હે રાજા ઈક્ષ્વાકુ,પ્રાણીઓ-રૂપી-તરંગો-વાળી,જગતના સમૂહ-રૂપી-અનેક નદીઓ,મહાભયંકર-કાળ-રૂપી સમુદ્રમાં છેવટે જઈને મળે છે,તો પણ જે આજ સુધી અધૂરો અને અધૂરો જ રહ્યો છે,તેવા કાળ-રૂપી-સમુદ્રનું પણ જે પાન કરી જાય છે,એવા "આત્મા-રૂપી" અગસ્ત્ય-મુનિની તમે સદાકાળ ભાવના રાખો.
આ દેહાદિ દ્રશ્ય-સમુદાય કે જે અનાત્મા છે,તેમનો આત્મ-બુદ્ધિથી ત્યાગ કરી,છુપી રીતે જેમાં વાસનાને દૂર કરવામાં આવી છે તેવી સ્થિતિ મેળવી,જેમ તમને સુખ આવે તેમ તમે રહો.
દુનિયાના સર્વ મનુષ્યો,ખરું (સત્ય) તત્વ,કે જે આત્મ-રૂપ હોવાથી પોતાની પાસે જ રહેલું હોવા છતાં,
તેને ભૂલી જઈ શોક કરે છે.જયારે શરીર નાશ પામે છે,ત્યારે આત્મા કે જે અજર-અમર છે-તેને નહિ ઓળખી,
"હું અનાથ છું,હું મરું છું,મારો નાશ થયો" એમ (અજ્ઞાનને લીધે) હાયવોય કરે છે.
માટે,સંકલ્પ-રૂપી-કલંક-વગરના-ચિત્તને આત્મામાં જ રોકી રાખી,કલ્પના-રહિત થઇ જઈ,દેહ વડે
વ્યવહાર કરવા છતાં પણ તેને આભાસ-માત્ર સમજી,પરબ્રહ્મની પેઠે તમે નિર્વિકાર,સ્વસ્થ અને સુખી થઈને રહો.
(૧૧૯) બંધ-મોક્ષમાં પુરુષ સ્વતંત્ર છે
મનુ મહારાજ કહે છે કે-સર્વ-વ્યાપી એ પરમાત્મા(અજ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં)
બાળકની જેમ (અવિદ્યા-શક્તિ વડે) આ સૃષ્ટિ-રૂપી ચેષ્ટાઓ કરી ક્રીડા કરે છે.
અને (જ્ઞાનીની દ્રષ્ટિમાં) સંહારના રૂપમાં (વિદ્યા-શક્તિ વડે) સર્વ સૃષ્ટિનો લય કરી દઈ,
કેવળ કૂટસ્થ,અદ્વિતીય,પોતાના આત્મામાં જ સર્વદા રહે છે.
એ આત્મામાં એવી "શક્તિ" (અવિદ્યા-શક્તિ કે અજ્ઞાન) પણ પોતાની મેળે જ ઉદય પામે છે,
કે જેથી તે "જીવ-ભાવ" ને પ્રાપ્ત થઈને બંધાઈ જાય છે અને એવી "શક્તિ" (વિદ્યા-શક્તિ કે જ્ઞાન)
પણ તેમાં પોતાની મેળે જ ઉદય પામે છે કે જેથી તે બ્રહ્મ-રૂપ થઇ મુક્ત થઇ જાય છે.
જેમ,ચંદ્ર,સૂર્ય,અગ્નિ,તપાવેલું લોઢું,રત્ન-વગેરેમાં તેમની કાન્તિઓ (પ્રકાશ) તેમનાથી જુદી ના હોવા છતાં,
તેમનાથી જુદીજુદી કલ્પવામાં આવે છે,તેમ આ જગતની અને બુદ્ધિ-આદિની વિચિત્રતાથી,
તે (પરબ્રહ્મથી જુદું નહિ છતાં) ખૂબ ફેલાયેલું કલ્પી લીધેલું છે
અને આમ,તે જગતને બ્રહ્મ-રૂપે નહિ જાણનારા અજ્ઞાની પુરુષને દુઃખ આપનાર થાય છે.
વસ્તુતઃ તે જગત બ્રહ્મ-રૂપ છતાં,કેમ જાણે બ્રહ્મરૂપ ન હોય તેવું થઇ રહ્યું છે.
હે રાજા ઈક્ષ્વાકુ,જગતને મોહમાં નાખનારી આ માયા કોઈ વિચિત્ર તરેહની છે,કે આત્માનું પોતાનું સ્વરૂપ,અંદરના અને બહારના સ્થાનોમાં ભરપૂર હોવા છતાં,પણ આત્મા પોતાને દેખતો નથી.
"આ સર્વ જગત,ચિદાત્મા-રૂપી-અરીસામાં પ્રતિબિંબવાળું થઇ,આભાસ-માત્ર જ દેખાય છે" એવી ભાવના રાખી જે પુરુષ ઈચ્છા વગરનો થઇ રહે,તે બ્રહ્મ-રૂપી-અભેદ્ય-કવચને ધારણ કરનારો વિવેકી પુરુષ સુખી જ છે.
"અહંકાર-રહિત દૃશ્ય-માત્રના અભાવ-રૂપ એક ચેતન સત્તા વડે,
આ સર્વ શૂન્ય,આધાર વિનાનું અને ચૈતન્ય-રૂપ છે" એવી તમારે સદાકાળ ભાવના રાખવી.