ભરદ્વાજ કહે છે કે-હે મહારાજ,રામચંદ્રજી,કે જે પોતાના આત્મા વડે બ્રહ્મમાં,પરમ યોગને પ્રાપ્ત થઇ ગયા હતા,તેમને વસિષ્ઠ ઋષિએ પાછા વ્યવહારમાં શી રીતે જોડ્યા? આ વાત જાણી હું પણ તે જ પ્રમાણે અભ્યાસને માટે યત્ન કરું,અને જેથી તેમના જેમ જ,મારો વ્યવહાર પણ ઉત્તમ સ્થિતિનો થઇ શકે.
વાલ્મીકિ કહે છે કે-અનંત બ્રહ્મમાં વૃત્તિ દ્વારા તદાકારતાને પ્રાપ્ત થયેલ,રામચંદ્રજી,સ્વ-રૂપને પ્રાપ્ત થયા,ત્યારે વિશ્વામિત્રે,તે સભામાં વશિષ્ઠજીને કહ્યું .
વિશ્વામિત્ર કહે છે કે-હે બ્રહ્મપુત્ર વશિષ્ઠજી,તમે ખરેખર મહાન છો,કેમ કે,રામચંદ્રજીની અખંડ આત્માકાર ચિત્તવૃત્તિમાં આનંદ-સ્વ-રૂપ આત્મ-તત્વને પ્રગટ કરાવી દઈ
(અથવા તો-માત્ર અનુગ્રહ દ્રષ્ટિથી જ કુંડલિનીનો (સુષુમ્ણા નાડીના માર્ગથી ષટચક્રો ભેદી)
બ્રહ્મરંઘ્રમાં પ્રવેશ થતાં,યોગશાસ્ત્રમાં બતાવેલ "શિવ-શક્તિનો સંયોગ" કરાવી દઈ)
ક્ષણમાત્રમાં જ તમે તમારું ગુરુપણું બતાવી આપ્યું છે.
વળી,રામચંદ્રજી પણ શુદ્ધ ચિત્ત-વાળા હોવાથી પોતાની મેળે જ વૈરાગ્યવાન અને માત્ર પરમપદમાં જ શાંતિ લેવાની ઈચ્છા રાખતા હતા,તેથી ફક્ત સંવાદ-માત્રથી પોતાના સ્વ-રૂપને પ્રાપ્ત થઇ ગયા.
ગુરુના વાકયથી બોધ થવામાં,શિષ્યની બુદ્ધિ જ મુખ્ય કારણ-રૂપ છે,કેમ કે જો,શિષ્યના કામ-કર્મ-વાસના
પાકી ગયેલા હોય,તો જ તે બોધને પ્રાપ્ત થઇ શકે છે.આ જ્ઞાન પ્રત્યક્ષ રીતે ગુરુ અને શિષ્ય એ બંનેના પ્રયોજનવાળું છે,કેમ કે એ બંને જો યોગ્ય હોય તો જ આવા મોક્ષ-આદિ પુરુષાર્થો મેળવી શકાય છે.
હે મહાસમર્થ,જે ઉદ્દેશથી (યજ્ઞની રક્ષા કરવા માટે રામને લઇ જવાનું) મારું અહી આવવું થયું છે,
તે કાર્યને સ્મરણમાં લાવી,તમે કૃપા કરી રામનું વ્યુત્થાન (રામને સક્રિય) કરવા યોગ્ય છો.
કેમ કે તમે તો પરમપદમાં વિશ્રાંતિ પામ્યા છો (એટલે કે તમે તો જે કરવાનું છે તે કરી લીધું છે)
પણ મારે તે કરવાનું બાકી છે.(કે જેના માટે મેં યજ્ઞનું આયોજન કર્યું છે)
માટે હે મુનિ,શુદ્ધ મનથી મેં અતિપ્રયત્ન વડે દશરથરાજાને પ્રાર્થના કરી છે,તે વ્યર્થ જવા ના દો.
શ્રી રામચંદ્રજીને વ્યુત્થિત (સક્રિય) કરાવી દઈ,મારા યજ્ઞ સિવાય પણ,દેવતાઓનું કાર્ય (રાક્ષસોના સંહારનું)
કરવા તેમનો અવતાર (રામાવતાર) થયો છે. એટલે તેમના રામાવતારનું જે પ્રયોજન છે તે અમારે સિદ્ધ કરવાનું છે.
અહીંથી રામચંદ્રને લઇ જવાથી તે,સિદ્ધાશ્રમમાં આવી રાક્ષસોનો સંહાર કરશે અને અહલ્યાને શાપથી મુક્ત કરશે.
(પછી)અટલ નિશ્ચય કરી (મિથીલામાં) શિવજીનું ધનુષ્ય ભાંગી નાખી,જનકરાજાની કન્યા સીતાજીને પરણશે.
(ત્યાર બાદ) પરશુરામને તે ગતિથી રહિત કરી દેશે.
પોતે જીવનમુક્ત હોવાથી,નિર્ભય અને નિસ્પૃહ રહી,પિતાજીની આજ્ઞાથી વંશપરંપરાથી ચાલ્યું આવતું
રાજ્ય ત્યજી દેશે,અને વનવાસને બહાને રાક્ષસોનો વધ કરી,વનમાં વસતા મુનિઓને ભયથી ઉગારશે
તથા અનેક તીર્થો અને પ્રાણીઓને પોતાની ચરણ-રજથી પાવન કરશે.