જીવ-ચૈતન્ય,ઉપાધિના યોગે 'જીવ-ભાવ'ને પ્રાપ્ત થયેલ છે,એટલે કે,પોતાના સ્વરૂપને જ તે 'જીવ-રૂપ' થઇ
રહેલ દેખે છે,બાકી અંદર કે બહાર,કોઈ જગ્યાએ આ 'જીવ-ભાવ' ચૈતન્યથી જુદી સત્તા-વાળો નથી જ.
રહેલ દેખે છે,બાકી અંદર કે બહાર,કોઈ જગ્યાએ આ 'જીવ-ભાવ' ચૈતન્યથી જુદી સત્તા-વાળો નથી જ.
"હવે પવન વાય છે" આ વાક્યમાં પવન પોતે જ 'વહેવાની ક્રિયા-રૂપ' છે અને તે 'વહેવાની ક્રિયા'
એ કંઈ પવનથી જુદી સત્તા-વાળી નથી,છતાં 'વહેવું' એ 'ક્રિયા' અને 'પવન' એ 'વસ્તુ' એ પ્રમાણે
વિકલ્પ-વાળી બુદ્ધિ વડે કલ્પના કરી 'પવન વાય છે' એમ કહેવામાં આવે છે.
આ જ પ્રમાણે,જીવ અને જીવ-પણું,એ બંને વિકલ્પ-વાળી-બુદ્ધિ વડે જ ભિન્નભિન્ન કલ્પાયેલ છે.
જીવ પોતે વાસ્તવિક રીતે બ્રહ્મ-રૂપ જ છે,છતાં અનિર્વચનીય અજ્ઞાન (અતિ-વિસ્તીર્ણ અવિદ્યા કે માયા)
વડે વીંટાયેલો છે,તે દૃશ્ય વસ્તુમાં (જગતના પદાર્થોમાં) વાસના વડે બંધાઈ રહ્યો છે અને ઇન્દ્રિયો-આદિ જડ-વર્ગમાં 'અધ્યાસ' વડે પોતા-પણું (હું-પણું) માની બેઠો છે.પોતાના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપને (સત્યને)
તે દેખતો નથી,અને તેમાં 'દૃષ્ટા-દૃશ્ય' ના ભેદની કલ્પના કરીને,તે જીવ 'અભિમાની' થાય છે.
અજ્ઞાન-રૂપ અને અસત્ય છતાં મિથ્યા-રૂપે પોતાના આકારને બતાવનારી 'અહંકાર-રૂપી-ગાંઠ'ને ભેદી
નાખવી તે જ મોક્ષ કહેવાય છે.માટે હે રામચંદ્રજી,અજ્ઞાન-રૂપ-વાદળાંથી રહિત થઇ જઈને,
તમે પ્રકાશમય-ચેતનને જ પોતાના 'આત્મા-રૂપ' સમજો.દેહ-આદિને આકારે થઇ રહેલી,
અહંકાર-રૂપ-ઉપાધિને તમે 'આત્મા-રૂપ' સમજશો નહિ.અજ્ઞાનનો જ્ઞાન વડે નાશ કરી,અને અનિર્વચનીય-એક-આનંદઘન ચિદ-રૂપે જ,તમે સદાકાળ,ચોતરફ ઉદય પામજો.
(૨૧) શુભાશુભ જ્ઞાનબંધુતા
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,હમેશાં જ્ઞાની થવું એ યોગ્ય (સારું) છે,પરંતુ 'જ્ઞાનબંધુ' થવું એ યોગ્ય નથી.
('જ્ઞાનબંધુ' એટલે-કે જ્ઞાનને બહાને સત્કર્મો પ્રત્યેની શ્રદ્ધાનો નાશ કરી દઈ,ભોગ-લંપટ-પણાથી,
પોતાને અને બીજાને પણ,કર્મોના બંધનમાં નાખવું)
જે કશું જાણતો ના હોય,તેને હજી કંઈ હું શ્રેષ્ઠ માનું,પણ જ્ઞાનબંધુ-પણું તો જરા પણ સારું નથી.
રામ કહે છે કે-જ્ઞાનબંધુ કોને કહેવો? વળી જ્ઞાની અને જ્ઞાનબંધુ-પણામાં શું શું ફળ રહેલું છે?
વસિષ્ઠ કહે છે કે-જે મનુષ્ય,કારીગરની જેમ,માત્ર પોતાની આજીવિકા ચલાવવા સારું અધ્યયન કરે અને
કથાકાર બની વ્યાખ્યાન કરે,પરંતુ જ્ઞાન થવાના ઉપાય-રૂપ સાધન-ચતુષ્ટય સંપાદન કરવામાં,કે,
મનન-આદિ કરવામાં કશો પ્રયત્ન કરે નહિ-તે જ્ઞાનબંધુ કહેવાય છે.