વાલ્મીકિ કહે છે કે-તમે શોક,કે જે અશુભ પ્રસંગમાં જ યોગ્ય છે-તેનો ત્યાગ કરો,અને કલ્યાણના સાધનોનું ચિંતન કરો, તથા આનંદઘન સ્વચ્છ આત્માની જ ભાવના રાખો.દેવ (ઈશ્વર) પર શ્રધ્ધા રાખનાર,અને શાસ્ત્રોને પ્રમાણ-રૂપ ગણનારા વિવેકી પુરુષો પર જ ઈશ્વરની કૃપા થાય છે.
ભરદ્વાજ કહે છે કે-આપે જે ઉપદેશ કર્યો તે હું આપણી કૃપાથી સારી રીતે સમજ્યો છું.
વૈરાગ્યના જેવો કોઈ બંધુ નથી અને સંસારના જેવો કોઈ શત્રુ નથી,
હવે,વશિષ્ઠજીએ જે જ્ઞાનનો સાર,સમગ્ર ગ્રંથ વડે કહ્યો,તે સંક્ષેપમાં-સારાંશ-રૂપે હું સાંભળવા ઈચ્છું છું.
વાલ્મીકિ કહે છે કે-આગળ-પાછળ નો "વિચાર" કરવામાં યોગ્યતા-વાળી તમારી તીવ્ર "બુદ્ધિ-શક્તિ"થી જ,
તમે હસ્તાકમલવત (હથેળીમાં રહેલ આંબળાની જેમ પ્રત્યક્ષ) પોતાની મેળે જ સર્વ જાણી શકશો.
પોતાની મેળે જ તત્વ નો 'વિચાર' કરવો,પોતાની મેળે જ ચિત્ત શુદ્ધ થઇ જતાં,તે પરમ તત્વ પમાય છે,
અને તે પરમ તત્વને પ્રાપ્ત થયાથી,જન્મ-મરણની ઉપાધિમાં પડી શોક કરવો પડતો નથી.
વૈરાગ્ય-વાળા પુરુષે સત્સંગ,શાસ્ત્રો,અને વિવેક વડે ચૈતન્ય-તત્વની વારંવાર ભાવના કરવી જોઈએ.
(૧૨૮) ભરદ્વાજની કૃતાર્થતા અને રામનું વ્યુત્થાન (સક્રિય થવું)
કર્મોમાંથી શાંત થયેલા,વિષયો અને ઇન્દ્રિયોના સંબંધથી થનારા સુખથી વિરક્ત થયેલા,
શ્રદ્ધાવાન,અને શમ-દમ-વાળા મુમુક્ષુ પુરુષે,
--કોમળ આસન પર બેસી,પોતાને અનુકૂળ આસન (પદ્માસન-વગેરે) લગાવી,નિઃસંકલ્પ રહી
(ચિત્તના અને ઇન્દ્રિયોના વ્યાપાર ને જીતી લઇ) જ્યાં સુધી ચિત્ત પ્રસન્ન (એકચિત્ત) થાય,
ત્યાં સુધી પ્રણવ (ॐ) નો ઉચ્ચાર કરવો.
--પછી અંતઃકરણની શુદ્ધિ માટે,પ્રાણાયામ કરવા,ત્યાર બાદ,
--ધીરે ધીરે ઇન્દ્રિયોને,તેમના વિષયો તરફથી ખેંચી,તેમના મૂળ કારણ ચિત્તમાં જ સમાવી દેવી (પ્રત્યાહાર)
--દેહ,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અહંકાર વગેરે (ક્ષેત્ર)ને એ જે (ક્ષેત્રજ્ઞ) માંથી ઉત્પન્ન થયાં છે,
તેને શ્રુતિ-આદિ દ્વારા જાણી લઈને તેમાં તેમનો લય કરી દેવો.(લય કરવાનું એટલે કે તે લયનું ચિંતન કરવું)
--ॐ કારના અ-ઉ-મ -ના પ્રથમ "અ-કાર" ના અર્થ-રૂપ "વિરાટ"માં "હું વિરાટ-રૂપ છું"
એવી ભાવના વડે સ્થિતિ રાખી,
--પછી એ વિરાટનો, "ઉ-કાર" ના અર્થ-રૂપ "હિરણ્યગર્ભ"માં લય કરી,
એ "હિરણ્યગર્ભ"માં સ્થિર થઇ,
--એ "હિરણ્યગર્ભ" નો પણ "મ-કાર"ના અર્થ-રૂપ "અંતર્યામી" માં લય કરી, તેમાં સ્થિતિ રાખી,
--પછી તેનો પણ સર્વના અધિષ્ઠાન-રૂપ "અર્ધ-માત્રાત્મક" તુરીય શુદ્ધ "બ્રહ્મ"માં લય કરી,
શુદ્ધ ચૈતન્ય-માત્રમાં જ સ્થિર થઈને રહેવું.(અહી "બિંદુ" નો ઉલ્લેખ કર્યો નથી-તે નોંધનીય છે !!)
(નોંધ-હવે પછી "લય" કરવાની વાત આવે છે જેમાં સર્ગથી ઉલ્ટા જઈને જ્યાંથી સર્ગ થયો ત્યાં સુધી પાછા
જવાની રીતિ કહી છે.અહી "લય કરવો" એટલે લયનું ચિંતન કરવું -એવું તાત્પર્ય છે!!)