પરંતુ જયારે સર્વ પદાર્થો પરમતત્વ સાથે એકરૂપતાને પામે છે,ત્યારે મન,વાસના,કર્મો અને હર્ષ-ક્રોધ-આદિ વિકારો ક્યાં જતા રહે છે-તે જાણવામાં જ આવતું નથી અને ફક્ત ધ્યાન-નિષ્ઠતા અને સ્થિરતા જ અવશેષ રહે છે.
સર્વ ભોગોને નિઃરસ સમજી,કશામાં આસક્ત નહિ થનાર,પોતાના આત્મામાં જ આનંદ માનનાર અને ક્રમે કરી ચિત્ત-વૃત્તિ આત્માની અંદર ધ્યાન દ્વારા ગળી ગયેલ હોવાથી,શાંતિને પ્રાપ્ત થયેલ તે યોગી પુરુષ,
સહજ રીતે જ સમાધિ-સિદ્ધ જ છે.
સહજ રીતે જ સમાધિ-સિદ્ધ જ છે.
શુદ્ધ ચિત્ત-વાળા વિવેકી પુરુષો,તો વિષયો પર એટલો બધો વૈરાગ્ય લાવે છે કે,તેઓ ભોગોને ચિત્રમાં આલેખાયેલા પુરુષની જેમ મિથ્યા આભાસ-માત્ર સમજી,તે (વિષયો) પ્રત્યે દૃષ્ટિ સરખી પણ કરતા નથી.
વાસનાનો ક્ષય થઇ જવાને લીધે,ધૈર્યવાન-વિવેકી-પુરુષ જગત-સંબંધી-પદાર્થો તરફ દૃષ્ટિ જ કરતો નથી,
અને બીજો કોઈ જાણે તેને સમાધિમાં પ્રવેશ કરાવતો હોય,તેમ વજ્ર-જેવી-અભેદ્ય સમાધિમાં વહ્યા કરે છે.
જેમ વર્ષાઋતુમાં નદીનું પૂર પોતાની મેળે જ વહેવા માંડે છે,તેમ જે સમાધિ જ્ઞાન,બળ(શક્તિ)ને લીધે પોતાની
મેળે જ પ્રાપ્ત થાય છે,તેનો (એકાગ્રતા વડે) અનુભવ કરનારું ચિત્ત ફરીવાર તેમાંથી (તે સમાધિમાંથી) ડગતું જ નથી.
બધી બાબતમાં શીતળતાને લીધે ધ્યાનની અંદર (જ્ઞાન-બળથી)વિષયોનું જે નિઃરસ-પણું જણાવું તે જ સમાધિ છે.
બીજું કાંઇ તેનું સ્વરૂપ નથી.વિષયો અને ભોગો પ્રત્યે દૃઢ વૈરાગ્ય થવો-તે જ "ધ્યાન" કહેવાય છે.
અને તે ધ્યાન-રૂપી-બીજ,પોતાનાં મૂળ ઊંડાં નાખી પ્રૌઢ બને ત્યારે તેને "સમાધિ" કહેવામાં આવે છે.
નિરંતર વાસનાનો ક્ષય થવાથી,સાક્ષાત્કાર-વૃત્તિ (સમાધિ) વડે જે "અનુભવ"માં આવે છે-
તે "બ્રહ્મ" જ-અવિદ્યા(અજ્ઞાન કે માયા) નો ક્ષય કરે છે અને જેને "જ્ઞાન" પણ કહે છે.સર્વ દુઃખનો ક્ષય કરનાર
અને પરમ આનંદને પ્રગટ કરનાર તે સ્થિતિને (બ્રહ્મ-સ્થિતિને) "નિર્વાણ" (મોક્ષ) પણ કહેવાય છે.
એટલે જો ભોગો પ્રત્યે વૈરાગ્ય હોય-તો પછી વૈરાગ્યને પામવા માટેના ધ્યાનની ખટપટમાં કેમ પડવું?
અને જો ભોગો પ્રત્યે વૈરાગ્ય ના હોય તો (તેના વગર ધ્યાન ના થતું હોવાથી) ધ્યાનની જરૂર પણ શી છે?
દૃશ્ય (જગત) પ્રત્યે આસક્તિથી રહિત થઇ ગયેલ અને સારી રીતે જ્ઞાન પામેલ તત્વજ્ઞ પુરુષને,
એકધારી "નિર્વિકલ્પ સમાધિ" રહેવા માંડે છે.સંસાર-સંબંધી ભોગો જયારે વૈરાગ્યને લીધે ચિત્તમાં રુચિકર થતા નથી,ત્યારે જ ઉત્તમ "જ્ઞાન"નો ઉદય થાય છે.ભોગોની ઈચ્છા કરવી એ આત્માનો સ્વભાવ નથી,એટલે જયારે ભોગોનો નાશ થઈને આત્માનો ઉદય થયો હોય તો પછી ભોગો ફરીથી (પાછા) ક્યાંથી ઉદય પામે?
વેદાંત-આદિ શાસ્ત્રોનું શ્રવણ,ઉપનિષદ-આદિનો પાઠ,તથા પ્રણવ (ॐ) આદિનો જપ કરી ખેદને મટાડી દેવો,
સર્વ શંકાઓથી રહિત થવું,રમણીયતા ધારણ કરવી,ચિત્તને સમાન તથા શાંત રાખવું,અંદર નિર્મળ થઈને રહેવું,
કશા વિક્ષેપને પામવું નહિ અને વૃત્તિને એક ચિદાકાર જ કરી રાખવી.આ રીતે તમે સમાધિ-નિષ્ઠ થઈને રહો.