એ મિથ્યા-પુરુષ જયારે મોટો થયો,ત્યારે તેણે "હું આકાશનો છું-આકાશ-રૂપ છું અને આકાશ મારું છે,તેથી એ આકાશની હું (કોઈ ઉપાધિ-વગેરે- વડે બાંધી લઇ) રક્ષા કરું" એવો એણે પાકો નિશ્ચય કર્યો.એમ વિચાર કરી,એ મિથ્યા-પુરુષે આકાશની રક્ષા કરવા માટે એક ઘર બનાવ્યું,અને તેની અંદરના ભાગમાં "મેં આકાશની રક્ષા કરી છે અને આટલું આકાશ મારું છે" એવું તેણે અભિમાન બાંધી લીધું.
હે રામચંદ્રજી,તે પછી તે મિથ્યા-પુરુષ,પોતાના ઘરના આકાશથી અને પોતે આકાશની રક્ષા કરી છે-
તેવું સમજી સંતુષ્ટ થયો હતો,પણ કાળે કરીને તેનું ઘર પડી ગયું.ત્યારે તે અનેક પ્રકારે શોક કરવા માંડ્યો.
ત્યાર બાદ તે દુષ્ટ-અજ્ઞાનીએ ફરી તે જ ઠેકાણે આકાશની રક્ષા કરવા કૂવો બનાવ્યો અને તે કૂવાના આકાશમાં "તે આકાશ મારું છે અને હું તેની રક્ષા કરું છું" એવી મમતા (આસક્તિ) વડે બંધાઈ તેની રક્ષા કરવા માંડ્યો.
પણ સમય જતાં એ કૂવો પણ ધૂળ-માટીથી પુરાઈ નાશ પામ્યો,એટલે તે ફરી શોકમાં ડૂબી ગયો.
ઉપર કહેલાની જેમ જ ફરી તેણે કુંભ (ઘડો) બનાવ્યો,પણ કાળે કરી તેનો નાશ થયો,ત્યાર બાદ તે જ રીતે,
અનુક્રમથી કુંડ બનાવ્યો કે જેનો નાશ થયો,સભાગૃહ બનાવ્યું કે જેનો નાશ થયો,કોઠી બનાવી કે જેનો પણ નાશ થયો.આમ તે મિથ્યા-પુરુષે દરેક વખતે કંઇક નવું બનાવી,તેની જોડે મમતા બાંધી,હું આકાશની રક્ષા કરું છું તેવો અહં (અભિમાન) રાખી -ખુશ થતો પણ તે વસ્તુનો નાશ થતાં અત્યંત શોકમાં ડૂબી જતો.
એવી રીતે તે મિથ્યા પુરુષનો અનંત-કાળ ચાલ્યો જાય છે.માયા વડે પરાધીન એ મિથ્યા-પુરુષ ઘર વડે અને
જેમાં પ્રવેશ ન થઇ શકે,તેવા કૂવા,ધડો આદિ ઉપાધિ-વડે,તે પદાર્થની અંદરના આકાશને (જેમ કે ઘટાકાશને)
"આ મારું છે" એવી મમતાથી (આસક્તિથી) તેનું રક્ષણ કરવા ખૂબ પ્રયત્ન કરે છે,
વળી તે તે પદાર્થો (કુંભ-આદિ) નું નિર્માણ કરવું,રક્ષા કરવી અને તેનો વિનાશ થવો-એ બધામાં
અભિમાન (અહં) ને લીધે મૂઢ બની જઈ,એ મિથ્યા-પુરુષ અતિ ગાઢાં દુઃખ-સમુદાયને પ્રાપ્ત થાય છે,
અને પાછો દૈવ-યોગથી એ દુઃખમાંથી મુક્ત પણ થાય છે.
(૧૧૩) મિથ્યા-પુરુષના આખ્યાનનું તાત્પર્ય
રામ કહે છે કે-હે મહારાજ,આપે મિથ્યા-પુરુષના પ્રસંગથી જે માયા-પુરુષ કહ્યો,તે શા અભિપ્રાયથી કહ્યો?
અને આકાશનું રક્ષણ કહ્યું તે પણ શા અભિપ્રાયથી કહ્યું? તે કહો.