કેમ કે હું ચૈતન્ય-અંશ હોવાથી,ચૈતન્ય-રૂપી આનંદ-સાગરમાં જ એક-રસ-રૂપ લીન થઇ ગયો છું.
ખરી રીતે,જીવાત્મા અને પરમાત્મા નો "અભેદ" હોવાથી,
હું સર્વ ઉપાધિથી રહિત,પરમાત્મા-રૂપ જ છું.
હું સર્વ ઉપાધિથી રહિત,પરમાત્મા-રૂપ જ છું.
જેમ ઘટનો ભંગ થતાં,તેમાં રહેલું ઘટાકાશ,શુદ્ધ આકાશ (મહાકાશ) માં મળી જાય છે,
જેમ અગ્નિ,અગ્નિમાં નાખવાથી એકરૂપ જ થઇ જાય છે,તેથી અગ્નિના નામરૂપને ધારણ કરી,
તે (પ્રથમનો અગ્નિ) કોઈ વિશેષ-રૂપે જુદો દેખાતો નથી.(બંને અગ્નિ જ છે)
તેમ,જીવનો સમાધિ-દ્વારા બ્રહ્મમાં લય કરી દેવાથી,તે જીવ તેમાં એક-રૂપ થઇ જઈ,જુદો જણાતો નથી.
તેવી જ રીતે,જડ જગતનો પણ જો ચૈતન્યમાં લય કરી દેવામાં આવે તો તે પણ ચૈતન્ય-રૂપ જ થઇ જાય છે.
હે ગુરુ મહારાજ,આપે જે મને જ્ઞાન આપ્યું તે સર્વ મારા સમજવામાં આવ્યું છે,તેથી મારી બુદ્ધિ નિર્મળ થઇ છે,
અને હવે જન્મ-મરણ-આદિ કલેશ વાળો સંસાર ઘણો કાળ રહી શકશે નહિ.
હવે હું એ જાણવા ઈચ્છું છું કે-જ્ઞાની કે જીવનમુક્ત છે તેને કર્મો કરવાં કે નહિ?
વાલ્મીકિ કહે છે કે-કર્મસન્યાસપૂર્વક બ્રહ્મમાં જ સ્થિતિ રાખવી,એ સંસાર-ભ્રાન્તિને મટાડનાર મુખ્ય ઉપાય છે,
માટે મુમુક્ષુ પુરુષોએ જે કર્મ કરવાથી કોઈ દોષ ના લાગે,તેવાં કર્મો કરવાં.
અને જેથી ચિત્તમાં વિક્ષેપ થાય તેવાં કર્મો ના કરવાં.
જીવ જયારે બ્રહ્મના ગુણો સાથે જોડાઈ,મનના ગુણોનો ત્યાગ કરી,જેનો ઇન્દ્રિયોનો સમૂહ શાંત થઇ ગયો હોય -એવો થાય,ત્યારે તે જીવ સર્વવ્યાપી પરમાત્મા-રૂપ જ થઇ જાય છે.અને,
"આનંદમય કોષ (કે જે અન્નમય-પ્રાણમય-મનોમય-વિજ્ઞાનમય-કોષથી પર છે) નું પણ
અધિષ્ઠાન જે પરબ્રહ્મ છે-તે હું જ છું" એમ જયારે જીવ ધ્યાન કરે ત્યારે તે જીવ મુક્ત થઇ જાય છે.
જીવ જયારે,કર્તૃત્વ-ભોક્તૃત્વ-આદિ ભાવથી રહિત થઇ,સુખ-દુઃખ વિનાનો થઈને રહે,ત્યારે તે મુક્ત થાય છે.
વળી,તે,સર્વ પ્રાણીઓમાં આત્માને અને આત્મામાં સર્વ પ્રાણીઓને જુએ,ત્યારે તે મુક્ત થાય છે.
જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ-એ ત્રણે અવસ્થાને મૂકી દઈ જયારે તુરીય અવસ્થા કે જે આનંદ-રૂપ છે તેમાં પ્રવેશ કરે
ત્યારે તે જીવ મુક્ત થાય છે.મનનો ક્ષય થઇ જાય એટલે પુરુષને પરમ-તત્વ વિના બીજું કશું જુદું દેખાતું નથી.
જો તમારે નિમગ્ન થવું હોય તો,શાંત અમૃતમય તરંગ-વાળા કેવળ જ્ઞાન-રૂપ અમૃત-સમુદ્રમાં નિમગ્ન થાઓ.
ભક્તોના અનુગ્રહ માટે,અનેક રૂપ ધારણ કરનારા જગદગુરુ-પરમેશ્વરનું તમે ભજન કરો.
હે ભરદ્વાજમુનિ,વશિષ્ઠજીનો સર્વ ઉપદેશ મેં તમને સંક્ષિપ્તમાં કહી બતાવ્યો.
અભ્યાસથી સર્વ સિદ્ધ થાય છે-એમ વેદ-વચન છે,માટે તમે બીજું બધું છોડી દઈ,અભ્યાસમાં જ મનને સ્થિર કરો