ચૂડાલા કહે છે કે-હે રાજા,આપણે ભોગના આદિ-મધ્ય-અંત કાળમાં સ્થૂળ દ્રષ્ટિથી રાજા જ છીએ.માટે શેષ રહેલા એક મોહને મૂકી દઈ,પાછાં તે રાજા જ થઈએ.તમે પોતાના નગરના રાજા થાઓ,અને સિંહાસન પર વિરાજો.
હું તમારી મુખ્ય પટરાણી થઈને રહીશ.રાજાને પતિ તરીકે પામી આનંદ પામેલાં નગરવાસીઓથી આપણી નગરી ઘણે લાંબે કાળે,શોભાથી ચિત્ત હરનારી બનશે.
શિખીધ્વજ કહે છે કે-હે પ્રિયે,જો એમ તને મારી સાથે ભોગ ભોગવવાની ઈચ્છા જ હોય તો આપણને સ્વર્ગમાં સિદ્ધ લોકોના ભોગની લક્ષ્મી અધીન જ છે-તો પછી આપને સ્વર્ગમાં જ શા માટે ના રહીએ?
ચૂડાલા કહે છે કે-હે રાજા,મારી ભોગો વિષે ઈચ્છા નથી,તેમ જ વિભૂતિઓને (સિધ્ધિઓને) પણ હું ઈચ્છતી નથી,
પરંતુ સ્વાભાવિક રીતે જે આવી મળે તેથી કામ ચલાવી લેવું,એવી સ્થિતિનો મેં આધાર રાખ્યો છે.
મને સ્વર્ગ-રાજ્ય કે કર્મ કંઈ સુખ આપનારાં નથી,પણ હું સ્વરૂપમાં રહી,જેમ ક્ષોભરહિત થવાય તેમ સ્વસ્થ ચેષ્ટા-વાળી થઇ રહી છું.આ સુખ છે કે આ દુઃખ છે-એવા દ્વંદ્વનો ક્ષય થઇ જવાથી,હું એકસરખી રીતે જ શાંત પરમ-પદમાં સુખ આવે તેમ સ્થિર થઇ રહી છું.
શિખીધ્વજ કહે છે કે-હે પ્રિયે,હર્ષ-શોક,રાગ-દ્વૈષ-આદિથી રહિત અને સમાનતાવાળી બુદ્ધિ વડે,તેં આ વાત યોગ્ય જ કહી છે,આપણને રાજ્ય મળે કે ના મળે તેની સાથે કંઈ લેવા દેવા નથી.સુખ-દુઃખની ભાવિ દશાથી થતી ચિંતા છોડી દઈ મત્સર રહિત થઇ અને સ્વસ્થતાનું અવલંબન કરીને આપણે સ્વ-સ્વરૂપમાં જ રહીએ.
(૧૧૦) શિખીધ્વજનું રાજ્ય અને ચૂડાલાની વિદેહમુક્તિ
વસિષ્ઠ કહે છે કે-બીજા દિવસે પ્રાતઃકાળે તે બંને સઘળો નિત્યક્રમ કરી લઇ આસન પર બેઠાં.
પછી ચૂડાલા ત્યાંથી ઉભી થઈને પોતાની પાસે રહેલા સાત સમુદ્રના જળથી ભરેલા કુંભને,રાજ્યાભિષેક કરવા માટે કલ્પ્યો અને પૂર્વદિશા તરફ મુખ રાખી રહેલા પોતાના પતિ (રાજા) નો રાજ્યાભિષેક કર્યો.
અને સંકલ્પથી પ્રાપ્ત થયેલા સુવર્ણના સિંહાસન પર બેઠેલા રાજાને કહ્યું કે-
"હે પ્રિય પતિ (રાજા) કેવળ ઋષિ-લોકોને યોગ્ય આ શાંત તેજને છોડી દઈને આઠ લોકપાલોના તેજને આપ ધારણ કરવા યોગ્ય છો" ચૂડાલાના આમ કહેવાથી મનમાં શિખીધ્વજ બોલ્યો કે "ભલે હું તેમ જ કરું છું"
આ રીતે બોલતાં જ તે શિખીધ્વજ રાજા મહારાજા-પણાને પ્રાપ્ત થયો.
પછી તેણે ચૂડાલા પર અભિષેક કરીને કહ્યું કે "આજથી હું તને મુખ્ય પટરાણી બનાવું છું.હે પ્રિય,હવે તું યોગ-સિદ્ધિ વડે ક્ષણમાત્રમાં તારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા મહાવૈભવવાળા સૈન્યને ભેગું કરવા યોગ્ય છે"
પ્રિય પતિનાં આવાં વચન સાંભળી,સ્ત્રીઓમાં શ્રેષ્ઠ તે ચૂડાલા રાણીએ,જેમ વર્ષાઋતુ મેઘને ઉત્પન્ન કરે છે તેમ
પોતાના સંકલ્પ વડે અનેક યોદ્ધાવાળા સૈન્યને ઉત્પન્ન કર્યું. તે પછી આનંદ પામેલા સામંતોથી રક્ષાયેલા તે રાજા-રાણીએ પોતાની ઉત્તમ નગરી તરફ સવારી કરી અને નગરી સુધી પહોંચ્યા.
પોતાના રાજ્યના સામંતો કે જે આદરપૂર્વક રાજાના આવવાની રાહ જોઈ રહ્યા હતા,તે સામૈયું કરવા આવ્યા.
અને રાજાએ નગરની અંદર પ્રવેશ કર્યો.સાત દિવસ સુધી રાજાએ પોતાના શહેરમાં અત્યંત મોટો ઉત્સવ કર્યો.