Jun 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-835

હે રામચંદ્રજી,આ સંસારમાં જે કંઈ ભાસે છે,તે બધું સૃષ્ટિના આરંભથી માંડી છેક પ્રલય સુધી થનારાં સર્વ કાર્યોના બીજ-રૂપ,જન્મ-આદિ વિકાર-રહિત પરમાત્મા-રૂપી-બ્રહ્મ જ છે,અને તે અનંત બ્રહ્મ અનેક સૃષ્ટિ-ભેદને લીધે વિવિધ પ્રકારના વિકલ્પો વડે બહુ મોટું દેખાય છે,પરંતુ તે સર્વ વિકલ્પોથી રહિત કેવળ આકાશ (ચિદાકાશ)રૂપ જ છે,કોઈ પણ ઠેકાણે અને કોઈ પણ કાળે સત કે અસત-એ કંઈ પણ બ્રહ્મથી જુદું સંભવતું જ નથી-એવો  દૃઢ નિશ્ચય રાખી તમે શંકા દુર કરી ત્યાં જ સ્થિર થઈને રહો.જો તમે અંતર્મુખ થઇ,બ્રહ્માકાર વૃત્તિ રાખી,અહંકાર-રહિત થઇ જશો,તો નિરંતર બહારનું સર્વ કામકાજ કરવા છતાં,પણ ખેદને પ્રાપ્ત થશો નહિ.

(૧૧૬) ગળેલા ચિત્તનાં લક્ષણો

રામ કહે છે કે-હે મહારાજ,"અહંકાર" એવા નામને ધારણ કરનારું ચિત્ત જયારે ગળવા માંડે છે
કે ગળી જાય છે,ત્યારે જેની વાસના દુર થઇ છે તેવા ચિત્તનાં લક્ષણો કેવાં હોય છે?

વસિષ્ઠ કહે છે કે-જયારે અહંકાર-રૂપી ચિત્ત ગળવા માંડે છે અને પાપો જ્ઞાનાગ્નિ વડે બળવા માંડે છે,
ત્યારે લોભ-મોહ-આદિ દોષો ભલે બળાત્કારથી ઉત્પન્ન થાય,તો પણ જેમ જળ-એ કમળને લેપ કરી શકતું નથી,
તેમ તે અહંકાર-રહિત શુદ્ધ ચિત્તને કંઈ પણ લેપ કરી શકતું નથી,અને શોભા આપનારી મૈત્રી કરુણા-વગેરે
કોઈ દિવસ તેના ચહેરાને છોડીને જતી રહેતી નથી.તેની વાસના-રૂપી ગ્રંથિઓ સંપૂર્ણ-પણે તૂટી જાય છે,
કોપ (ક્રોધ) ઘટી જાય છે,મોહ મંદ પડી જાય છે,કામ કરમાઈ જાય છે,લોભ ક્યાંય ભાગી જાય છે,
એની,ઇન્દ્રિયો એ મોટા રૂપમાં પ્રકાશતી નથી,અને ખેદ પણ મહાન-રૂપે સ્ફુરતો નથી.

દુઃખો-સુખો,પોતાનું કાર્ય (શોક-હર્ષ) કરી શકતા નથી,અને બધે આનંદ ઉત્પન્ન કરનારો "સમાન-ભાવ" ચિત્તમાં ઉદય પામે છે.કદાચિત,પ્રારબ્ધની પ્રબળતાને લીધે,કોઈ વખત ચહેરા પર સુખ-દુઃખ જોવામાં આવે તો પણ,
તે તે દેખવા-માત્ર જ હોય છે,પરંતુ તેની બુદ્ધિમાં તે સુખ-દુઃખ તુચ્છ હોવાથી,તેના ચિત્તને લેપ કરી શકતા નથી.
જયારે ચિત્ત ગળવા માંડે છે,ત્યારે એ સુશીલ મહાત્મા પુરુષ,દેવ-ગણને પણ ઈચ્છા કરવાલાયક થઇ જાય છે,
અને તેનામાં સમાનતા-રૂપી શીતળ  ચાંદની ઉદય પામે છે.

આ રીતે ગળેલા ચિત્ત-વાળો પુરુષ,શાંત,મનોહર,બીજાઓએ સેવવા-યોગ્ય,
નમ્ર,વૃદ્ધિ પામેલા સ્વચ્છ અને મહત્તા-વાળા શરીરને ધારણ કરે છે.
આ સંસાર-રૂપી ભ્રાંતિ,વૈભવોથી અને ગરીબાઈથી કપરી છે,વિચિત્રતા-વાળી છે,અને ઘણી મોટી છે,
તો પણ જેનો અહંકાર ગળી ગયેલો છે,એવા મહાત્માઓને તે આનંદ કે ખેદ ઉપજાવી શકતી નથી.
બુદ્ધિ-રૂપી પ્રકાશ વડે મેળવી શકાય તેવી અને જેનો લાભ થવાથી બીજી સર્વ વિપત્તિઓ નષ્ટ થઇ જાય,
એવી પરમાત્મા-રૂપી વસ્તુને મેળવવા માટે જે પ્રવૃત્તિ કરતો નથી,તે અધમ પુરુષને ધિક્કાર છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE