જેમ,તે મિથ્યા-પુરુષ,કુંભ (ઘટ-કે ઘડો)આદિ નામ-રૂપની ઉપાધિમાં (માયામાં) અજ્ઞાનથી "આ મારું છે" એવી શંકા વડે,આકાશની રક્ષા કરતો હતો,અને પછી તે કુંભ-આદિ ઉપાધિ (માયા) દુર થતાં,તેમાં રહેલા આકાશ-આદિનો શોક કરી અજ્ઞાનને (માયાને) લીધે દુઃખી થયો હતો,તે રીતે તમે કલેશને પ્રાપ્ત થાઓ નહિ.જે આત્મા આકાશથી પણ અધિક વિસ્તાર-વાળો,શુદ્ધ,સૂક્ષ્મ,શિવ-રૂપ,પરમ-મંગલ છે તેને કોણ લઇ શકે? કે તેની રક્ષા કોણ કરી શકે? (કોઈ જ નહિ)
હૃદય-દેશમાં રહેનારા ચિદાકાશનું,શરીર-રૂપી નિવાસ-સ્થાન નાશ પામી જતાં,
"આત્માનો નાશ થયો" એવી શંકાથી પ્રાણીઓ (જીવો) નકામો શોક કરે છે.
જેમ ઘટ (ઘડો કે કુંભ) આદિ ઉપાધિઓનો નાશ પામી જાય,તો પણ તેમાં રહેલું આકાશ અખંડિત જ રહે છે,
તેમ,દેહો-રૂપી ઉપાધિ નષ્ટ થઇ જાય તો પણ તેમાં રહેલો નિર્લેપ આત્મા સદાકાળ અખંડિત જ રહે છે.
હે રામચંદ્રજી,શુદ્ધ ચૈતન્ય-રૂપ આત્મા કે જે સૂક્ષ્મ આકાશથી પણ અતિ સૂક્ષ્મ છે,
અને પોતાના "અનુભવ-રૂપ" છે,તે આકાશની પેઠે નાશ પામતો નથી.
કોઈ કાળે,કોઈ પણ ઠેકાણે,કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થતી નથી અને નાશ પણ પામતી નથી.
કેવળ બ્રહ્મ જ જગતના "વિવર્ત-રૂપે" ભાસે છે.અને એ પરમપદ-બ્રહ્મ,સત્ય,અદ્વિતીય,શાંત,આદિ-મધ્ય-અંતથી રહિત,તથા ઉત્પત્તિ-નાશથી પણ રહિત છે.આ રીતે મન વડે બરોબર સમજી લઈને તમે સુખી રહો.
પરાધીનતા ઉત્પન્ન કરનાર,સર્વ આપદાઓના સ્થાન-રૂપ,નિરંતર નહિ રહેનારા,વિવેક-રહિત,
નિંદ્ય અને જેથી નરક-પાત વગેરે થાય છે,એવા "અહંકાર-રૂપી" પદાર્થને જ્ઞાનથી નિઃશેષ રીતે ત્યાગ કરી,
બાકી રહેલા ચૈતન્ય-માત્ર પરમપદમાં તમે દૃઢ રીતે સ્થિર થઈને રહેશો તો ઉત્તમતાને પ્રાપ્ત થશો.
(૧૧૪) સદ-અસદ-રૂપનું વિવેચન
વસિષ્ઠ કહે છે કે-પ્રથમ સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મમાંથી સર્વ કલ્પનાઓની પહેલાં મહા-વિસ્તાર-વાળું,
વિચાર કરનારું "મન" જ ઉત્પન્ન થયું.કે જે તે પરબ્રહ્મમાં,પોતે બ્રહ્મ-સત્તા વડે જ સત્તા-વાળું હોવા છતાં
અનેક સંકલ્પ-વિકલ્પો કરીને -અનેક ભેદભાવોને પ્રગટ કરીને આજ સુધી રહેલું છે.
જેમ ફૂલની કળીમાં સુગંધ રહેલી હોય છે,તેમ,એક જ સત્તાથી બ્રહ્મમાં મન રહેલું છે.
એ અદ્રશ્ય આત્મ-તત્વ જયારે (અજ્ઞાનથી) ભુલાઈ જાય છે
ત્યારે મન અનેક કલ્પનાઓ કરી સંસારનું કારણ બને છે.
પરંતુ,હે રામચંદ્રજી,જેમ રજ્જુમાં ભ્રાંતિ વડે દેખાતો સર્પ રજ્જુ સિવાય બીજા કોઈ પદાર્થમાંથી પેદા થયો નથી,
તેમ,આ જગત પણ આત્મ-તત્વ સિવાય બીજા કશામાંથી પેદા થયું નથી.
જે પુરુષ,સૂર્યના કિરણોને સૂર્યથી જુદી સત્તા-વાળા સમજે,તેણે તે કિરણો સૂર્યથી જુદા જેવા જ ભાસે છે.
જે પુરુષ સુવર્ણના બાજુબંધને સુવર્ણથી જુદી સત્તા-વાળો જાણે છે,તેની દ્રષ્ટિમાં તે સુવર્ણ નથી પણ બાજુબંધ જ છે,પણ,જે પુરુષે,સૂર્યનાં કિરણો,એ સૂર્યની જ સત્તાથી સત્તા-વાળાં હોવાથી,તેને સૂર્યથી જુદાં નથી ગણતો,તેની દ્રષ્ટિમાં એ કિરણો પણ સૂર્ય-રૂપ જ છે.