજ,આપે કેવલ-જાગર (બ્રહ્મમાંથી આ ક્લ્પની અંદર પ્રથમ જ અવતરેલા જીવો) નામનો ભેદ કહ્યો,તો તે બ્રહ્મમાંથી તે અકારણ અને નિરર્થક જીવો શી રીતે ઉત્પન્ન થાય છે ? તે વિષે કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE