કે જેના આશ્રયથી તે સંતાપ-રહિત (મહા-શાંત) થઇ ગયો હતો.
સુમેરુ-પર્વતના અગ્નિના જેવા તેજોમય ઉત્તર તરફના શિખરમાં મહાદેવજી સહ-પરિવાર રહ્યા હતા.એક વખત,તેમને મહા-તેજસ્વી,નમ્ર અને અલ્પ-જ્ઞાન-વાળા નંદી-ગણે હાથ જોડીને પૂછ્યું કે -
'હે મહારાજ,આ તરંગના જેવા સંસારની રચનાનું અવલોકન કરી,હું ભોગોમાં લંપટ હોવાથી,તત્વજ્ઞાનમાં
શાંતિ નહિ મળવાથી,બહુ જ મુંઝાઉં છું.તો કયા મનોહર નિશ્ચયનો અંદર દ્રઢતા-પૂર્વક સ્વીકાર કરીને
હું આ જગત-રૂપી ઝુંપડીમાં કોઈ પણ તાપ પામ્યા સિવાય,શીતળતાથી રહું?"
મહાદેવજી કહે છે કે-હે નિષ્પાપ નંદીગણ,સર્વ શંકાઓને મૂકી દઈને કાયમને માટે
ધીરજ ધારણ કરી,તમે મહા-કર્તા,મહા-ભોક્તા અને મહા-ત્યાગી થાઓ.
નંદીગણ કહે છે કે-હે મહારાજ,કેવાં લક્ષણવાળો મહા-કર્તા કહેવાય? કેવાં લક્ષણવાળો મહા-ભોકતા કહેવાય? અને કેવાં લક્ષણવાળો મહા-ત્યાગી કહેવાય? તે આપ કૃપા કરી સારી રીતે મને કહો.
મહા-કર્તા
મહાદેવજી કહે છે કે-જે પુરુષ,ધર્મ અને અધર્મ એ બંને દૈવ-યોગથી જેવી રીતે પ્રાપ્ત થાય,
તેવી રીતે,ચિત્તમાં કોઈ શંકા રાખ્યા સિવાય (નિષ્કામ થઇ) તે (ધર્મ-અધર્મ) કર્યે જાય તે "મહા-કર્તા" કહેવાય છે.
રાગ-દ્વેષ,સુખ-દુઃખ,ધર્મ-અધર્મ,અને સારાં-નરસાં,ઉત્પન્ન કરનાર કર્મોને જે નિષ્કામ (અનાસક્ત) મન વડે
આચરે છે-તે "મહા-કર્તા" કહેવાય છે.
જે પુરુષ તત્વવેત્તાઓના કર્મો કરતો રહી,નિર્મળ,અદેખાઈ અને અહંકાર-રહિત થઇ,કોઈ વખતે ફળ ના મળે,
તો પણ ખેદ પામ્યા વિના આવી પડેલાં કર્મો કર્યે જાય છે તે "મહા-કર્તા" કહેવાય છે.
શુભાશુભ કર્મોમાં દુષ્ટ (ખીટી કે ખરાબ) શંકા વડે કલ્પી લીધેલા ધર્મ અને અધર્મથી
જેની બુદ્ધિને લેપ લાગતો નથી,તે "મહા-કર્તા" કહેવાય છે.
જે સ્નેહ-રહિત (આસક્તિ-રહિત) હોવાથી કોઈ જાતની ઈચ્છા(આકાંક્ષા) રાખ્યા વિના
સાક્ષીની જેમ તટસ્થ રીતે રહી સર્વ કાર્યમાં (કર્મોમાં) પ્રવૃત્તિ કરે છે-તે "મહા-કર્તા" કહેવાય છે.
જે પુરુષ સર્વત્ર સમાનતા-વાળી,સ્વચ્છ-બુદ્ધિ વડે ઉદ્વેગ અને આનંદ એ બંનેથી રહિત થઇ,
શોક કે હર્ષના નિમિત્તો પ્રાપ્ત થાય તો પણ શોક કે હર્ષ કરતો નથી તે પુરુષ "મહા-કર્તા" કહેવાય છે.
જે પ્રારબ્ધ યોગે આવી પડેલાં કાર્યો કરવાના યોગ્ય-કાળમાં એ કાય-સિદ્ધિને અનુકૂળ ક્રિયાઓ કરતો હોય
અને કશામાં તેનું મન બંધાયેલું ના હોય તે મહા-બુદ્ધિમાન,તત્વજ્ઞ પુરુષ "મહા-કર્તા" કહેવાય છે.