જેમ,કોઈ મુસાફર,પોતાની ઉપાડવાની અશક્તિને લીધે,મુસાફરીમાં જરૂરી એવાં વાસણો-વગેરેને લેતો નથી અને તેમને ત્યાં (ઘેર) જ છોડી દે છે,તેમ,વિરક્ત પુરુષ,સ્ત્રી,પુત્ર,બંધુ,મિત્ર વગેરેને ભાર-રૂપ સમજે છે છતાં, શક્તિ અને સમય અનુસાર તેમની સેવા પણ કરતા રહે છે.પોતાનું ચિત્ત શાંત હોવાને લીધે,વિષયો-ભોગો-વગેરે તે વિવેકીના અનુભવમાં આવતા જ નથી.કારણકે તેમનામાં તેને આસક્તિ જ હોતી નથી.
"શાંત ચિદાત્મા જ સર્વ દૃશ્ય-વર્ગના આકારે વિવર્ત-રૂપે રહેલો છે,તેથી તેનાથી જુદો બીજો કશો અર્થ સંભવતો જ નથી"આમ જે નિશ્ચયપૂર્વક અપરોક્ષ અનુભવ થાય,તે જ "પરમ-પદ" છે.
"ચૈતન્ય આત્માની સત્તા વિના તેનાથી જુદા બીજા કોઈ પદાર્થનું અસ્તિત્વ નથી,તેમ તે શૂન્ય પણ નથી"
એમ પોતાની અંદર અપરોક્ષ રીતે અનુભવમાં આવવું-,એ જ "પરમ-પદ" છે.
"પદાર્થ-માત્ર,એક અદ્વિતીય ચેતન-તત્વમાં,એક-રસ-રૂપે રહેલ છે,તેથી શૂન્યતા પણ નથી અને પદાર્થો પણ નથી,
વળી જ્ઞેય-વસ્તુનો અભાવ હોવાથી તે ચૈતન્યથી,જ્ઞાન પણ જુદું નથી" આમ સમજાઈ જવું,એ જ "પરમ-પદ" છે.
જેમ,પાષાણને દૂધ કે પાણી અસર કરી શકતા નથી,
તેમ અમન્સક (મન-વિનાના કે મનના રાગ-વગેરે ધર્મોથી રહિત) મહાત્માને વિષયો રુચિ પેદા કરી શકતા નથી.
ચિત્તની "નિરુદ્ધ-અવસ્થા" ને પ્રાપ્ત થઇ ગયેલ,સંકલ્પ-વિકલ્પ-આદિ મનો-વ્યાપારથી રહિત થયેલ
તથા મૌન રાખીને,ચેષ્ટા-રહિત થયેલ જિતેન્દ્રિય-વિવેકી પુરુષ સ્વરુપાનુંસંધાનમાં નિર્મળ થઇ રહે છે.
(નોંધ-યોગશાસ્ત્રમાં ચિત્તની પાંચ ભૂમિકાઓ (કે અવસ્થાઓ) કહી છે,ક્ષિપ્ત-મૂઢ-વિક્ષિપ્ત-એકાગ્ર-નિરુદ્ધ)
જેણે અવશ્ય જાણવા-યોગ્ય આત્મ-તત્વને જાણી લીધેલુ છે તેવા વિવેકી પુરુષનું હૃદય સર્વ પદાર્થોની સત્તાથી રહિત છતાં સર્વ પદાર્થો-રૂપ થઇ રહેલું હોય છે.અનંત પરબ્રહ્મ-રૂપે થઇ જવાને લીધે તે (સ્વરૂપ) વિશાળ છે
તો પણ (છતાં) તે (સ્વરૂપ) દેખી ના શકાય તેવું પરમાણુ જેવું પણ જણાય છે.
અધિષ્ઠાન દૃષ્ટિએ જોતાં-તે અહંકાર,વાસના,દિશા,કાળ,પરિણામ-આદિ અધિષ્ઠાન-રૂપે સદાકાળ છે,
બાકી,અધ્યારોપની દૃષ્ટિએ જોતાં,અહંકાર-આદિનું રૂપ પ્રથમથી જ શૂન્ય છે,તેથી તે વસ્તુતઃ છે જ નહિ.
નિર્મળ પરમ-પદમાં રહેલો વિવેકી-પુરુષ,અંદર હૃદયમાં રહેલા અજ્ઞાનને અને બહાર રાગ-દ્વેષ આદિને દુર કરી દે છે.જે રજોગુણથી રહિત છે,અને જે સત્વગુણને લીધે અજ્ઞાન-રૂપી સમુદ્રને પાર પહોંચી ગયેલ છે,
તથા જેનામાં તમોગુણનું રૂપ (અંધારું) જરા પણ સંભવતું જ નથી-તેવા મહાત્માને અમારા નમસ્કાર હો.
ભેદબુદ્ધિનો અને ચિત્તનો લય થવાથી,જ્ઞાન-નિષ્ઠ પુરુષની જે સ્થિતિ થાય છે-તે વાણી વડે વર્ણવી શકાતી નથી.
રામ કહે છે કે-હે મહારાજ,ઈશ્વર કોણ છે અને તેને શી રીતની ભક્તિ વડે પ્રસન્ન કરાય? તે વિષે કૃપા કરી કહો.