Aug 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-884

ભુશુંડ કહે છે-માયામાં પ્રતિબિંબિત થયેલ શબલબ્રહ્મ (ઈશ્વર)રૂપી-ચિત્રમાં આલેખાયેલું,આ દૃશ્યમાન
જગત-રૂપી-ચિત્ર,(શુદ્ધ ચિદાકાશ-રૂપી-ભીંતની અંદર શુદ્ધ ચિદાકાશ) પણ,જે પોતાનું વાસ્તવ-રૂપ (બ્રહ્મ) છે,
તે રૂપે જ રહેલ છે.જડ કે ચેતન સંબંધી,જેવાજેવા સંકલ્પો વારંવાર ચિત્તમાં અહર્નિશ સ્ફૂર્યા કરે છે,
તેવું તેવું પોતાની મેળે જ થઇ જાય છે.માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો.

ચિદાત્માના ચમત્કારો જ ચૈતન્ય-રૂપ-આકાશની અંદર ભ્રાંતિ વડે જગતના આકારે દેખાય છે,પરંતુ જાણવાનું
સર્વ જેણે જાણી લીધું છે,એવા જ્ઞાની પુરુષે તે શુદ્ધ ચૈતન્યને જાણેલું હોવાથી, તેને,પારમાર્થિક વિચારમાં કોઈ અટકાવનાર થતું નથી.જયારે સંસારમાં રચ્યાપચ્યા રહેનાર અને અજ્ઞાન-રૂપ અંધકાર વડે વ્યાપ્ત થયેલી
દૃષ્ટિ-વાળા પુરુષને પોતાના આત્મામાં જ જગતની ભ્રાંતિ સ્ફૂરી આવે છે.

(૧૦) બ્રહ્મ નિર્વિકાર છે અને જગત મિથ્યા છે

ભુશુંડ કહે છે કે-ચૈતન્ય તત્વથી જુદા જણાતા આ જડ જગતની જે કંઈ સ્ફૂર્તિ થાય છે,તે "ચેતન-સત્તાથી" જ છે, એમ તમે સમજો.પણ,જેમ,જળમાં પડછાયા-રૂપે પડેલો અગ્નિ,ભિન્ન-રૂપે દેખાતાં છતાં,જળથી જુદો કહી શકાતો નથી,તેમ,જડ-વસ્તુ એ ચેતન-સતાથી "જુદી" નહિ હોવાથી,જડ અને ચેતન-એ બંને જુદાં કહી શકાતાં નથી.
આમ જડ-ચેતનનો "અભેદ" હોવાથી,કોઈ વિક્ષેપ નહિ પામતાં સ્વસ્થ થઈને તમે રહો.

જેમ,ચંચળતા વિનાના (સ્થિર) નિર્મળ જળની અંદર  કંઇક "ફીણના પરપોટાનો સૂક્ષ્મભાવ" એ ભવિષ્યમાં થવા માટે રહેલો જ હોય છે,તેમ,બ્રહ્મ કે જે માયાનો સંબંધ થતાં "ઈશ્વર-પદ" એવા નામ વડે સંબોધાય છે.
(તે બ્રહ્મ સર્વ-શક્તિમાન હોવાથી તેની અંદર જ સૂક્ષ્મ-રૂપે- જ જડશક્તિ (કલ્પિત માયા) રહેલી છે)
પરંતુ,જેમ કોઈ "કારણ" વિના,જળમાં સૂક્ષ્મ-ભાવથી રહેલો ફીણનો પરપોટો ઉત્પન્ન થતો નથી,
તેમ,જગતની ઉત્પત્તિનું કારણ શોધવા જાઓ તો -કોઈ કારણ મળતું નથી,
કેમ કે -તાત્વિક દૃષ્ટિથી જોતાં,પરમતત્વ-નિર્વિકાર  (બ્રહ્મ)માં માયા જ નહિ હોવાથી,તેમાંથી સૃષ્ટિ આદિ કંઈ ઉત્પન્ન થતું જ નથી.(માત્ર કલ્પના કરવામાં આવે છે) એટલે આ સૃષ્ટિની સ્થિતિ,કારણ વિના જ માત્ર ભ્રાંતિથી જોવામાં આવે છે.આમ "કારણ"  નો અભાવ હોવાથી જગત ઉત્પન્ન થયું જ નથી (જેથી તે મિથ્યા છે)

આમ,સર્વ ફક્ત એક નિર્વિકાર પર-બ્રહ્મ-રૂપ જ છે,માટે તમે પણ બ્રહ્મ-રૂપે સર્વત્ર ભરપૂર રીતે છો,
શિલાના અંદરના ગર્ભની જેમ,છેદ અને ભેદ વિનાના છો,આકાશના અંદરના ભાગની જેમ નિર્વિકાર છો,
અને એથી તમે જન્મથી રહિત છો,નિરવયવ (અવયવ વિનાના) અને જ્ઞાન-સ્વ-રૂપ છો.
"વ્યવહાર-દૃષ્ટિ" એ જોતાં તમે સર્વમાં (અનિર્વચનીયરીતે) રહેલા છો,અને
"તાત્વિક-દૃષ્ટિ" એ જોતાં,(સર્વ મિથ્યા હોવાથી) તમે કશામાં કોઈ પણ રૂપે રહેલા નથી.
માટે નિઃશંક-પણે સારી રીતે-સુખપૂર્વક રહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE