Aug 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-900

તે સમષ્ટિ-જીવ જો,અંદરના અને બહારના પદાર્થો સંબંધી સંકલ્પ-માત્રથી રહિત થઇ જાય તો,
તે પોતાના શુદ્ધ  સ્વ-રૂપમાં રહી,બ્રહ્મ-ભાવ-રૂપી-પરમ-ગતિને પ્રાપ્ત થાય છે.
અને જીવ-ભાવ પોતાનામાં.પોતાનાથી જ કલ્પાયેલો છે-એમ તેને સમજાઈ જાય છે.

સમષ્ટિ-જીવ,બ્રહ્મ-તત્વમાં એક-રસ-રૂપે રહેલ છે,પણ તે જ્યારે પોતામાં "સમષ્ટિ-અહંકાર"ને કલ્પી લે છે,
ત્યારે તે પોતાના સર્વ-શક્તિમાન પણાથી,દેશ-કાળ-ક્રિયા-દ્રવ્ય સંબંધી વિવિધ પ્રકારની શક્તિઓ પ્રગટ કરે છે.આ રીતે તે સર્વજ્ઞ અને સર્વ-શક્તિમાન એવા "રુદ્ર"  (દેવ-રૂપે-મહેશ) નામથી ઓળખાય છે.

પછી,એ સમષ્ટિ-જીવ,દેશ-કાળ-ક્રિયા તથા દ્રવ્યોના "સૂક્ષ્મ-સંસ્કાર-રૂપે" પ્રગટ થવાથી,
તેને પ્રતીતિમાં આવેલા "સ્થૂળ-પણા"થી મિથ્યા આકારને (એટલે કે દેહને) ધારણ કરી,
"સમષ્ટિ-ચિત્ત"ને પોતાની અંદર "કલ્પી" લે છે-તે "વિષ્ણુ" (દેવ-રૂપે) નામથી કહેવાય છે.

પછી,એ (સમષ્ટિ-જીવ), મન-રૂપી-સમષ્ટિના અભિમાની-દેવ-ચંદ્રની અંદર,પોતાના સ્વરૂપને દેખે છે.
(એટલે કે-તે સમષ્ટિ જીવ,મન-રૂપી સમષ્ટિનું અભિમાની-પણું ધારણ કરે છે.)
અને જેમ,સ્વપ્નમાં કોઈ મનુષ્ય પોતાના મરણનો મિથ્યા-રૂપે તેને અનુભવે છે,
તેમ તે (જીવ) પોતાની અંદર મિથ્યા-રૂપે તેને (અભિમાનને) અનુભવે છે.
(એટલે કે-સર્વના મૂળ-રૂપ એ પરમ-તત્વ,પણ,પોતાને "સમષ્ટિ-ચિત્ત-રૂપે" સમજે છે)

આ રીતે, તેને (સમષ્ટિ-જીવને) મન (ચિત્ત)-રૂપી સમષ્ટિમાં "અભિમાન" થાય છે,
કે જેથી તે પોતાનું (ચેતન-સત્તા-રૂપ) ખરું સ્વરૂપ ભૂલી જાય છે -
અને જેથી,પોતાનામાં "વિરાટ-રૂપના-સ્થૂળ-ભાવ"ની કલ્પના કરી તે-"વિરાટ-રૂપ" બની જાય છે.

આ "વિરાટ-રૂપ" (મન-રૂપી-સમષ્ટિના અભિમાની દેવતા ચંદ્ર વડે) સ્થૂળ-ભાવ-વાળું કલ્પાયેલ છે.
(એટલે કે-સમષ્ટિ-જીવ,"વિરાટ-રૂપ" થઇ જઈ,તે પોતામાં સ્થૂળભાવની ભાવના વડે વિસ્તાર પામે છે)
આમ,બુદ્ધિ,જયારે  સમષ્ટિનું "અભિમાન" ધારણ કરી લે છે-ત્યારે તેને "બ્રહ્મા" (વિરાટ પુરુષ) કહેવામાં આવે છે.

આ "વિરાટ-દેહ" (બ્રહ્મા) પોતાના ભોગને માટે,
પોતાના આત્માની (કે જે મન-રૂપી સમષ્ટિના અભિમાની ચંદ્રબિંબ-રૂપે થઇ ગયેલ છે-તેની) અંદર,
સૂર્ય(અગ્નિ),દિશા(આકાશ),જળ,વાયુ,અને પૃથ્વી (પંચમહાભૂતની) એ "પાંચે ઇન્દ્રિયો-રૂપી અવયવો"ને,
(કાકતાલીય ન્યાયે-કે કલ્પનાથી) ભિન્ન ભિન્ન-રૂપે ઉદય પામેલા અનુભવે છે.
અને "પાંચ-ઇન્દ્રિયો-રૂપી-અવયવો" ના જુદા જુદા સ્થાન-રૂપે થઇ રહેલા,ભોગના દ્વારોને પણ અનુભવે છે.
તથા,તે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ પણ તે કરે છે (એટલે કે -ભોગ ભોગવે છે)

એ વિરાટ પુરુષ(બ્રહ્મા),મનના અનંત વિકલ્પોને લીધે,અનંત આકાર-વાળો થઈને રહે છે,
જો કે તેનાં આ કાર્યો મિથ્યા જ છે,એ તો પોતાના કારણ (બ્રહ્મ) માં જ અસ્ફૂટ-પણે રહેલો છે.
અધિષ્ઠાન-સત્તા સિવાય તેનું બીજું કોઈ અધિષ્ઠાન નથી,તેથી જ તેને નિર્વિકાર પણ કહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE