આ દૃશ્ય(સૃષ્ટિ)-રૂપી-નદી,ત્યાં સુધી તો ખૂબ વેગથી વહ્યે જાય છે,કે જ્યાં સુધી અડધી પ્રાપ્ત થયેલી ને અડધી નહિ પ્રાપ્ત થયેલી,ચોથી ભૂમિકાથી,છઠ્ઠી ભૂમિકા (પરમ-પદ) સુધીની અવસ્થામાં "આ સઘળું માયામય છે" એવો જયારે,અનુભવ થાય,
(એટલે કે,જયારે તેનું (સૃષ્ટિનું) ખરેખરું સ્વરૂપ જોવામાં આવે- ત્યારે તે (સૃષ્ટિ) નદી લય પામી જાય છે.)
ભુશુંડ કહે છે કે-હે વિદ્યાધર,આ માયા એવી વિચિત્ર છે કે-હરકોઈ કારણથી ગમે તે કાળે,ગમે તે સ્થળે,
ગમે તે પ્રકારે ખડી થઇ જતા જોવામાં આવે છે.જેમ,જળથી ભરેલાં વાદળાંમાંથી વૃષ્ટિ થાય છે,તેમ, આ માયા
પણ અહંકારના જ માત્ર ચમત્કારથી ઉત્પન્ન થાય છે,અને સત્ય-રૂપે તેને જોતાં તે ઝાકળની જેમ નાશ
પામી જાય છે.જે સર્વના સાક્ષી-રૂપ બ્રહ્મ-ચૈતન્ય છે,તે ખરેખર તો સર્વ વિકલ્પોથી રહિત (નિર્વિકલ્પ) છે.
(૧૫) અહંકારની નિવૃત્તિથી જગતની ભ્રાંતિ દૂર થાય છે
ભુશુંડ કહે છે કે-જેમ ત્રસરેણુની અંદર રહેલા ઇન્દ્રને એક ત્રસરેણુ(ત્રણ અણુનો એક અણુ) માં
પણ જગત દેખાતું હતું,તેમ,જ્યાં અહંકાર (એકલો જ-ત્રસરેણુ રૂપે ) હોય ત્યાં જગત તૈયાર થઈને
આવી ઉભું રહે છે.આમ,જગત-સંબંધી-ભ્રાંતિનું મૂળ તપાસવા બેસીએ તો તે "અહંભાવ" જ છે.
કે જે "હું કંઇક અમુક-રૂપ છું" એમ માની બેસે છે.
વાસના-રૂપી-રસથી સિંચાયેલા,અહંકાર-રૂપી-બીજથી,ભોગો-રૂપી-ફળ-વાળું,ત્રિલોકી-રૂપ વૃક્ષ પેદા થાય છે.
આ જગત,અહંકાર-રૂપી કમળના સુગંધી-પવન-રૂપ જ છે એમ તમે સમજો.
જેમ,પવન અને તેની ગતિ જુદાં નથી,તેમ અહંભાવ અને જગત એ બંને જુદાં નથી.
અહંકારની અંદર જગત અને જગતની અંદર અહંકાર રહેલો છે,એ બંને એકબીજામાં પરોવાયેલાં છે,
એકબીજામાંથી ઉત્પન્ન થવાના સ્વભાવ-વાળાં છે,અને એકબીજાને આધીન સ્થિતિ-વાળાં છે,
(એટલે કે "આધાર-આધેય-ભાવ"ની જેમ પરસ્પર થઈને રહેલ છે)
જે રીતે ચિત્રને જળથી ધોઈ નાખી શકાય છે,તે રીતે,જે પુરુષ,તે અહંભાવને (જ્ઞાન વડે,સંકલ્પનું સ્ફુરણ જ
ન થવા દેતાં) ધોઈ નાખે,તો તેણે જગત-રૂપી મેલ ધોઈ નાખ્યો છે-તેમ સમજવું.
હે વિદ્યાધર,તાત્વિક દૃષ્ટિએ જોતાં અહંકાર કે જે "હું" એવો ભાવ પેદા કરનાર છે,તે છે જ નહિ,
પણ,તે વિના-કારણે જ અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલો જણાય છે.
કેમકે-બ્રહ્મ કે જે સર્વત્ર એક-રસ-રૂપે વ્યાપી રહેલ છે,તેમાં અહંભાવ પેદા થવાનું કોઈ કારણ જ નથી,
એટલે તે અહંકાર દેખાય છતાં તેને સત્ય કહી શકાતો નથી.
અને તે અહંકાર નથી તો જગત પણ નથી જ.આમ જગતનો અભાવ થતાં,એક માત્ર ચૈતન્ય-રૂપ આત્મા જ
બાકી રહે છે.કે જે પોતે જ નિર્વાણ-રૂપ છે.માટે જ્ઞાન-નિષ્ઠાથી તમને જેમ સુખ આવે તેમ તમે રહો.