અને જો સૃષ્ટિઓ ના હોય તો તેના નાશનું (પ્રલયનું) પણ અસ્તિત્વ નથી.માત્ર આકાર વિનાનો કલ્પના-રૂપી-સૂર્યના કિરણોનો સમૂહ,જ ઘટ્ટ થઇ આ સર્વત્ર (જગતના) આકારે ભાસ્યા કરે છે,
બાકી શૂન્યતા વિના તેનું બીજું કોઈ રૂપ નથી.આ શૂન્યતા એ પોતે જ અવસ્તુ-રૂપ છે
(શૂન્યતામાં કશું પણ સંભવી શકે નહિ-કેમ કે કશું નથી એટલે શૂન્યતા છે)
આ સૃષ્ટિમાં પંચમહાભૂતોના પિંડી-ભાવ (મૂર્તિમાન આકાર) રૂપ પૃથ્વી,પ્રાણીઓ-આદિ પણ નથી અને સાવ શૂન્યતા પણ નથી,તેથી સંકલ્પ-વિકલ્પના આધાર-રૂપ એવું મન પણ નથી.તાત્વિક દૃષ્ટિએ જોતાં કેવળ સત્ય-તત્વ-ચૈતન્ય જ અવશેષ રહે છે,કે જે ચૈતન્યનો નિષેધ કરી શકાતો નથી.
જેમ સુવર્ણના પિંડની અંદર અનેક પ્રકારના દાગીનાના આકારો રહેલા છે,તેમ.પોતાના સ્વરૂપભૂત ચૈતન્યની અંદર આ સર્વ વિવર્ત-ભાવે રહે છે,બાકી તો તે ચૈતન્ય ભેદ-રહિત અને સર્વત્ર સમાન-પણે જ રહેલું છે.એમ સમજવું.
"વસ્તુ-ગતિ" પ્રમાણે પોતાના ચૈતન્ય-સ્વરૂપમાં સ્થિતિ કરી રહેલા જ્ઞાની-પુરુષને તત્વજ્ઞાન હોય છે,
તેથી તેના અહંકાર સહિત -જગત અને ચિત્ત-એ સર્વનો લય થઇ જાય છે.તેના પોતાના ચૈતન્ય-સ્વરૂપને
જડ-રૂપ કહી શકાતું નથી,તેથી છેવટે સદ-રૂપ પોતાનું સ્વરૂપ-ભૂત-ચૈતન્ય જ શેષ રહે છે.
ઉચ્ચ અને નીચ વિષયોમાં રચીપચી રહેવાથી "બુદ્ધિ" કેવળ કલેશને પ્રાપ્ત થાય છે,પરંતુ વારંવાર અભ્યાસ કરવાથી,અને (વિચાર કરીને કરેલી) યુક્તિથી જ માત્ર સત્ય (ચૈતન્ય) વસ્તુનું જ્ઞાન થાય છે.
જે વિવેકી પુરુષે,જગતના અવયવ-રૂપ,ભૂત-ભવિષ્ય-વર્તમાન કાળની સર્વ વસ્તુઓના જન્મ વિષે વિચાર કર્યો હોય છે,અને જેણે,પ્રપંચથી રહિત,અવશેષ રહેલા ચૈતન્યને જાણી લીધેલ છે-તે જ પુરુષ તત્વજ્ઞ છે.એમ કહી શકાય છે.
સર્વના અવધિ-રૂપે જે શેષ રહે છે-તે સત્ય-ચૈતન્ય-તત્વ છે અને તે ચૈતન્ય જ તમારું વાસ્તવિક સ્વ-રૂપ છે.
અંદર ચૈતન્ય-રૂપે રહેલો અંતરાત્મા બહિર્મુખ થાય છે,એટલે તે જ આ સંસાર-રૂપે ભાસે છે.કે જે અનેક અનર્થો ઉત્પન્ન કરે છે.પણ જો તેમ ન થાય અને પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ રહે તો તે પરમ કલ્યાણ-કારક છે.
જેમ,જળ જડ-પણાને લીધે પોતાની મેળે જ બરફ બની જાય છે,તેમ સંકલ્પનું સ્ફુરણ થતાં તે અંતરાત્મા,
પોતાની મેળે જ બાહ્ય-પણાને પ્રાપ્ત થાય છે અને દેહ-આદિ મૂર્તિમાન પદાર્થને આકારે થઇ જાય છે.
ચિદાત્મા પોતે જ પોતાના સ્વરૂપના અજ્ઞાનને લીધે,બાહ્ય મૂર્તિમાન આકારે જોવામાં આવે છે અને ચિત્ત તેના ગ્રાહક તરીકે સ્થૂળ દેહને ખડો કરી દે છે.આ સર્વ વિવર્ત-વાળી અવસ્થાઓમાં પણ ચિદાત્માના શુદ્ધ સ્વરૂપમાં
કશો પણ જુદો ભાવ (વિકાર) થતો નથી.કેવળ શબ્દની કલ્પના વડે જ તેનો ભેદ કલ્પવામાં આવે છે.
જેમ,સ્વપ્ન એ એક જાતનો માનસિક (મનનો) વિકાર છે,અને જેથી બહાર અને અંદર મન જ સ્વપ્ન સંબંધી પદાર્થોને આકારે જોવામાં આવે છે.એટલે એ મન વિકાર-વાળું હોય તેમ ભાસે છે-પણ,બોધવાન પુરુષને પોતાનો આત્મા જ,અંદર-બહાર સર્વ પદાર્થોને આકારે થઇ રહેલો હોય તેમ ભાસે છે-એટલે તેને વિકારનો ભાસ થતો નથી.