એટલે વસ્તુતઃ તો તે વિરાટ-પુરુષ (બ્રહ્મા) પણ (બ્રહ્મની જેમ જ) આકાશની જેવો સ્વચ્છ,
નિર્વિકાર,શાંત,નિત્ય,આનંદરૂપ અને પ્રકાશમય છે.તે પોતે પાંચ-મહાભૂતો-વાળો નથી -
છતાં કેમ જાણે પંચભૂત-રૂપે (સ્થૂળ શરીર-રૂપે) થઇ રહેલ હોય,તેમ જણાય છે.
આમ,એ વિરાટ-પુરુષ (ઈશ્વર-રૂપથી) સર્વ (સૃષ્ટિના) પુરુષોનો (સમષ્ટિ-રૂપે) એક જ પુરુષ છે,
એ પોતાની મેળે જ ઉદય પામે છે,સર્વત્ર પ્રસરી રહે છે અને સંકોચ પામીને લય પણ પામે છે.
એ વિરાટ-પુરુષે,પોતાના "સંકલ્પ" વડે,ઉત્પન્ન કરેલ અનેક કલ્પો વડે,એક ક્ષણ-માત્રમાં જ,પોતાની ઇચ્છાથી
(સંકલ્પથી) ઉદય પામે છે,અને (ભોગ ભોગવ્યા પછી) પોતાની ઈચ્છા-અનુસાર લય પણ પામે છે.
સમષ્ટિ-ભાવે (બ્રહ્મ કે પરમાત્માના) મનોમય-રૂપને ધારણ કરનાર,એ વિરાટ-પુરુષ (બ્રહ્મા કે આત્મા),
સર્વના ઉપાદાન-કારણ-રૂપ-ઈશ્વર (બ્રહ્મ-કે-પરમાત્મા-કે ચૈતન્ય) નો એક જાતનો સ્થૂળ સમષ્ટિ- દેહ છે.
અને,વ્યષ્ટિ-ભાવે (વ્યક્તિગત-કે પ્રત્યેક-ભાવે) રહેલા સર્વ "વ્યષ્ટિ-જીવો"નું "લિંગ-દેહ-રૂપે" જે "પુર્યષ્ટક"
(વ્યષ્ટિ-દેહ) કહેવાય છે (કે જે દેહ-વડે પરલોકમાં જવાય છે) તે-રૂપ પણ તે (વિરાટ-પુરુષ) થઇ રહેલ છે.
તે કીડી જેવા નાના (સૂક્ષ્મ) દેહથી માંડી હાથી જેવા મોટા સ્થૂળ-દેહમાં "સ્થૂળ-રૂપે" થઇ રહેલ છે.
જો કે તે સ્ફુટ રીતે (નરી આંખે) જોવામાં આવે છે,છતાં તે વસ્તુતઃ "ચિદાકાશ-રૂપ" જ છે.
તે સર્વની બહાર અને અંદર-સર્વ ઠેકાણે રહેલ છે,પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિથી જોઈએ તો તે કશા-રૂપ નથી,
અને (છતાં) વ્યવહારિક દૃષ્ટિએ જોઈએ તો તે કંઇક "મર્યાદિત-રીતે" (સ્થૂળ-દેહ-રૂપે) દેખાય છે.
હે રામચંદ્રજી,પાંચ જ્ઞાનેન્દ્રિયો સહિત પ્રાણ,મન તથા અહંકાર-એ આઠ તે (વિરાટ) ના અવયવો છે,
અને દૃશ્ય-તથા અદૃશ્ય પ્રપંચ-માત્રમાં "રસ-રૂપે" રહેલ છે.
એ વિરાટ-રૂપે,બ્રહ્મ-રૂપ થઈને "શબ્દ અને અર્થની કલ્પના સાથેના વેદો" ને પ્રગટ કર્યા છે.
(નોંધ-વેદો,બ્રહ્માના મુખેથી નીકળેલા (પ્રગટ થયેલા) છે-એમ કહેવામાં આવે છે)
તેણે,શાસ્ત્ર-સંબંધી સદાચાર-વગેરેની જે મર્યાદા બાંધી છે,તે આજ સુધી તેવીને તેવી જ રીતે ચાલી આવે છે.
સ્વર્ગ (ઉર્ધ્વ) લોક એ વિરાટ-પુરુષના મસ્તક-રૂપ છે,પૃથ્વીલોક તેના પગના તળિયા-રૂપ છે,
અને એ બંનેની વચમાં રહેલ આકાશ તે તેના જઠર-રૂપ છે. આ બ્રહ્માંડ-રૂપ-મંડપ તેનો દેહ છે.
જળ,તેના રુધિર-રૂપ છે,પર્વતો તેની માંસ-પેશીઓ-રૂપ છે,નદીઓ નાડીઓ-રૂપ છે,
સમુદ્રો રુધિરને ધારણ કરનારી પેશીઓ-રૂપ છે,દ્વીપો આંતરડાં-રૂપ છે,દિશાઓ બાહુ-રૂપ છે,
ઓગણપચાસ વાયુઓ તેના પ્રાણવાયુ-રૂપ છે,સૂર્ય-મંડળ નેત્ર-રૂપ છે,
અને,ચંદ્રમંડળ-એ- જીવ-રૂપ,વીર્ય-રૂપ,ચરબી-રૂપ,બળ-રૂપ તથા મન-રૂપ છે.