ત્યારે. કોઈ સિદ્ધ પુરુષોએ,તેની પરીક્ષા કરવાની ઇચ્છાથી,કાચનો એક ગોળો(કાચ-મણિ),તેની આગળ નાખ્યો.જેમ,અજ્ઞાની પુરુષ,ભ્રાંતિ વડે માટીને પણ સોનું સમજે છે,તેમ એ મૂઢ-પુરુષ,કાચના ગોળાને,"આ ચિંતામણિ છે" એમ ભ્રમથી સમજી લઈને,તેણે ગ્રહણ કર્યો.
"હવે આ ચિંતામણિથી જે જોઇશે તે મળી શકશે,માટે આ બધા ધનની શી જરૂર છે?" એમ સમજીને પોતાની પાસે જે ધન-ધાન્ય-સમૃદ્ધિ હતી -તે તેણે છોડી દીધી.અને "હવે અહીંથી દુર જઈને,આ ચિંતામણિથી સમૃદ્ધિ મેળવીને સુખથી રહીશ" એમ વિચારી તે ચિંતામણિને લઇ,નિર્જન વનમાં ચાલ્યો ગયો.
ચૂડાલા કહે છે કે-હે રાજર્ષિ,તે જંગલમાં,તે કાચના ગોળાથી કશું ના મળવાને લીધે,તે વિપત્તિને પ્રાપ્ત થયો.
મૂર્ખતા (અજ્ઞાન) ના સામર્થ્યથી,જેવાં દુઃખો પ્રાપ્ત થાય છે,તેવાં દુઃખો,બીજી વિપત્તીઓથી,જરાથી,કે મરણથી પ્રાપ્ત થતાં નથી.જેમ,મનુષ્યના બધા અવયવોમાં કેશ-સમૂહ (વાળ),સર્વ અવયવોના ઉપરના ભાગમાં રહે છે,
તેમ,બધી વિપત્તિઓને આપનાર અજ્ઞાન જ સર્વથી મુખ્ય છે.
(૮૯) હસ્તિકોપાખ્યાન
ચૂડાલા કહે છે કે-હે રાજા,હવે બુદ્ધિને પરમ બોધ આપનારું,એક બીજું મનોહર વૃતાંત કહું છું,તે સાંભળો,
કે જે તમને પોતાને મળતું (તમારા જેવું) જ છે.
વિન્ધ્યાચલના વનમાં,મોટા હાથીઓના ટોળામાં,રાજાઓનો પણ રાજા,એવો એક હાથી છે,
કે જે,ઉચ્ચ સ્વરૂપ વાળો છે અને તેણે તીક્ષ્ણ ધોળા બે દાંત છે કે જે મેરુને પણ ઉખેડી નાખવા સમર્થ છે.
તે હાથીને એક વખત,એક મહાવતે ચારે બાજુ લોઢાની સાંકળોની જાળ પાથરી,તે વડે તેને બાંધી લીધો.
શસ્ત્રો વાગવાથી પીડાયેલો હાથી,સાંકળના ફાંસામાં ફસાઈ ગયો,અને તેને અતિશય પીડા થઇ.
ત્રણ દિવસમાં તે સ્વસ્થ થયો,ત્યારે પોતાના દાંતો વડે તેણે લોઢાની જાળ તોડી નાખી.ને મુક્ત થયો.
મહાવતે આ દૂરથી જોયું,અને હાથીના પાસેના તાડના ઝાડ પર ચડી જઈ,ત્યાંથી હાથીના માથા પર કુદકો માર્યો,પણ હાથીના માથા પર પડવાને બદલે તે જમીન પર હાથીની પાસે જઈને પડ્યો.
તે હાથીને પોતાની પાસે પડેલા મહાવતને જોઇને દયા આવી,અને મહાવતને મારી નાખ્યો નહિ,અને પોતે ત્યાંથી ચાલતો થયો.હાથીના જતા રહ્યા પછી,શરીર અને બુદ્ધિને સ્વસ્થ કરી,મહાવત ઉભો થયો.
જેમ,ધનની વૃદ્ધિ ઇચ્છનાર કોઈ નિર્ધન પુરુષ,પોતાના પાસે એક વખત ખજાનો આવ્યા પછી તરત જતો રહે તો.
તેથી દુઃખી થાય,તેમ,એ મહાવતને પોતાના ઉપાયો નિષ્ફળ જવાથી,તથા હાથી એક વખત બંધાઈ ગયા છતાં,
તે હાથી પોતાની પાસે જતો રહેવાથી અતિ દુઃખ થયું,અને ફરીથી તે જંગલમાં છુપાઈને હાથીને ખોળવા માંડ્યો.
ઘણા કાળે,તેને જંગલમાં એક ઝાડની તળે વિશ્રામ લેતો જોયો.
એ હાથી જે પ્રદેશમાં તેના જોવામાં આવ્યો,તે પ્રદેશમાં રાજાની સહાયતાથી ચારે બાજુ તેણે ખાઈ ખોદાવી નાખી.અને હાથીને છેતરવા,તે ખાઈને કોમળ લતાઓથી ઢાંકી દીધી.