Jun 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-840

ઉપરની સાત ભૂમિકાઓમાં,પ્રથમની ત્રણ-ભૂમિકાઓ "જાગ્રત" કહેવાય છે.
("વ્યવહારિક સતા"થી જાગ્રત-અવસ્થાની જેમ જગતનું ભાન હોવાથી-તે જાગ્રત કહેવાય છે)
ચોથી ભૂમિકામાં,જગત સ્વપ્ન જેવું પ્રતીતિમાં આવવાથી તે "સ્વપ્ન" એવા નામથી કહેવામાં આવે છે.
પાંચમી ભૂમિકામાં,એક આનંદમાં સર્વનો લય થતાં,સુષુપ્તિ જેવી દશા થઇ જવાને લીધે તે "સુષુપ્તિ" કહેવાય છે.
છઠ્ઠી ભૂમિકામાં,અખંડ-બ્રહ્માકાર-વૃત્તિ રહેવાને લીધે,બીજા કોઈ પદાર્થના સંવેદન (સંકલ્પ) નહિ સ્ફૂરવાથી,તે "અસંવેદન-રૂપ" કહેવાય છે,અને તેને "તૂર્ય" નામથી કહેવામાં આવે છે.
સર્વથી ઉત્તમ એવી "સાતમી ભૂમિકા- તુર્યાતીત" કહેવાય છે.
જે અવસ્થા મન કે વાણી વડે વર્ણવી શકાય તેવી નથી.તથા સ્વયંપ્રકાશ-પરમ-પદ-રૂપ છે.  

આત્માની અંદર,સર્વ દૃશ્યો (જગત-વગેરે) નો લય કરી દઈને,
દૃશ્યોનો કોઈ પણ સંકલ્પ સ્ફૂરવા દેવામાં ના આવે તો,અત્યંત "સમાનતા" વડે તમે નિઃસંદેહ મુક્ત જ છો.
જેની પૂર્ણ બુદ્ધિ,ભોગ વડે ઉત્પન્ન થતાં સુખ-દુઃખોથી લેપાતી નથી,તથા,
"હું મરતો પણ નથી કે જીવતો પણ નથી(બંને દેહધર્મ મારામાં નથી) કે હું કાર્ય-રૂપ અને કારણ-રૂપ નથી"
એવી જેની દૃઢ બુદ્ધિ હોય,તેવો દેહધર્મ વિનાનો આત્મનિષ્ઠ પુરુષ સદા મુક્ત જ છે.

તેવો આત્મનિષ્ઠ પુરુષ વ્યવહાર કરતો હોય કે શાંત થઈને બેઠો હોય,ગૃહસ્થ હોય કે એકલો ફરનારો યોગી હોય,
પણ,"હું કાંઇ નથી પણ માત્ર ચિદાત્મા-રૂપ છું" એમ માનવાથી તે જીવને શોક કરવો પડતો નથી.
"હું નિર્લેપ-નિર્મળ છું,અજર છું,વાસના વગરનો છું,આસક્તિ-રહિત છું,ચિદાકાશ-રૂપ છું,
વિકાર રહિત છું,શુદ્ધ-બુદ્ધ (જ્ઞાની) શાંત છું" એમ માનવાથી તે જીવ શોકને પાત્ર થતો નથી.

"તણખલાંમાં,આકાશમાં,સૂર્યમાં,દેવતાઓમાં,અને સર્વ પદાર્થોમાં જે કંઈ સત્ય-રૂપે આત્મ-તત્વ રહેલું છે-
તે પણ હું જ છું" એમ માનવાથી જીવને ફરીવાર શોક કરવો પડતો નથી.
"હું કે ચૈતન્ય-રૂપ છું કે જેનો મહિમા નીચે-ઉંચે અને ચોતરફ ફેલાયેલો છે"
એ પ્રમાણે અનંત એવા પરમાત્માના મહિમાને જાણી લઈને કોણ મરણ-આદિ દુઃખોને ભોગવે?

કોઈ જાતની વાસના બાંધીને જે પદાર્થનું સેવન કરવામાં આવે,તે સુખ ઉત્પન્ન કરે છે પરંતુ જે વસ્તુ સુખકારક હોય છે તે જ વસ્તુ નષ્ટ થતાં,દુઃખ ઉત્પન્ન કરે છે,કેમ કે સુખ-દુઃખ એ બંનેનો સાથે રહેવાનો નિયમ છે.
પણ જે પદાર્થ વાસના રાખ્યા વિના (કે સાધક દશામાં જરૂરી) થોડી વાસના રાખી સેવવામાં આવે,
તો,તે (વાસના) કંઈ સુખ પણ ઉત્પન્ન કરતી નથી કે તેનો નાશ થઇ ગયેલો હોવાથી તે દુઃખ પણ આપતી નથી

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE