Aug 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-877

આમ,અહંકાર જ આ જગતનું બીજ છે,તેને તેના મૂળ-રૂપ-અજ્ઞાનનો નાશ કરી જો બાળી નાખવામાં આવે તો-
પછી "આ હું,આ તમે,આ જગત,આ બંધન-વગેરે" ની કલ્પના ક્યાંથી થઇ શકે?
જે બ્રહ્મ-તત્વ ત્રણે કાળમાં નિત્ય સત્તા-રૂપે છે,અપરિમેય છે,નિરતિશય આનંદ-રૂપ છે,અને ચિદાત્મા-રૂપે સર્વત્ર એકરસ-રૂપે થઈને રહે છે,તેમાં મલિનતા વાળો "અહંકાર" પ્રગટ થવાથી જ તેનું મૂળ-રૂપ ભુલાઈ જાય છે.

જેમ મરીની અંદર તીખાશનો ચમત્કાર રહેલો છે,તેમ અહંકારની અંદર પર્વતો,સમુદ્રો અને નદીઓ-સહિત આ દૃશ્ય-સત્તા રહેલી છે,તથા બાહ્ય ઇન્દ્રિયોથી પદાર્થોનો અનુભવ થવો-અને-તે વડે પેદા થતી કામ-સંકલ્પ-આદિ માનસિક વૃત્તિઓ,પણ અહંકારમાં જ રહેલી છે.વળી,સ્વર્ગ,પૃથ્વી,વાયુ,આકાશ,દિશાઓ-આદિ પણ
અહંકાર-રૂપી-ઝેરી-પુષ્પની મનોહર સુગંધ-રૂપ છે.

જેમ,ઉદય પામેલો દિવસ,પોતે ફેલાઈ જઈ,વિદ્યમાન (હાજર રહેલા) પદાર્થોના પ્રકાશને,અને
તે સંબંધી માનસિક વ્યાપારને પ્રગટ કરે છે,તેમ,અહંકાર જ ઉદય પામી,પોતે ફેલાઈ જઈ જગતને પ્રગટ કરે છે.
જેમ,દિવસ ઉગતાંની સાથે જ,પદાર્થ પ્રગટ-રૂપે થાય છે,તેમ,ક્ષણમાત્રમાં તે અહંકાર જગતને બનાવી દે છે.
એટલે કે,જયારે,બ્રહ્મ-રૂપી-જળની અંદર અહંકાર-રૂપી-ખરાબ-તેલનું ટીપું પડી,
તે ફેલાય કે તરત જ આ ત્રણ-લોક-રૂપી કુંડાળું થઇ જાય છે.

જેમ,કમળાના રોગથી દુષિત આંખ,ધોળા પદાર્થીને પણ પીળા દેખે છે,(કે જે સાવ અસત્ય જ છે)
તેમ,અહંકાર પોતે ઉદય પામતાં,આ જગત કે સાવ અસત્ય છે-તે સત્ય-રૂપે દેખાઈ પડે છે.
તેથી,એક પળ ભર પણ જો જ્ઞાન થાય તો જગતનો લય થતાં જગતનો અનુભવ થતો બંધ થાય છે.અને-
આત્મ-તત્વનો સાક્ષાત્કાર થવાથી,તે અહંકાર જો ક્ષીણ થઇ ગયો હોય તો,આ સંસાર અનુભવમાં આવતો નથી.

સ્વયંપ્રકાશ અને ચૈતન્ય-રૂપ પોતાના આત્માની ભાવના કરવાથી,એટલે કે એક માત્ર આત્માકાર વૃત્તિ જ રાખવાથી,સિદ્ધ થનાર "આત્મતત્વની પ્રાપ્તિ-રૂપ-ઉત્તમ-વસ્તુ" કે જે પ્રથમથી (હાજર) જ હોવા છતાં,
તે માત્ર અજ્ઞાનને લીધે જ ભુલી જવાયેલી છે.તેમાં તમે ખેદ કે ભ્રમણા,એવું કંઈ પણ કરશો નહિ.

હે રામચંદ્રજી,કેવળ પોતાના પુરુષાર્થથી જ સિદ્ધ થનારાં અને બીજાં કોઈ સાધનોની અપેક્ષા વિના થઇ શકે,
તેવા "નિરઅહંકારપણા" વિના તમારા માટે હું બીજું કશું કલ્યાણ દેખાતો નથી.
સર્વ નિર્વિકાર બ્રહ્મ-રૂપ છે અને બીજું કશું છે જ નહિ,એ જ્ઞાન વડે,સર્વનો બાધ કરી દઈ,
અંતઃકરણ,ઇન્દ્રિયો,ઇન્દ્રિયોના દોષો (રાગ-દ્વેષ-વગેરે) અને કલ્પનાઓ-એ સર્વથી રહિત થઇ જઈ,
સ્વસ્થ,શાંત અને શોકથી રહિત-શુદ્ધ આત્મ-રૂપે થઇ રહો-એ જ સર્વ સિદ્ધાંતોનો સાર છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE