ખારા-ગળ્યા પદાર્થોમાં તેમ જ બીજા શુભ-અશુભ પદાર્થોમાં જેની બુદ્ધિ સમાનતાથી સ્થિર રહે છે,તે "મહા-ભોક્તા" કહેવાય છે.
"આ ભોજ્ય (ખાવા-લાયક) અને આ અભોજ્ય (ખાવા-લાયક નથી)" એવા વિકલ્પોને છોડી દઈને,ઉત્કટ ઈચ્છા વિના જ જે ભોજન કરે છે તે "મહા-ભોક્તા" કહેવાય છે.આપત્તિ-સંપત્તિ,મોહ-આનંદ,અધમ કે ઉત્તમ,અન્ન-વસ્ત્ર -આદિ સર્વને જે સમાન-બુદ્ધિથી ભોગવે છે-તે "મહા-ભોક્તા" કહેવાય છે.
મહા-ત્યાગી
ધર્મ-અધર્મ,સુખ-દુઃખ,જન્મ-મરણ-એ સર્વનો (એ બધું મિથ્યા છે એમ જાણી)
બુદ્ધિ વડે જેણે તે સર્વનો ત્યાગ કરી દીધો છે તે પુરુષ "મહા-ત્યાગી" કહેવાય છે.
સર્વ-ઇચ્છાઓ,સર્વ-શંકાઓ,કાયિક,વાચિક,અને માનસિક સર્વ ચેષ્ટાઓ તથા સર્વ નિશ્ચયો -એ સર્વનો જેણે
બુદ્ધિ વડે (આત્મા વિના બીજું બધું મિથ્યા છે એમ સમજી) ત્યાગ કર્યો છે,તે પુરુષ "મહા-ત્યાગી" કહેવાય છે.
દેહની,મનની,ઇન્દ્રિયોની,સંકલ્પની,તથા સુખ-દુઃખોની સત્તાનો-જેણે ત્યાગ કર્યો છે-તે "મહા-ત્યાગી" કહેવાય છે.
"હું કે જે ચૈતન્ય-માત્ર છું-તેને દેહ નથી,જન્મ પણ નથી અને તેને વિહિત-કે નિષિદ્ધ કર્મ સાથે પણ કોઈ સંબંધ નથી" એવો જેને ચિત્તની અંદર દૃઢ નિશ્ચય થઇ ગયો હોય-તે "મહા-ત્યાગી" કહેવાય છે.
ધર્મ-અધર્મ-રૂપ શારીરિક ચેષ્ટા,સંકલ્પ-આદિ માનસિક ચેષ્ટા અને વાણી-આદિ ઇન્દ્રિયોની ચેષ્ટા,
એ બધું જેણે ત્યાગ કરેલું છે,તે "મહા-ત્યાગી" કહેવાય છે.
જે આ સર્વ-દૃશ્ય-કલ્પના જોવામાં આવે છે,તેને,સત્ય-જ્ઞાન વડે સમજી,
તેનો સારી રીતે ત્યાગ કર્યો હોય-તે "મહા-ત્યાગી કહેવાય છે.
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ પ્રમાણે પૂર્વ-કાળમાં કોઈ સમયે મહાદેવજીએ નંદીગણને કહ્યું હતું.
તમે પણ આ દ્રષ્ટિ પર આધાર રાખી તાપ-રહિત (શાંત અને શીતળ) થઇ રહો.
હે રામ,તમે અન્નમય-આદિ પાંચ કોષો,અને જાગ્રત-આદિ ત્રણ અવસ્થાઓને મિથ્યા સમજી,
માત્ર નિષ્કલંક સાક્ષી-રૂપે રહી "અવશેષ રહેલ નિત્ય પ્રકાશ-રૂપ,નિર્મળ,અનંત સર્વનું આદિ એક બ્રહ્મ જ
સર્વત્ર છે અને તે વિના બીજી કોઈ કલ્પના થયેલી જ નથી" એવી ભાવના રાખો અને એ ભાવના બરાબર પરિપક્વ થવાથી સર્વ કલ્પના (સંકલ્પ) રૂપી મેલથી નિર્મળ,શાંત વૃત્તિ-વાળા થઇ નિર્માણને પ્રાપ્ત થાઓ.