Nov 17, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-983

"સર્વ સંપત્તિઓ આપત્તિ-રૂપ છે" એવી ભાવનાને લીધે,જેને સર્વ પદાર્થો પર તૃષ્ણા રહી નથી
તેનો "જ્ઞાન-રૂપી-અગ્નિ" એ (ત્યાગ-રૂપી-જવાળાઓથી)  મન-રૂપી-ઘાસને બાળી નાખે છે,
અને જેથી "બહારના અને અંદરના સર્વ પદાર્થો આત્મ-સ્વરૂપથી જુદા નથી" એમ તે જાણે છે.વળી,તે ચિદાત્મા જ દેવ,અસુર,નર,ઘર,પર્વત,ગુફાઓ,નદીઓ,જંગલો વગેરે રૂપે થઇ રહેલ છે.એમ પણ તે જાણે છે.

બ્રહ્માંડ-રૂપી-જડ-આધારમાં રહેલી(પ્રાણ-શક્તિને લીધે જીવનવાળી,ચિદાત્માના વિવર્ત-રૂપી)સૃષ્ટિ-રૂપી-નદીઓ,
વહ્યા કરે છે.ચિદાકાશ-રૂપી જળની અંદર વિહાર કરનારી જીવ-રૂપી-માછલી,એ મોહ-રૂપી-જાળથી બંધાઈને પોતાની સ્વરૂપ-સ્થિતિ ભૂલી જાય છે.સર્વ જીવો વાસનાની વિચિત્રતાને બાદ કરતાં,બીજી બધી રીતે
સરખા જ છે,પરંતુ વાસનાની વિચિત્રતાને લીધે,સૃષ્ટિમાં ભટકતા રહીને સ્વર્ગ-નરક-આદિમાં જઈ પડે છે.
જડ ઉપાધિને લીધે તે જડ જેવા બની જાય છે અને કેમ જાણે,
પ્રાણવાયુને વિચિત્ર પ્રકારની ક્રિયાઓ-રૂપી-સ્વર પેદા કરવાને,વાંસળી-રૂપ (જડ) હોય તેવા થઈને રહે છે.

પ્રથમ,પોતાના પુરુષ-યત્નથી વિવેક-વૈરાગ્ય-આદિ સાધનથી શ્રવણ-મનન-આદિ સંપાદન કરવાં,પછી,
ધ્યાનમાં વિઘ્ન કરનારી તંદ્રાને આસન અને પ્રાણાયામ કરીને જીતી લઈને,નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશ કરવો.
પછી પૂર્વે એકઠી કરેલી વાસનાઓના સમૂહોથી બનેલા સંસાર-રૂપી-પાંજરાને તત્વ-સાક્ષાત્કાર વડે તોડી નાખવું.આમ પૂર્ણ આનંદથી પરબ્રહ્મ થઈને જ રહેવું.

(૫૦) સાત પ્રકારના જીવો

વસિષ્ઠ કહે છે કે-દશે દિશાઓમાં રહેલા આ નર,નાગ,દેવ,પર્વત,વૃક્ષ,ગંધર્વ-આદિ નામવાળા જીવોના જે સમૂહો જોવામાં આવે છે તે જીવોના સાત પ્રકાર છે.૧) સ્વપ્ન-જાગર ૨) સંકલ્પ-જાગર ૩)કેવલ-જાગર ૪) ચિર-જાગર,
૫) ધન-જાગર ૬) ક્ષીણ-જાગર અને  ૭) જાગ્રતસ્વપ્ન

(નોંધ-આ ભેદો કાલ્પનિક છે-અને ઉપદેશ માટે જ આ કલ્પના કરવામાં આવી છે-તેવું આગળના પ્રકરણમાં આવશે)

રામ કહે છે કે-હે મહારાજ,વાસનાની વિચિત્રતાને લીધે,સાત પ્રકારે થઇ રહેલા સર્વ જીવોના ભેદ-આપ મને બોધ થવા માટે કહી સંભળાવો.

વસિષ્ઠ કહે છે કે-કોઈ એક પુરાતન કલ્પમાં કોઈ એક જગત છે.તેના કોઈ એક સ્થળે,કેટલાક જીવો,જીવતા છતાં સુષુપ્તિ-અવસ્થામાં રહીને સ્વપ્ન-પ્રપંચને દેખે છે.તેમનું સ્વપ્ન (પ્રપંચ) જ આ જગત છે તેમ તમે સમજો.
આવા જીવો તે "સ્વપ્ન-જાગર" કહેવાય છે.

રામ કહે છે કે-જે કલ્પમાં એ જીવોનો જન્મ થયો હશે,તે કલ્પની કલ્પના પણ હવે તો ક્ષયને પ્રાપ્ત થઇ હશે,
તો પછી તેઓ એ સ્વપ્નમાંથી જાગ્રત થતાં તેમની તે અતીત કલ્પમાં સ્થિતિ કેમ સંભવે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE