Jun 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-842

હે રાજા ઈક્ષ્વાકુ,તમે કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય,પોતાનો આત્મા કે જે સ્વયં-પ્રકાશ છે,તેના આધારે રહો.અને જગતને ચારે બાજુએ થી ચિદાકાશ-રૂપે ભરપૂર થયેલું જુઓ.
જે વખતે,આ પ્રમાણે,ચૈતન્ય-રૂપ-આત્માને,અનુભવ વડે,પરિપૂર્ણ અને અખંડિત સમજવામાં આવે,તે વખતે જ આ સંસારમાંથી તરી જવાય છે અને આમ,મુક્ત થતાં જીવ પરમાત્મા-ભાવને પ્રાપ્ત થાય છે.

જે જે શાસ્ત્રોમાં જયારે કંઈ કહેવામાં આવે છે,ત્યારે,તે તે સર્વ સત્ય જ છે,કેમ કે,ચિદાત્માનો વિલાસ નિરંકુશ છે.
કેવળ શુદ્ધ ચૈતન્ય-પણાને પ્રાપ્ત થયેલા અને મૃત્યુને તરી ગયેલા ચિત્ત વિનાના,
પુરુષને જે અનિર્વચનીય આનંદ થાય છે તેણે કોની ઉપમા આપી શકાય?
"આ જગત શૂન્ય પણ નથી અને અશુન્ય પણ નથી,ચિદ્રુપ પણ નથી અને અચિદ્રુપ પણ નથી,
આત્મ-રૂપ પણ નથી અને અનાત્મ-રૂપ પણ નથી,પરંતુ સ્વપ્નની જેમ અનિર્વચનીય છે"
એવી ભાવના તમે કરતા રહો.આત્માના પારમાર્થિક-રૂપનો સાક્ષાત્કાર થયાથી,પ્રકૃતિ શાંત થઇ જાય છે.

મોક્ષ નામનો કોઈ દેશ કે કાળ છે,તેમ નથી,કે મોક્ષ નામની બીજી કોઈ સ્થિતિ છે તેમ પણ નથી,
પરંતુ અહંકાર અને મોહનો ક્ષય થઇ જતાં,આ સર્વ દૃશ્ય-રચના (જગત) નો જ્ઞાન-દૃષ્ટિથી લય થઇ જાય છે.
અને ત્યારે- અનાદિ કાળથી ભુલાઈ જવાયેલા,પોતાના "સ્વ-રૂપ" નું ચિંતવન (નિદિધ્યાસન) કરવાથી
આત્માના સ્વાભાવિક (શુદ્ધ) સ્વરૂપનો યોગ્ય સંબંધ થાય છે.
એ રીતે,જયારે આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે,ત્યારે તે "આત્મ-સાક્ષાત્કાર" એવું નામ ધારણ કરે છે,
અને ત્યારે તે જ "મોક્ષ-રૂપ" છે એમ કહેવાય છે.

(૧૨૨) મુક્ત પુરુષનાં લક્ષણો

મનુ મહારાજ કહે છે કે-વર્ણ,ધર્મ,આશ્રમ અને આચારના સંબંધમાં શાસ્ત્રે ફરમાવેલાં બંધનોથી
છૂટી ગયેલો,જીવનમુક્ત પુરુષ,જેમ સિંહ પાંજરામાંથી છલાંગ મારીને બહાર નીકળી જાય છે,
તેમ આ સંસાર-રૂપી જાળમાંથી બહાર નીકળી જાય છે.
વાણીને ઓળંગીને રહેલા (અનિર્વચનીય) અને નિરતિશય આનંદ-રૂપ-પરમાત્માને જ આશ્રયે રહેલો,
વિષયોની આશા અને વિવિધ પ્રકારના સુખ-દુઃખ સંબંધી દશોથી રહિત થયેલો,એ મહાત્મા પુરુષ,
અનિર્વચનીય શોભા ધારણ કરે છે.ગંભીર,પ્રસન્ન અને નિરંતર પરમ આનંદનો સ્વાદ લેવામાં
પરાયણ રહેનારો જીવનમુક્ત પુરુષ,પોતાના આત્મા વડે,આત્મામાં જ આનંદ લીધા કરે છે.

સર્વ કર્મ-ફળોનો ત્યાગ કરનારો,નિત્ય-તૃપ્ત,અને નિરાશ્રયપણે રહેનારો,મહાત્મા પુરુષ,પાપ-પુણ્ય,હર્ષ-શોકથી લેપાતો નથી.જેમ સ્ફટિક મણિ,પ્રતિબિંબ વડે રંગાઈ જવા છતાં બીજા રૂપને પામતો નથી,
તેમ,તત્વવેત્તા પુરુષ,પણ પ્રારબ્ધ-યોગે આવી પડેલાં સુખ-દુઃખ વડે રંગાઈ  જઈ,વિકારને વશ થતો નથી.
મનુષ્ય-સમુદાયમાં (સંસારમાં) વિહાર કરતાં,કોઈ તેનું પૂજન કરે તો ફુલાઈ જઈ પોતાની પ્રશંસા કરતો નથી,
અને કોઈ તેનું પૂજન ના કરે તો ક્રોધ આદિ વિકારો તેના મનમાં આવતા નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE