જેમ મેઘની પંક્તિ (વાદળ) મારવાડ-આદિ નિર્જળ પ્રદેશમાં રહેતી નથી,તેમ માતૃપક્ષ અને પિતૃપક્ષ-એ બંને વિશુદ્ધ હોવાથી,કુલીનતાવાળી,ઉદાર,શીતળ,અને ચતુર પુરુષની બુદ્ધિ,અહીંના લોકોનો વિશ્વાસ કરતી નથી.
અંધકાર વડે વીંટાયેલી કોઈ ગુફાની અંદર અજગર થઇ રહેવું સારું,પણ આવા ગ્રામ્ય-લોકોનો સમાગમ થવો તો સારો જ નહિ.ગામડિયા લોકો (ગ્રામ્ય-વિષયો) મધમાં મળી ગયેલ વિષની જેમ,થોડીવાર તો સ્વાદ આપી મધુરતા બતાવનારા હોય છે,પણ બીજી જ ક્ષણે અપ્રીતિ ઉત્પન્ન કરી દે છે,ને માત્ર મારવામાં જ કુશળ હોય છે.
ધૂળ ઉડવાથી ભૂખરા થઇ ગયેલા,તૂટીફૂટી ઝૂંપડીઓમાં જ વૃદ્ધ થઇ ગયેલા,
હે રામચંદ્રજી,મેં એ મુસાફર (મંકિઋષિ) ને ઉપર પ્રમાણે કહ્યાથી,
મારાં વચનો વડે એ શીતળ થઇ ગયો અને પરમ સંતોષને પ્રાપ્ત થઇ ગયો અને મને નીચે પ્રમાણે કહ્યું.
"હે ભગવન,આપ કોણ છો?આપનો આત્મા જ્ઞાન વડે પરિપૂર્ણ લાગે છે.જેમ વટેમાર્ગુ પોતાની વાટમાં આવતાં ગામોના વ્યવહારોને જુદો રહી જોયા કરે,તેમ તમે ધૈર્યવાન રહી,કશાથી વ્યાકુળ નહિ થતાં,સાક્ષી-રૂપે નિર્લેપ રહી શી રીતે જોયા કરો છો ?શું તમે અમૃતપાન કરેલું છે? કે તમે કોઈ ચક્રવર્તી રાજા છો? કે વિરાટપુરુષ છો?
જો કે તમે અકિંચન હોવાથી સર્વ અર્થથી રહિત છો,છતાં તમે સંપૂર્ણ ચંદ્રમાના જેવા અને કેમ જાણે સર્વ અર્થથી પરિપૂર્ણ હો તેવા શોભો છો.વળી તમે સંસાર-સંબંધી રાગ-દ્વેષ આદિ દોષોથી અને દુઃખોથી રહિત છો,
નિરતિશય આનંદ વડે અને જીવનમુક્ત પુરુષોના ઉત્તમ ગુણો વડે પરિપૂર્ણ છો,આત્મકારવૃત્તિ હોવાથી દેહાદિકના ભાનથી રહિત છો અને કેવળ જાણે પરમાર્થમાં જ સ્થિર થઈને રહ્યા હો,તેવા દેખાઓ છો.
સમષ્ટિ-રૂપ દૃષ્ટિથી જોઈએ તો તો તમે સર્વ-રૂપ છો,અપવાદ દૃષ્ટિથી જોઈએ તો તમે એ સર્વરૂપ નથી,
તાત્વિક દૃષ્ટિએ જોતાં તમે કશારૂપ નથી.અને વ્યવહાર-દૃષ્ટિથી જોતાં અમુક દેહરૂપે તમે જોવામાં આવે છે.
હે મહારાજ,આપનું રૂપ શાંતિવાળું,મનોહર,કાંતિમાન,નિર્વિકાર,નિવૃત્તિને પ્રાપ્ત થયેલું અને આનંદ વડે પૂર્ણતા-વાળું કેમ દેખાય છે? તમે જો કે પૃથ્વી પર છો,તો પણ આકાશમાં રહ્યા હો તેવા જણાઓ છો.
સર્વ ક્ષણભંગુર જણાયાથી તમે આસક્તિમાત્રથી રહિત છો,
પરંતુ મારા જેવા દીન પુરુષોના ઉદ્ધાર માટે તમે જાણે સખત યત્ન કરતા હો-તેવા લાગો છો.
તમે સ્વભાવે શુદ્ધ છો,તમારું મન શુદ્ધ ચંદ્ર જેવું અમૃતમય છે,કોઈ પદાર્થમાં ફેલાઈ જતું નથી,
કોઈ પદાર્થમાં લોલુપ થતું નથી,વળી સદાકાળે તે પૂર્ણ જ રહે છે,તેથી કેટલીક વાતે તમે ચંદ્રથી પણ શ્રેષ્ઠ છો.
અંદરથી તમે નિષ્કલંક છો,શીતળ છો,પ્રકાશવાળા છો,અને સર્વત્ર સમાન દૃષ્ટિથી વર્તનારા છો.
સર્વજ્ઞતા,સર્વશક્તિમત્તા-આદિગુણો વડે યુક્ત,તમારા આત્મામાં આ આખું સંસાર-મંડળ (સુક્ષ્મ-રૂપે) રહેલ છે.
હું ધારું છું કે-તે (જગત)નો આવિર્ભાવ (જન્મ) અને તિરોભાવ (અદૃશ્યતા) પણ તમારી ઈચ્છાને આધીન છે.
હે મહાભાગ,હું શાંડિલ્ય-કુળમાં ઉત્પન્ન થયેલો મંકિ નામનો બ્રાહ્મણ છું.તીર્થયાત્રા માટે મેં ઘણે દુર સુધીનો પંથ કાપ્યો છે,સર્વ તીર્થો જોઈ ઘણે લાંબે કાળે હું મારે પોતાને ઘેર જવા ધારતો હતો,પરંતુ આ જગતની અંદર સર્વ પ્રાણીઓને વીજળીના ઝબકારાના જેવાં ક્ષણભંગુર જોઇને મારા મનમાં વૈરાગ્ય આવી ગયો છે,
તેથી,હું,ઘર તરફ જવાનો યત્ન કરતો નથી."