વસિષ્ઠ કહે છે કે-બાણ વાગતાં,ભયભીત થઈને દોડતા મૃગની પાછળ, તે મૃગને ખોળવા તેની પાછળ પડેલ પારધીએ,કોઈ એક જંગલમાં મહામૌન (જ્ઞાન થવાથી વાણી-આદિ ચેષ્ટાઓ બંધ કરી નિઃસંકલ્પ રહેલા) નો આશ્રય કરીને રહેલા કોઈ અદ્ભુત મુનિને જોયા,એટલે તેમને પારધીએ પૂછ્યું કે-હે મુનિ,મારા બાણથી વિંધાયેલો મૃગ અહી આવ્યો છે? કે એ મૃગને આપે ક્યાંય જતો જોયો છે?
ત્યારે એ મુનિએ જવાબ આપ્યો કે-હે ભલા માણસ,અમે જંગલમાં રહેનાર મુનિલોકો સદાકાળ સમાન શીલ-વાળા જ રહીએ છીએ,વળી અહંકાર કે જે વિચિત્ર વ્યવહાર કરાવવાને સમર્થ છે-તે અમારા ચિત્તમાં હોતો નથી.
ચિત્ત (મન) કે જે અહંકારમય છે તે જ સર્વ ઇન્દ્રિયોનાં કર્મો કરે છે.તે ચિત્ત જ ઘણા લાંબા કાળથી પરમાત્મામાં જ ગળી ગયું છે.(પરમાત્મામાં એકરસ થઇ ગયું છે) જાગ્રત-સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થાઓની કોઈ દશાને હું જાણતો નથી,હું તુર્ય અવસ્થા (ચોથી સમાધિ-રૂપ નિર્વિકલ્પ અવસ્થા) માં જ રહું છું,એથી કોઈ દૃશ્ય પદાર્થ મારે માટે નથી.
હે રામચંદ્રજી,તે મુનિ-શ્રેષ્ઠ મહાત્માના આવા વાક્યો સાંભળી,તે પારધી,તેનો કોઈ અર્થ સમજી શક્યો નહિ,
અને પોતાને યોગ્ય લાગે તે રસ્તા પર મૃગને ખોળવા,ત્યાંથી ચાલ્યો ગયો.
આ દ્રષ્ટાંતથી હું એ જ કહેવા માગું છું કે-તુર્ય-સિવાયની બીજી કોઈ અવસ્થા (જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ)
તાત્વિક દૃષ્ટિએ જોતાં છે જ નહિ.ફક્ત એક તુર્ય-રૂપ-નિર્વિકલ્પ-ચૈતન્ય જ છે (બીજું કશું નથી)
જાગ્રત-સ્વપ્ન અને સુષુપ્તિ,એ ત્રણેય ચિત્તની અવસ્થાનાં રૂપ છે.
અને તે ચિત્ત "ઘોર-શાંત અને મૂઢ" એવું ત્રણ પ્રકારનું થઈને રહેલ છે.
"જાગ્રત-અવસ્થા" વાળું ચિત્ત,સ્વર્ગ-નર્ક,પુણ્ય-પાપ,પૂનર્જન્મ-આદિને ઉત્પન્ન કરવાથી "ઘોર" છે.
"સ્વપ્ન-અવસ્થા" વાળું ચિત્ત,સ્વર્ગ-નર્ક,પુણ્ય-પાપ,પૂનર્જન્મ-આદિને ઉત્પન્ન નહિ કરવાથી "અને શાંત" છે.
અને,"સુષુપ્તિ-અવસ્થા" વાળું ચિત્ત,તે અવસ્થા વખતે કોઈ ભાન નહિ હોવાથી "મૂઢ" છે.
આ ત્રણેય અવસ્થાથી "ચિત્ત" જયારે રહિત (તે ત્રણ અવસ્થા વગરનું) થઇ જાય,ત્યારે તે મરી જાય છે.
અને જે ચિત્ત મરી ગયું (નાશ પામ્યું) તેમાં નિર્વિકારને લીધે સદા સમાન-પણે રહેનારું,
એક "સત્વ" જ બાકી રહે છે.(કે જેમાં વાસનાની ઉત્પત્તિ થતી જ નથી)
સર્વ યોગી પુરુષો એ ચિત્ત-નાશને જ યત્નથી સંપાદન કરે છે.
એવા સર્વ-સંકલ્પોથી રહિત,શુદ્ધ તુર્ય-અવસ્થામાં જ તમે નિર્વિકાર ચિત્ત રાખીને,સ્થિર થઈને રહો.
(૧૨૫) તુર્યપદમાં સ્થિરતાનો ઉપાય
વસિષ્ઠ કહે છે કે-જગતમાં પ્રગટ થતા જે દ્વૈતના પ્રપંચો છે,તે બધાને દુર કરવા વેદાંત-શાસ્ત્રોના સિદ્ધાંતો ઘડાય છે,અને તે અવિદ્યા (પ્રપંચો કે માયા) કે અજ્ઞાનને દુર કરે છે.