Aug 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-878

(૫) વિદ્યાધરની કથા-વિદ્યાધરના પ્રશ્નો

વસિષ્ઠ કહે છે કે-ચિત્તનો અને ઇન્દ્રિયોનો વિષયો તરફ દોડવાનો જે સ્વભાવ છે-તેને પ્રથમ જીતી લઇ,પછી વિવેકમાં જે પ્રવૃત્તિ કરે છે,તેને વિવેક-વગેરે તત્કાલ સિદ્ધ થાય છે.જે બુદ્ધિ-રહિત મૂઢ-પુરુષે મનના તથા ઇન્દ્રિયોના સ્વભાવને અંદરથી જીતેલો નથી,તે સંયમ વિનાના પુરુષને કદી ઉત્તમ-પદની પ્રાપ્તિ થતી નથી.
જેમ નિર્મળ વસ્ત્રમાં તેલનું બિંદુ તરત લાગી જાય છે,તેમ શુદ્ધ ચિત્ત-વાળા પુરુષને થોડો ઉપદેશ પણ તરત જ
લાગી જાય છે,પણ વિવેક-કે વિચાર આદિ સાધન-વગરના ક્ષુદ્ર ચિત્ત-વાળાને ઉપદેશ લાગી શકતો નથી.

આ બાબતમાં એક પ્રાચીન ઈતિહાસ મને મેરુ-પર્વતના ઉપરના ભાગમાં ભુશુંડે કહ્યો હતો.
તે વખતે,જયારે મેં ભુશુંડને પૂછ્યું હતું કે-મૂઢ બુદ્ધિ વાળો,અને સ્વછંદી, જ્ઞાન વગરનો
કોઈ પુરુષ ઘણા કાળ સુધી ચિરંજીવ રહ્યો હોય-તેવો કોઈ તમારા સ્મરણમાં છે?
ત્યારે મારા પૂછવાથી ભુશુંડે મને જે કહ્યું હતું તે તમે સાંભળો.

ભુશુંડ કહે છે કે-પૂર્વ-કાળમાં લોકાલોક પર્વતના અંદરના શિખરમાં કોઈ એક વિદ્યાધર રહેતો હતો,
કે જે આત્મજ્ઞાનથી રહિત અને ઇન્દ્રિયો નહિ જીતાયાથી ખેદ પામેલો હતો.
વિવિધ પ્રકારના તપને લીધે અને યમ-નિયમો પાળવાથી,તે સુકાઈ ગયો હતો,પણ,"વિચારશીલ તથા સદાચાર"
કે જે "આયુષ્યની વૃદ્ધિના હેતુ-રૂપ" છે,તે ગુણો તેનામાં હતા એટલે,તે પહેલા ચાર કલ્પ સુધી,
ચિરંજીવી રહી શક્યો હતો.પછી ચોથા કલ્પને અંતે,ઘણા લાંબા કાળ સુધી તપ-યમ-નિયમ-આદિ પાળવાથી,
વિવેકના ઉદય થવાની યોગ્યતાનો સમય આવી જતાં, તેનામાં વિવેકનો ઉદય થયો.

"વારંવાર મૃત્યુ પ્રાપ્ત થાય છે,જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા ફરી ફરી આવે આવે છે,
તે સર્વ વાત મારા માટે ના થાઓ,કેમકે વિચાર કરતાં મને તેથી વૈરાગ્ય આવે છે.
એવું શું હશે કે જે સ્થિર થઈને રહે?"

એવો વિચાર કરી,પાંચ પ્રાણ,દશ ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને સ્થૂળ દેહ-એ આધાર-અવયવો-વાળા,
પોતાના "દેહ-રૂપી-નગરી"ના મમત્વ-રૂપી ભારને ઘણા કાળ સુધી ઉપડવાને લીધે,થાકી જવાને લીધે,
તે,વૈરાગી ચિત્તવાળો અને સંસારની વાસનાથી રહિત થઇ ગયેલો,વિદ્યાધર મારી પાસે આવ્યો.
ઉદારતા-પૂર્વક મને નમસ્કાર તથા મારો સત્કાર-પૂજા કરીને તે જિજ્ઞાસુએ (વિદ્યાધરે) મને પ્રશ્ન  કર્યો.

વિદ્યાધર કહે છે કે-આ દેહની ઇન્દ્રિયો ઉપરથી કોમળ જણાય છે,પણ તે પથ્થરથી પણ દૃઢ ને બળ-વાળી છે,
તે દુઃખ પેદા કરનાર છે,અને મનુષ્યને છિન્નભિન્ન કરી નાખવામાં ચતુરતા-વાળી છે.
આ ઇન્દ્રિયો,હૃદયમાં બહુ દૃઢ થઇ રહેલી છે અને અજ્ઞાન-રૂપ અંધકારમાં રહેવાને માટે તો તે જંગલ-રૂપ જ છે,
વળી તે કામ-આદિ વાંદરાઓ વડે વીંટાઈને રહેલી છે,મલિનતાથી પૂર્ણ છે,વિપત્તિઓ પેદા કરનાર છે,
ચોતરફ બહુ જ આગ્રહ રાખનાર છે,અને કદાચિત દૈવ-યોગથી પેદા થયેલા,શમ-દમ-આદિ ગુણોને બાળી
નાખનાર છે.આ ઇન્દ્રિયોને અને તેના મૂળ-રૂપ મનને જીતવાથી જ સુખ પ્રાપ્ત થાય છે,ભોગો વડે નહિ,
તો પછી,મને (વિદ્યાધર સંબંધી મળેલા) ભોગોનું શું પ્રયોજન (હેતુ) છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE