Sep 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-909

જેમ સૂર્યની કાંતિ (પ્રકાશ) આખા બ્રહ્માંડની અંદર પ્રસરી જાય,તેમ,"હું" એવા અહંકાર-રૂપે,
વીર્યની અંદર પ્રસરી રહેલ "જીવ-ચૈતન્ય" પગથી માથા સુધી આખા શરીરમાં પ્રસરી જાય છે અને
તે જોવાને માટે આંખ થઇ જાય છે,સ્વાદ લેવા જીભ થઇ જાય છે,સાંભળવાને કાન થઇ જાય છે.
શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ પાંચ વિષયો સંબંધી પાંચ જાતની વાસનાઓને ખડી કરી દઈ,
તે વડે,તે પોતાના આત્માને બંધનમાં નાખી,આસક્ત થઇ જાય છે.

જેવી રીતે,પૃથ્વીમાં રસ સર્વત્ર રહેલો હોવા છતાં,વસંત-ઋતુમાં તે અંકુર-રૂપે ઉદય પામે છે,
તેવી રીતે,ચેતન-તત્વ સર્વત્ર ભરપૂર છે,છતાં,પ્રથમ અજ્ઞાનના આવરણને લીધે,તે વિપરીત ભાવના વડે મન-રૂપ થઇ જઈ,અને,વીર્યમાં પોતાના અહંભાવને  લીધે,તેના એક દેશમાં (જગ્યાએ) તે,તે ઇન્દ્રિયો-રૂપી થઇ જાય છે.

જે પુરુષ આ સંસારમાં રૂઢ  થઇ રહેલા,મન-દેહ-અહંકાર-આદિ પદાર્થોમાં તેના અભાવોની ભાવના કરતો નથી,
તેવા મોક્ષને માટે યત્ન કરતા અજ્ઞાની પુરુષનું,જન્મ-મરણ-આદિ અનંત દુઃખ કદી શાંત થતું જ નથી.
જયારે,જીવનમુક્ત પુરુષ, બ્રહ્મના આકારે પરિણામ પામેલી,
માત્ર આભાસ-રૂપે દેખાતી સર્વ વાસનાઓ વડે યુક્ત હોવા છતાં પણ, તેની અંદર,
સર્વ દૃશ્યના મિથ્યા-પણાનો અટલ નિશ્ચય હોવાથી,સત્યમાં તો તે અંદરથી વાસના-રહિત જ હોય છે.

પવનવાળા આકાશની જેમ,તે અંદર શૂન્ય છતાં વસ્તુતઃ ચિદરૂપ હોવાથી શૂન્ય હોતો નથી.
જવું,બેસવું,અને સુવું-વગેરેમાં કશું લક્ષ્ય નહિ હોવા છતાં,પ્રારબ્ધ-યોગે સ્થિતિ કરી રહેલા,અને છઠ્ઠી ભૂમિકામાં પહોંચેલા જીવન-મુક્ત પુરુષને અનેક યત્નો વડે પણ સમાધિમાંથી જગાડી શકાતો નથી.

જીવ-ચૈતન્યનું ખરું સ્વરૂપ તો ચિન્માત્ર (ચૈતન્ય-માત્ર) જ છે,અને સર્વત્ર (શરીરમાં) ભરપૂર છે,
તો પણ તે શરીરના વીર્ય-રૂપ-ભાગમાં વિશેષ કરીને રહે છે.
આમ,જીવ-ચૈતન્ય શુદ્ધ ચિન્માત્ર (ચૈતન્ય-માત્ર) છે અને આ જગત તેમાં વિવર્ત-રૂપે ફેલાઈ રહેલું છે.
એટલે તે જગતને ભ્રાંતિ-રૂપ સમજી,કેવળ આત્મનિષ્ઠ થઈને રહેવું-એજ સ્થિતિ સર્વના રહસ્ય-રૂપ છે.

જેમ,સમૃદ્ધિ મેળવવા માટે અનેક દુઃખદાયી કાર્યો કરવાં પડે છે,અને હૈયાને વજ્ર જેવું કઠોર કરવું પડે છે,
તેમ,તમે મોક્ષ-રૂપ-પરમ-ઐશ્વર્ય મેળવવા માટે,પણ હૃદયને પથ્થર જેવું કઠણ રાખીને,
વૈભવ-આદિ સર્વ પદાર્થોમાં વૈરાગ્યવાન થઈને રહો.

હે રામચંદ્રજી,જડ શરીરનું હૃદયાકાશ પણ શરીરના જડપણાને લીધે,અવકાશ વગરનું (ઘટ્ટ) હોય છે.
પણ હવે તમે ચિદ-રૂપ છો અને તમારું હૃદયાકાશ પણ ચિદ-રૂપ છે,તો જડ પદાર્થનો તેની અંદર પ્રવેશ
ના થાય તે માટે,તેમે એ હૃદયાકાશને અવકાશ વગરનું અને ચિદાકાશ વડે સંપૂર્ણ-રીતે ભરેલું રાખો.

જ્ઞાની અને અજ્ઞાની-એ બંનેનાં સર્વ કર્મો,ઉત્પત્તિ અને નાશ-એ બંને ધર્મો વડે વ્યાપ્ત રહેલાં  છે.
પણ તેમાં જ્ઞાની વાસના-રહિત હોય છે,એટલું જ માત્ર વિશેષ છે.
બાકી તે વિના બંનેનાં કર્મોમાં બીજો કશો ભેદ જણાતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE