Jul 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-854

વસિષ્ઠ કહે છે-કે-તમે,યોગમાં સ્થિતિ રાખી,વાસના-રહિત-પણાથી,સિદ્ધિ-અસિદ્ધિ એ બંનેમાં સમાનતા રાખી,કર્મો કરો કે ના કરો.વિદ્વાન પુરુષો સંકલ્પની સ્ફૂર્તિ જ ના થવી તેને "યોગ" કહે છે.
કે જેમાં સર્વ ચિત્ત-વૃત્તિઓનો નિરોધ થઇ જવાથી ચિત્તનો ક્ષય થઇ જાય છે.
અને એ સ્થિતિ આત્માના સ્વાભાવિક સ્વરૂપની છે-એટલે તમે એ સ્થિતિમાં તન્મય થઈને સદાકાળ રહો.
(નોંધ-પાતંજલ યોગસૂત્ર નું પહેલું જ સૂત્ર છે-योगश्चितवृत्तिनिरोध ચિત્તની વૃતિ(સંકલ્પો)નો નિરોધ-તે યોગ)

હે રામચંદ્રજી,જે શિવ-રૂપે (સાક્ષી-પણાથી) સર્વમાં રહેલ છે,જે શાંત છે,જ્ઞાન-સ્વરૂપ છે,જન્મ-રહિત છે અને
શુભ મોક્ષ-રૂપ છે,તે એક પરમ તત્વની જ રાત-દિવસ એક જ ભાવના રાખવી,તે સર્વત્યાગ કહેવાય છે,
માટે તમે નિરંતર એવી ભાવના રાખતા રહી,(અનાસક્ત થઇ) બહાર પોતાને જે કરવાનું છે તે કર્યે  જાઓ,
"આ હું અને આ મારું" એવા સંકલ્પ-વાળો દુઃખથી મુક્ત થઇ શકતો નથી,
અને તેવા સંકલ્પ વિનાનો પુરુષ મુક્ત જ છે,માટે હવે આ બંનેમાંથી તમને જે ગમતું હોય તે તમે ભલે કરો.

(૧૨૭) સગુણ-ઉપાસનાની આવશ્યકતા

ભરદ્વાજમુનિ (વાલ્મીકિને) કહે છે કે-એ પ્રમાણે મુનિ-શ્રેષ્ઠ વસિષ્ઠજીએ કહેલા જ્ઞાનના સારને સાંભળ્યા પછી,
શુદ્ધ બુદ્ધિ-વાળા-શ્રીરામચન્દ્રજીએ શું બીજું કંઈ પૂછ્યું? કે એટલા જ્ઞાનથી જ નિઃસંદેહ અને નિર્મોહ થઇ જઈ
સદા એક સમાન સ્થિતિમાં રહેનાર આત્મસુખ વડે,પરિપૂર્ણ થઇ જઈ તે પૂર્ણ જ્ઞાન-સ્વરૂપ જ  રહ્યા? તે આપ કહો.
રામચંદ્રજી તો મહાયોગી છે,જગતને પૂજ્ય છે,દેવોના પણ ઈશ્વર છે,જરા-મરણથી રહિત છે,શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ છે,
સર્વ સદગુણોના ભંડાર-રૂપ છે,લક્ષ્મીનું નિવાસસ્થાન છે અને જગતની ઉત્પત્તિ,રક્ષા કરવામાં સ્વતંત્ર સત્તાવાન છે.

વાલ્મીકિ કહે છે કે-એ પ્રમાણે "વેદાંત" (અદ્વૈત)નું જ્ઞાન આપનારા વશિષ્ઠનાં વચન સાંભળીને,રામચંદ્રજીએ વિજ્ઞાન-ઘન-આત્માને સંપૂર્ણ રીતે જાણી લીધો.તેમના ચિત્તની વૃત્તિ એકાકાર થતાંની સાથે જ નિર્મળ ચૈતન્ય-ઘન અંતઃકરણમાં પ્રગટ થયું અને તે ચૈતન્યના મહાસાગરમાં આનંદ કરતા તે બે ઘડી સ્થિર થયા.

પ્રશ્નો કરવાની અને જવાબ સાંભળવાની-વગેરે પદ્ધતિઓને દૂર કરી,આનંદ-રૂપી અમૃત વડે પૂર્ણ-પ્રાણ-વાળા,
તથા,રોમાંચોથી જેનું અંગ વ્યાપ્ત થઇ ગયું છે તેવા,શ્રીરામચંદ્રજી,મહા-ચૈતન્યમાં એકરૂપ થઇ જવાથી,
એ મહા-ચૈતન્યના સર્વ-વ્યાપી-પણાને લીધે,પોતે પણ તેવા (તે ચૈતન્ય જેવા) જ પૂર્ણ થઇ રહ્યા.
અને તેથી અણિમાદિક-અષ્ટ-વિધ-ઐશ્વર્યની ઈચ્છાને પણ તે તૃણના જેવી અતિ-તુચ્છ ગણતા હતા.

ભરદ્વાજ કહે છે કે-અહો આશ્ચર્ય છે કે-રામચંદ્રજી મહત-પદને પ્રાપ્ત થઇ ગયા ! એમની જેમ મને પણ પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય? અમારા જેવા મૂર્ખ,જડ,થોડું જાણનારા,પાપી પુરુષો ક્યાં? ને રામચંદ્રજી ક્યાં?
હે ગુરુ મહારાજ,કૃપા કરી તે પરમપદમાં વિશ્રાંતિ શી રીતે મળે? અને આ મહા-કષ્ટ વડે પાર થાય તેવો
સંસાર સાગર મારાથી શી રીતે તરી જવાય તે મને કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE