May 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-817

(૧૦૮) શિખીધ્વજના ક્રોધની પરીક્ષા અને ચૂડાલાનું પ્રાગટ્ય
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ચૂડાલા રાણીએ તે માયા (ઇન્દ્રના આવવા-રૂપ) ને શમાવી દઈ,બીજો વિચાર કર્યો કે "આ રાજાને ભોગોની ઈચ્છા વશ કરી શકતી નથી,એ ઘણી ખુશી ની વાત છે,ઇન્દ્રનો સમાગમ થવા છતાં પણ રાજા શિખીધ્વજ શાંત અને વિકારરહિત હોવાથી,નિર્વિકાર સ્થિતિ-વાળો રહ્યો અને ઉતાવળ નહિ કરતાં ખુબ ધીરજથી પોતાની હાંસી થાય તેવું પણ નહિ કરતા તેણે વ્યવહારને યોગ્ય ઇન્દ્રનો પૂજન-સત્કાર કર્યો.(એટલેકે પોતે કરેલી "અનાસક્તિ" ની પરીક્ષા માં તે સફળ થયો) પણ હવે આદરપૂર્વક ફરીવાર પણ રાગ-દ્વેષ-વાળા અને બુદ્ધિનો ક્ષોભ ઉપજાવનારા કોઈ પ્રપંચથી હું તેમની પરીક્ષા કરી જોઉં"

આમ,શિખીધ્વજરાજાની વધુ પરીક્ષા (ક્રોધની પરીક્ષા) કરવાના આશય-વાળી તે ચૂડાલા રાણીએ,
તે રાત્રિએ ચંદ્રનો ઉદય થતાં,શિખીધ્વજ રાજા જયારે નદી કિનારે સંધ્યા-વંદન અને જપમાં પારાયણ થયો હતો ત્યારે,બીજા કોઈ (કલ્પેલા) લતા-રૂપી ગૃહમાં (કલ્પી લીધેલા) જાર (પર) પુરુષ સાથે પુષ્પ-શૈયામાં સુઈ ગઈ.
શિખીધ્વજ રાજા સંધ્યા-વંદન કરી નદીએથી પાછો આવ્યો અને જયારે  ગુફામાં પોતાની પત્ની (મદનિકા) ને જોઈ નહિ એટલે તેને ખોળવા તે નીકળ્યો.

તે વખતે પાસેના લતા-ગૃહમાં પોતાની પત્નીને જાર-પુરુષ (પર-પુરુષ) સાથે સુતેલી જોઈ.
ત્યારે નિર્વિકાર ચિત્તથી,જરા પણ ક્રોધ નહિ પામતાં,તે શિખીધ્વજ રાજા મનમાં જ કહેવા લાગ્યો કે-
"અહો,આ બંને જાર (આશક-માશૂક) કેવાં સુખ-પૂર્વક વિહાર કરી રહ્યાં છે! તમે તમારી ઈચ્છા હોય તેમ ભલે વિહાર કરો,હું તમને વિઘ્ન નહિ કરું" આમ કહી રાજા ત્યાંથી જતો રહ્યો.

મૂહુર્ત-માત્ર પછી,પોતે જ રચેલા માયાના પ્રપંચને સમેટી લઇ,ચૂડાલા રાણી,જાણે પોતે કામ-સુખથી ખીલેલી અને આકૂળ થયેલી હોય તેમ પણ લજ્જા વડે પોતાનું મુખ નીચે નમાવી,ક્ષણ-માત્ર રાજા પાસે આવી ઉભી રહી.
ત્યારે શિખીધ્વજ રાજાએ ક્ષોભ વગરની અને નિર્વિકાર બુદ્ધિ થી રાણીને કહ્યું કે-
કે કોમલાંગી,તું આનંદમાં રમતી હતી,તે કેમ આટલી જલ્દી વિઘ્નને પ્રાપ્ત થઇ? (કેમ અહી આવતી રહી?)

સર્વ પ્રાણી માત્ર આનંદને માટે જ યત્ન કરે છે,માટે તું અહીંથી પાછી ફરીથી ત્યાં જ જા અને અને વિવેક-વાળા હાવ-ભાવથી તારા મનોહર પ્રિય જારને (પર-પુરુષને) પ્રસન્ન કર.કેમ કે પરસ્પર ઇચ્છાથી કરાયેલો,
સ્વાભાવિક સ્નેહ આ ત્રણે લોકમાં દુર્લભ છે.મને આ વાતથી (પ્રસંગથી) કોઈ ઉદ્વેગ પ્રાપ્ત થતો નથી.
વિવેકી પુરુષે,જે જે વસ્તુ પોતાને અતિ-પ્રિય હોય,તે માત્ર પોતાના જ નહિ પણ કોઈ બીજાના ઉપભોગમાં પણ આવવાની છે-એમ સમજી રાખવું જોઈએ.હું અને કુંભમુનિ,એ બે,આ સાંસારિક વિષયો તરફ વૈરાગ્યવાન છીએ,
તું તો દુર્વાસા-મુનિના શાપથી ઉત્પન્ન થયેલી અને કુંભમુનિ કરતાં જુદી જ બાળ-તરુણી છે,
માટે તારી જેવી ઈચ્છા હોય,તે પ્રમાણે તું ભલે કર.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE