કોઈનો આશ્રય લીધા વિના જ પોતાના સંકલ્પ-માત્રથી (મનથી)આ જગત-રૂપી ચિત્ર બનાવી દીધું છે.
માટે એ માનસિક કાર્યમાં મનથી જુદો કોઈ કર્તા પણ નથી અને મનથી બીજું કોઈ કાર્ય પણ નથી.
સર્વ મનોમય જ છે,અને તે જ્યાંજ્યાં જેવોજેવો વિસ્તાર કરે છે,ત્યાંત્યાં તે વસ્તુરૂપે આખરે તે પોતે જ થઈને રહે છે.
આ રીતે દૃશ્યનો અભાવ હોવાથી,જે કંઈ દૃશ્ય-રૂપે જોવામાં આવે છે,તે સૌ અસત્ય જ છે.
"હું સુખી છું"એમ મન વડે માનવામાં આવે તો સુખી-પણું છે,અને "હું દુખી છું" એમ માનવામાં આવે તો દુખી-પણું.
આમ,સુખ-દુઃખ અને તેના સાધન-રૂપ દેહ,સ્ત્રી,પુત્ર,ધન આદિ પાર્થિવ (આકારવાળા) વિષયો-એ સર્વ મનોમય છે,
અને તેને લીધે જ એ સર્વ, જ્ઞાન થતાં શૂન્ય-રૂપ અથવા આત્મ-રૂપ જ જણાય છે.
જેમ સ્વપ્નમાં અનુભવમાં આવતા પર્વતો,સાક્ષીચૈતન્યનો જ એક જાતનો વિવર્ત હોવાથી,ચિદાકાશ-રૂપ છે,
છતાં,તેઓ પાર્થિવ (પૃથ્વીનો આકાર) કહી શકાય છે,તેમ દેહ,સ્ત્રી,પુત્ર,ધન આદિ પાર્થિવ (આકારવાળા)વિષયો,
(મનોમય રીતે પ્રગટ હોવા છતાં) એક જાતનો ચેતનાનો જ વિવર્ત હોવાથી ચિદાકાશ-રૂપ જ છે.
"અહંકાર પ્રગટ થાય છે" એટલે ઉત્પન્ન થવું-વધવું-ઘટવું-નાશ પામવો-વગેરે "ભાવિ વિકારો"ને,
ભ્રાંતિ વડે ધારણ કરી રહેલી,જગતના સર્વ પદાર્થોની સત્તા ખડી થઇ જાય છે.(એટલે કે જગત દેખાય છે)
પણ પછી,જો વિવેક વડે અહંકારનો અભાવ અનુભવવામાં આવે તો,જગતના પદાર્થોની સત્તા (એટલે કે જગત)
તેના મૂળ-સ્વરૂપ-બ્રહ્મમાં શમી જાય છે (આમ જગતનો નાશ થાય છે) કે જે મહા-શાંતિ આપનાર થાય છે.
જેમ સુવર્ણના દાગીનાના નામ-રૂપ એ બંને સુવર્ણથી જુદા નથી,
તેમ તમે, કે જે શાંત-આત્મા-રૂપ છો,તેનાથી અસત્ય-અહંકાર પણ જુદો નથી.
મુક્ત થઇ ગયેલો,સર્વ સંકલ્પ-વિકલ્પોના મૂળ-રૂપ મનથી રહિત,મૌનને ધારણ કરી રહેલો,
કર્મો કરતો હોવા છતાં-કર્તાપણાના અભિમાનથી રહિત હોવાને લીધે અકર્તા,અને,
અંદર શીતળતા-વાળો-વિવેકી પુરુષ,
શૂન્ય જેવો હોવા છતાં,પોતાના સ્વરૂપના આનંદ વડે પરિપૂર્ણ થઇ,શાંત થઈને રહે છે.
પ્રારબ્ધ-યોગે પ્રાપ્ત થયેલા વ્યવહાર કર્યા કરતો હોવા છતાં,પણ વાસના નહિ હોવાને લીધે,
પથ્થરની પ્રતિમાની જેમ,કર્તાપણાના અભિમાન વિનાનો જીવનમુક્ત પુરુષ,શાંત થઈને રહે છે.
આત્મ-સ્વરૂપને ઓળખી ગયેલા જીવનમુક્ત પુરુષના અવયવો પણ દેહાદિના સંયોગ વિના જ,
કોઈ વખતે,પ્રારબ્ધને અનુસરીને ક્રિયા કરે છે તો કોઈ વખતે નિષ્ક્રિય થઈને રહે છે.
ચિત્ત-વૃત્તિના બહિર્મુખપણાથી રહિત થઇ જઈ,પોતાના આત્મ-સ્વરૂપમાં જ અખંડ એકાકાર થઇ રહેલો
અને આશાથી-સ્નેહથી-મનોરથોથી-તથા ઇચ્છાથી રહિત થયેલો-તે વિવેકી પુરુષ,
પોતે શાંત અને અનંત આત્મા સાથે અખંડાકારવૃત્તિ વડે એકરૂપ જ થઇ રહેલો હોવાથી
તેને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી જ હોય?