તેમ જગતની અંદર રહેલ તથા ચોતરફ ફેલાઈ રહેલ સર્વ દૃશ્ય(જગત),એ બોધ-રૂપ (જ્ઞાન કે ચેતન-રૂપ) જ છે.
લાખ અને લાકડું -એ બંને પરસ્પર સંયોગ-સંબંધને લીધે,એકબીજામાં મિશ્ર થઇ ગયેલા જણાય છે,પરંતુ તેમનું મિશ્ર-પણું ઉપર ઉપરથી જ લાગે છે,બાકી વિવેક વડે અનુભવ કરતાં તેઓ જુદા જ નજરે પડે છે.
ખરી એકતા એ જ કહેવાય છે કે-જે વિવેક વડે અનુભવ કરતાં પણ કાયમ રહે.
પાણીમાં પાણીની અને દૂધમાં દૂધની જેમ,એકરૂપતા થાય છે,એ જ ઐક્ય (એકતા) કહેવાય છે,
"હું અમુક-રૂપ છું કે અમુક મારુ છે" એવો ચિત્તમાં અહંકાર સ્ફૂરી આવવો,તે જ બંધન-કારક છે,
જ્યારે,"હું-એવી કોઈ વસ્તુ જ નથી તો પછી મારું તો ક્યાંથી હોય?" એમ સમજાઈ જવું એ મોક્ષ છે.
માત્ર આટલી જ સમજણની વાત છે-અને તે (તેમ સમજવું તે) પોતાના તાબામાં પણ છે (પોતે કરી શકે તેમ છે)
તો પછી શા માટે મૂર્ખ બની જઈને મૂંઝાઈ રહેવું?
મિથ્યા-રૂપ અહંકારમાં,સત્ય-ચિદાત્માનો પ્રવેશ થવાથી,તેનું (ચિદાત્માનું) શુદ્ધ-બુદ્ધ-મુક્ત-સ્વરૂપ ઢંકાઈ જાય છે,
તેથી તે દેખાતું નથી.અથવા તો-અનંત આકાશ (મહાકાશ) ની અંદર ઘડા-રૂપ ઉપાધિને લીધે,
ઘટાકાશ (ઘડાની અંદરનું આકાશ) રૂપે મર્યાદિત પરિમાણમાં (માપમાં) આવી જવા-પણું પ્રાપ્ત થાય છે,
તેમ,મર્યાદાથી પર આત્માની અંદર અહંકાર-રૂપી ઉપાધિને લીધે મર્યાદા-પણું પ્રાપ્ત થાય છે.
હકીકતમાં (ઉપર પ્રમાણેનું) દ્વૈત ઘટતું નથી.કેમ કે જે સંબંધથી આત્માનું અહંકાર વડે ઢંકાઈ જવું-
કે (આત્માનું)મર્યાદામાં આવવું બને છે-એ સંબંધ જ -અહંકારને આત્માથી ભિન્ન કલ્પવા જતાં,
વસ્તુતઃ "આત્માથી ભિન્ન (જુદી) વસ્તુનું મિથ્યા-પણું જ છે" એ રીતનું હોવાને લીધે(તે સંબંધ)સંભવતો જ નથી.
આથી સિદ્ધ થાય છે કે-અહંકાર પણ આત્માથી જુદી સત્તા-વાળો નથી.માત્ર અવિદ્યા (માયા) વડે જ
આ ભેદની કલ્પના કરી લેવાથી ભેદ સ્ફૂરી આવે છે અને એ બંને (અહંકાર-આત્મા) એક જ હોય તેમ દેખાય છે.
વાસ્તવિક રીતે,જડ અને ચેતન એ બંને અંશોનું ભેગા થઇ જવું એ જ આત્મા છે,
પણ જો આવું આત્માનું સ્વરૂપ માનીએ તો મોટો વિરોધ આવે છે.
જો ચેતન અંશ,જડ-અંશમાં એકરસ-રૂપ થઇ મળી જાય છે-એમ માનવામાં આવે તો,
સર્વ જડ-રૂપ થઇ જતા,આત્મામાં "સત્તા-સ્ફૂર્તિ" થવી ઘટી શકે નહિ.
પણ જો જડ-અંશ,ચેતન-અંશમાં એકરસ-રૂપ થઇ જાય છે એમ માનવામાં આવે તો,
સર્વ ચૈતન્ય જ થઇ જતાં,(જો કે) સત્તા-સ્ફૂર્તિ સંભવે છે,
પરંતુ ચેતન-તત્વ પોતે નિર્વિષય હોવાથી તેનું સ્ફુરણ પણ નિર્વિષય જ થવું ઘટે છે,
કેમ કે,દરેક વસ્તુ જડ હોય કે ચેતન હોય,પોતાનું જે મૂળ હોય તેને કદી છોડતી જ નથી,
એ રીતે,જોઈએ તો-બંને (જડ-ચેતન) નું મળી જઈ એકરસ થઇ જવા-પણું,
(અંધારા-અને પ્રકાશની જેમ) અન્યોન્ય અનુભવથી વિરુદ્ધ છે.
અહીં,આત્મા તો સ્વભાવે જ ચેતન-રૂપ છે,તે કદી પણ જડ હોઈ શકતો જ નથી,
એટલે આ ચેતન-રૂપ આત્મા જે જડ-રૂપે જોવામાં આવે છે,તેનું કારણ તો બીજું જ (અવિદ્યા જ) છે,
બાકી એ ચેતનની જડ સાથે એક-રૂપતા તો સંભવી શકતી જ નથી.