Sep 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-906

પોતાનું "આત્મ-તત્વ" તો વસ્તુતઃ સર્વદા સિદ્ધ જ છે,
અને એ આત્મ-તત્વના લાભથી, જે પુરુષ શાંતિ પામ્યો હોય છે,તે પુરુષ,
પ્રારબ્ધ-વશ આવી પડેલ યોગ્ય વ્યવહાર,અનાસક્ત થઇ,કર્યા કરતો હોય, તે "જ્ઞાની" કહેવાય છે.

આમ,જે "બોધ" (જ્ઞાન) પુનર્જન્મના મૂળ-રૂપ-અજ્ઞાનને છેદી નાખે છે ને મોક્ષ આપે છે,તેને જ "જ્ઞાન-પદ"
કહેવામાં આવે છે,પણ,તે વિનાનું બીજું ઉપર ઉપરનું જ્ઞાન કે જેમાં ચતુરાઈથી,પોતે જ્ઞાન મુજબ આચરણ
ના કરતાં,બીજાઓને,જ્ઞાન-કથા કરી,આજીવિકા મેળવવાના ઉપયોગમાં આવે-તે તો "સત્ય-જ્ઞાન-પદ" નથી.
એટલે,જે પુરુષ,આવી પડેલ કાર્યમાં ઈચ્છા અને સંકલ્પથી રહિત (અનાસક્તિથી) રહે છે,તેમજ
પોતાના ચિત્તને,નિર્મળ,અસંગ અને નિર્વિકાર રાખીને વ્યવહાર કરે છે-તે જ માત્ર "જ્ઞાની" કહેવાય છે.

જગતના સર્વ પદાર્થો વસ્તુતઃ (તત્વથી) છે જ નહિ,તો પણ જાણે,તેમની સત્તા હોય તેમ લાગે છે,તેવી જ રીતે,
તેમણે ઉત્પન્ન કરવામાં કોઈ કારણ જ નથી,છતાં,જાણે કોઈ "કારણ" થી ઉત્પન્ન થયેલા લાગે છે.
પણ,હકીકતમાં,સૃષ્ટિના આરંભ-કાળમાં કશો "કાર્ય-કારણ-ભાવ" હતો નહિ,પરંતુ,પાછળથી,
"પ્રગટ થવું-છુપાઈ જવું" -"ભાવ-અભાવ" -"ઉત્પત્તિ-પ્રલય" એ દ્વારા પદાર્થોમાં "કારણ"નો વ્યાપાર ચાલુ થયો,
અને "બીજ-અંકુર"-વગેરે-રૂપે એક-બીજામાં પરસ્પર "કાર્ય-કારણ-ભાવ" પ્રાપ્ત થવાનું ચાલુ થયું.

તત્વ-દૃષ્ટિથી જોવા જઈએ તો,ઝાંઝવાના જળની જેમ,સર્વ પદાર્થો મિથ્યા જ હોય તો તેનું વળી "કારણ" કેવું?
જે કંઈ,વસ્તુ (પદાર્થ) અસત્ય-પણાથી માત્ર આભાસ-રૂપે દેખાય છે,તેનું કારણ એક "અજ્ઞાન" જ છે,
અને તે વસ્તુના સ્વરૂપનું સારી રીતે (સત્યતાથી) "જ્ઞાન" થતાં,"અજ્ઞાન" પળવારમાં જ ક્ષય પામી જાય છે.
જીવ પોતાના આત્માને "બુદ્ધિ-સ્થૂળદેહ-કે ચિદાભાસ" એ ત્રણેથી રહિત,"એક-શુદ્ધ-ચૈતન્ય" જ,જયારે સમજે,
ત્યારે તે પૂર્ણ પરમાત્મા જેવો અને પરમ-આનંદ-રૂપ થઇ જાય છે.પણ,જો તે આવું (ઉપર મુજબનું) ના સમજે તો-બ્રહ્મ-ભાવને ના પામતાં,અજ્ઞાનમાં ગૂંચવાઈ જઈ જીવ-રૂપ જ થઇ રહે છે.

એટલે કે-જીવ,અજ્ઞાન દશામાં "બુદ્ધિ-સ્થૂળદેહ-કે ચિદાભાસ" માં આત્મ-ભાવ માનવાથી શુષ્ક (નીરસ) જેવો હોય છે,પણ જ્ઞાન થતાં,પરમાત્મા-રૂપી રસ વડે પોષણ મળવાથી,"બુદ્ધિ-સ્થૂળદેહ-કે ચિદાભાસ" ને આત્મા-રૂપે નહિ સમજતાં,પોતે પરમાત્મા-રૂપ થઇ જાય છે.આમ,જો આત્મામાં જો જીવ-ભાવ હોય તો,તે જીવભાવને લીધે,તે (જીવ-રૂપ બની) ઉંચી-નીચી-અનેક પ્રકારની ક્ષણ-ભંગુર યોનિઓમાં જન્મ લઇ,ઘસાઈ જાય છે.

જેઓ બ્રહ્મ-દૃષ્ટિને પામ્યા હોય છે-તેમની "ક્રિયા" બહાર કે અંદરના વિષયમાં કોઈ જાતનું અભિમાન કરતી નથી.
જળ જેમ સ્વાભાવિક રીતે જ નીચાણના ભાગોમાં જ ઢળે છે,તેમ તે ક્રિયાઓ પણ પ્રારબ્ધને જ અનુસરે છે.
આમ,નિરાભિમાનપણાને લીધે,એ ક્રિયાઓ સાચી રીતે અક્રિય-રૂપ જ છે.એમ તમે સમજો.
જેઓ,બ્રહ્મ-જ્ઞાન-રૂપી-ઉત્કૃષ્ટ-દૃષ્ટિને પ્રાપ્ત થઇ જઈ,દૃશ્ય-પ્રપંચને સાક્ષી-રૂપે જોયા કરતા હોય છે,
તેઓ,જ્ઞાન વડે નાશ પામેલા અને આભાસ-રૂપે દેખાતા આ દૃશ્ય-પ્રપંચને બ્રહ્મ-રૂપે જ જુએ છે,
તેથી તેમનું "એ દૃશ્ય-પ્રપંચને જોવું" એ વિદ્યમાન (દેખાતું) છતાં તે "નહિ" જેવું જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE