Jun 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-821

હું સદાકાળ સમાન (એક જ સ્થિતિમાં રહેનારો) છું,હું જે છું તે જ છું,બીજું કહેવાને હું શક્તિમાન નથી.તું જ મારો ગુરુ છે,માટે હું તને નમન કરું છું.તારી મહેરબાનીથી હું આ સંસાર-સાગરને તરીને પાર ઉતર્યો છું.
સો વાર અગ્નિમાં ધમેલા સુવર્ણની પેઠે,હવે હું ફરીવાર મેલ-વાળો થઈશ નહિ.
હું શાંત,સ્વસ્થ,કોમળ,પોતાના સ્વરૂપની નિષ્ઠામાં જ અત્યંત ઉદ્યોગી,
વૈરાગ્યવાન,વાસના-રહિત બુદ્ધિવાળો,સર્વને પાર કરી ગયેલો અને આકાશની પેઠે સર્વમાં રહેલો છું.
ચૂડાલા કહે છે કે-હે મહાધૈર્યવાન,સમર્થ,મહાબુદ્ધિમાન પ્રિય,
જો આમ જ હોય તો હમણાં તમને શી વાતમાં રુચિ થાય છે તે તમે કહો.

શિખીધ્વજ કહે છે કે-અમુક વસ્તુ મારે જોઈએ છે કે નહિ તે હું જાણતો નથી,તેમ મને કોઈ રુચિ છે તેમ પણ નથી.હે પ્રિય,તું જે જે આચરણ કરે છે,તે તે પ્રમાણે હું તારા વિચાર પ્રમાણે જ (તને) કોઈ વખત જાણું છું.
જે જે તારા મનમાં આવતું હોય તે સર્વ કોઈ જાતના વિઘ્ન વિના ભલે થાઓ.હું આકાશના જેવો નિર્લેપ હોવાથી,કોઈ જાતનો સંયોગ કરવાનું જાણતો નથી.માટે તું જે કંઈ કર્તવ્ય જાણતી હોય,તે જ ભલે કર.
મણિ જે પ્રમાણે પોતાનામાં પ્રતિબિંબને ધારણ કરે,તે પ્રમાણે,હું પણ તારા કર્તવ્યને જ સારા-નરસા આદિભાવથી રહિત,શુદ્ધ ચિત્ત-વડે જે મળ્યું તેમાં આનંદ પામી ધારણ કરી લઈશ.હું તે વિષે કોઈ  સ્તુતિ કે નિંદા કરતો નથી,તેથી તારી ઈચ્છા હોય તે પ્રમાણે તું ભલે કર.

ચૂડાલા કહે છે કે-જો એમ જ હોય તો પછી તમે મારો મત સાંભળો.ને પછી હે જીવનમુક્ત બુદ્ધિવાળા રાજા,એ જ પ્રમાણે તમે આચરણ કરવાને યોગ્ય છો.અજ્ઞાનનો નાશ થવાથી આપણ બંનેમાં સર્વ ઠેકાણે એક જ તત્વ રહેલું છે-એવું આપણે જાણીએ છીએ,અને નિષ્કામ હોવાથી,આકાશની પેઠે,આપણે નિર્વિકાર તથા નિર્લેપ છીએ.
જેવી આપણને રાજ્ય-આદિની એષણા(ઈચ્છા)છે તેવી જ ઉપેક્ષા પણ છે.

ચક્ષુ-આદિ ઇન્દ્રિયો તથા પ્રાણને પોતપોતાના વિષયો તરફથી ખેંચી લેવાથી આત્મામાં કંઈ વિશેષ થતું નથી.
સાધન-કાળમાં જો કે તેની જરૂર છે,તો પણ આત્મા કે વૃદ્ધિ-નાશથી રહિત છે,તેમાં કંઈ સુધારો-વધારો થતો નથી.અસંગ ચૈતન્ય-રૂપ થયેલ પુરુષ નસીબ પ્રમાણે આવી પડેલા ભોગ નો અનાદર કરતો નથી.
પ્રારબ્ધના ભોગ-માત્રથી એ ભોગના આદિમાં,અંતમાં,કે મધ્યમાં આપને જે સ્વભાવ-વાળા હતા,તે જ સ્વભાવવાળાં,માત્ર મોહને ત્યજી દઈને માત્ર બાકી રહેલા નસીબને ભોગ વડે ઓછું કરવા માગીએ છીએ.
આપણે કંઈ બદલાઈ ગયાં નથી કે બદલાઈ જઈશું પણ નહિ,તો હવે બાકી રહેલ આયુષ્યને રાજ્ય-ભોગ વડે ગાળી,ક્રમે કરી કોઈ કાળે પ્રારબ્ધ ક્ષય થયેથી આપને વિદેહ-મોક્ષને પ્રાપ્ત થઈશું.

શિખીધ્વજ કહે છે કે-હે પ્રિય,આપણે આદિ-મધ્ય-અંતમાં કેવાં છીએ?
અને માત્ર અવશેષ રહેલા એક પદાર્થને ત્યજી દઈને કેમ રહીએ તે તું મને કહે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE