વાલ્મીકિ કહે છે કે-વસ્તુતઃ (સત્યમાં) તો તમે ઈશ્વરને શરણે જ છો,છતાં તર્કમાં ના આવી શકે તેવા- શાસ્ત્રમાં કહેલા વિવિધ ઉપાયો કરીને (તેમ છતાં સફળતા ના મળતાં) તમે શા માટે ખેદ કરો છો? ઈશ્વર પણ લલાટમાં લખાયેલું ભૂંસી શકતા નથી.પણ તેમની ઇચ્છા (ઈશ્વરેચ્છા)થી
સદગુરુ-સદશિષ્યની સ્થિતિ પેદા થવાથી શમ-દમ-આદિના ક્રમ વડે મોહનો નાશ થાય છે.
માટે ,તમે વિવેક વડે મોહને છોડી દો,તો હમણાં જ તમે અસાધારણ જ્ઞાનને પ્રાપ્ત થશો,એમાં શંકા નથી.
બોધ થવો (જ્ઞાન થવું) એ વાત પુણ્યને આધીન છે,અને ઘણા જન્મોનું પુણ્ય એકઠું થયે તે પ્રાપ્ત થાય છે.
ધીર અને જીવનમુક્ત પુરુષો,ખરેખર પુણ્યશાળી આત્મા જ હશે,એવું આ વાતથી અનુમાન થાય છે.
હે પ્રિય ભરદ્વાજ,જે પુણ્ય,કર્મમાં આસક્તિ (રાગ) કરાવી વિચિત્ર કર્મો કરાવી,બંધનકારક થાય છે,
તે જ પુણ્ય અનાસક્તિથી શુભ કર્મો કરાવે-તો મોક્ષ-પ્રાપ્તિ છે.
પુણ્ય-કર્મોનો આ પ્રબળ વેગ પ્રાચીન પાપોનો નાશ કરી,સર્વ તાપને શાંત કરી દે છે.
સંસારચક્રની ઘુમરીમાં આવી પડી જો તમે ભમ્યા કરતા હો અને તમને શાંતિ મળતી ના હોય તો,
શ્રવણ-આદિ ઉપાયો વડે,તમે "બ્રહ્મ"માં આસકત થાઓ.(બીજા કશામાં નહિ)
કેમ કે જ્યાં સુધી બ્રહ્મ સિવાય બીજા પદાર્થોમાં આસક્તિ હોય,ત્યાં સુધી જ વિકલ્પોથી ઉઠેલી આ સર્વ
દૃશ્ય-જાળ (જગત) દેખાય છે.શોક,કે જે આપણને આંધળા કરી મુકે છે,તેના આધારે તમે શા માટે રહ્યા છો?
જે પુરુષો હર્ષ-શોકના તરંગોથી આકર્ષાય,તેઓ અતિ ગૌરવવાળા મહાન પુરુષોની ગણનામાં કદી ગણાતા નથી.
વળી,આ જગતને અનેક જાતની હર્ષ-શોક -આદિ દશાઓમાં મુકી,કાળ (સમય) જગતને રમાડ્યા કરે છે,
માટે,તમે શા માટે ખેદ પામો છો? (કારણકે તમે પણ કાળને આધીન છો)
એ કાળ (સમય) જગતને સર્જે છે,સંહારે છે ને પાછો તરત જ સર્જી લે છે.
એ પ્રમાણે અનેક વાર એ કાળ પોતાની વિચિત્ર ક્રીડા વડે,વિવેકી જોનારને કૌતુક (આશ્ચર્ય) ઉભું કરે છે.
આ કાળ-રૂપી-સર્પના બળાત્કારથી,ભક્ષ્ય-રૂપ થનારાં,સર્વ પ્રાણીઓને એકબીજા સિવાય બીજું કશું વિશેષ દેખાતું નથી,પણ સર્વમાં જે તત્વ છે-તે 'એક' જ હોવાથી,બીજો કોઈ વિશેષ ધર્મ કે ભિન્ન પદાર્થ નથી.
અમર કહેવાતા દેવ-સમૂહો પણ અવધિ (સમય કે કાળ) આવી રહે,ત્યારે તે કાળના ભક્ષ્ય-રૂપ થઇ જાય છે,
તો પછી ઘડીભર રહેનારાં મનુષ્ય શરીરોની તો શી વાત કરવી?
સંપત્તિના સમયમાં પ્રસન્ન થવું અને વિપત્તિના સમયમાં રોવું-એમ માયા નચાવે તેમ તમે કેમ નાચ્યા કરો છો?
ક્ષણમાત્ર,નિશ્ચળ થઈને,સાક્ષી-રૂપે તમે આ સંસાર-રૂપી નાટકને જુઓ.
હે ભરદ્વાજમુનિ, આ જગત કે જે અનેક તરંગો-વાળું અને ક્ષણભંગૂર છે,
તેને જોઈ વિવેકી પુરુષ (કે જે પોતે તટસ્થ-રૂપે તેનાથી જુદો હોવાથી) -જરા પણ ખેદ પામતો નથી.