હે રામચંદ્રજી,જે રીતે કચ મમતા વિનાનો,અહંકાર-રહિત,શાંત-બુદ્ધિ અને કામ-રૂપી જેની ગ્રંથિઓ કપાઈ ગઈ છે,એવો થઇ રહ્યો,તેવી રીતે તમે પણ વિકાર વિનાના થઈને રહો.અહંકારને તમે મિથ્યા જ સમજો,તેનો આશ્રય ના કરો અને તેનો ત્યાગ પણ ના કરો.સસલાના શિંગડાની જેમ,જે પદાર્થ હોય જ નહિ,તેને લેવો-કે ત્યજી દેવો, એ બંને ક્રિયાઓ થઇ શકે જ નહિ.અહંકારનો અસંભવ સિદ્ધ થાય ત્યાર પછી તમને મરણ અને જન્મનો ભય ક્યાંથી રહે? કેમ કે આકાશ-રૂપી ખેતરમાં જે વવાયું-તેનાં ફળ કોણે લીધાં છે? (કોઈએ નહિ)
જેને કોઈ અંશ નથી,જે સંકલ્પ-વિકલ્પથી રહિત છે,એવા સર્વભાવ-રૂપ,સર્વ-વ્યાપી,પરમાણુથી પણ સૂક્ષ્મ,
નિર્વિકાર અને કેવળ ચૈતન્ય-રૂપ તમે છો.જેમ જળમાં તરંગ,એ જળ-રૂપ છતાં ભિન્ન-રૂપ જોવામાં આવે છે.
તેમ તમે પણ અહંકારની ભાવનાને લીધે જ,પોતે વસ્તુતઃ બ્રહ્મ-રૂપ છતાં બીજી રીતે (જગત-રૂપ) ભાસો છો.
આ સર્વ જગત માયામય ઈન્દ્રજાળની જેમ માત્ર અજ્ઞાનને લીધે ભાસી રહ્યું છે.
હે રામચંદ્રજી,જ્ઞાન થતાં,એ સર્વ (જગત) બ્રહ્મ-રૂપ થઇ જાય છે.કાર્ય-રૂપે દ્વૈત-બુદ્ધિનો અને કારણ-રૂપે એકત્વ-બુદ્ધિનો,ત્યાગ કરી,બાકી રહેલ અને બંનેમાં વ્યાપ્ત કેવળ સત્તા-રૂપ આત્મામાં જ તમે સ્થિર થઈને સુખી થાઓ.મિથ્યા પુરુષની જેમ તમે વ્યર્થ દુઃખી થાઓ નહિ.આ સંસાર સંબંધી માયા અતિ દુશ્પાર
(પાર ના થઇ શકે તેવી) છે અને અજ્ઞાનને લીધે ચિત્તમાં દૃઢ રીતે ચોંટી બેઠેલ છે.
તે (માયા) શરદ-ઋતુથી જેમ ઝાકળ નાશ પામી જાય,તેમ જ્ઞાન થતાં નાશ પામી જાય છે.
રામ કહે છે કે-હે મહારાજ,આપના આ જ્ઞાનામૃતથી,હું અંદર પરમ તૃપ્તિને પ્રાપ્ત થયો છું.કેમ જાણે અમૃત વડે સિંચાયેલ હોઉં,તેમ હું અંદર શીતળતાને પામ્યો છું.અને નિરુપમ સર્વ સમૃધ્ધિઓની ઉપર
નિરતિશય પરમાનંદમાં રહ્યો છું.આપ જે ઉત્તમ વચનો બોલો છું,તે સાંભળવામાં હું તૃપ્તિને પ્રાપ્ત થતો નથી.
જો કે આપના ઉપદેશામૃતથી હું તૃપ્ત છું,તો પણ હું આપને (નીચે મુજબ) પૂછું છું,કેમ કે ગમે તેવો તૃપ્ત હોય,તો પણ કયો પુરુષ પોતે કોઈ વખત ઉપભોગમાં નહિ લીધેલા અને પાસે પડેલા આસવને ના પીએ?
આપે જે મિથ્યા-પુરુષ એવા નામથી કહ્યું,તે શું છે? કે જે મિથ્યા-પુરુષે, વસ્તુને અવસ્તુ-રૂપ અને
અવસ્તુરૂપ આ જગતને વસ્તુ-રૂપ કેવી રીતે બનાવી દીધું?
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,મિથ્યા-પુરુષનો બોધ થવા માટે એક સુંદર કથા હું તમને કહું છું,
કે જે તત્વવેત્તાઓને હસાવે તેવી છે,તે તમે સાંભળો.
બાળકના જેવી કોમળ બુદ્ધિ વડે મૂઢ અને કેવળ અજ્ઞાનથી જ વીંટાઈ રહેલો કોઈ એક જાણે માયાના યંત્રથી
બનાવ્યો ના હોય,તેવો એક પુરુષ છે.તે કોઈ એકાંત સ્થાનમાં ઉત્પન્ન થયો છે અને તે (ભ્રાંતિ વડે પ્રતીત થતા) આકાશમાંના અનેક વિચિત્ર રંગોની જેમ અને ઝાંઝવાના જળની જેમ,મિથ્યા-રૂપે તે શૂન્ય-સ્થાનમાં જ રહે છે.
એ ઠેકાણે (શૂન્ય-સ્થાનમાં) મિથ્યા-પુરુષ વિના બીજું કશું છે જ નહિ અને જે કંઈ છે તે મિથ્યા-પુરુષથી જુદું ના હોવાથી તે રૂપ (મિથ્યા-પુરુષ-રૂપ) જ છે.જે કંઈ જુદું તે (મિથ્યા-પુરુષ) દેખે છે,તે પોતાના-રૂપ હોવા છતાં,ભ્રાંતિથી મિથ્યા આભાસ-રૂપે જ છે,પરંતુ દુષ્ટ-બુદ્ધિ-વાળો તે સાચી વાત દેખી શકતો નથી