Mar 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-774

જે બરાબર મન રાખીને કાર્ય કરે છે,તેને બધું સિદ્ધ થાય છે.બુદ્ધિનો આશ્રય કરી,મનમાં કોઈ જાતનો ખેદ લાવ્યા વિના જો પ્રવૃત્તિ અને ઉદ્યોગ કરવામાં આવે તો,અકિંચન (ભિખારી) પુરુષ પણ શક્તિમાન બની જાય છે.

પણ,જેમ,કોઈ અતિ-દરિદ્ર પામર પ્રાણી,અનાયાસે પોતાને રાજ્ય પ્રાપ્ત થાય તો તેને (ઘડીભર) સાચું ના માને,તેમ તે (શ્રીમાન) પુરુષને પણ સર્વ મહા-મણિઓમાં ઉત્તમ ચિંતામણિ પોતાને મળી ગયા છતાં,પોતાની પાસે ચિંતામણિ આવ્યો છે તેવું,તે (મૂર્ખ શ્રીમાન પુરુષ) માની શકતો નહોતો.

તે મૂર્ખ (શ્રીમાન) પુરુષ વિચારે છે કે-
"આ ચિંતામણિ શું હશે? આ ચિંતામણિ તો જણાતો નથી! જો ચિંતામણિ હોય તો મને પ્રત્યક્ષ દેખાય નહિ?
તો શું હું તેની પરીક્ષા માટે તેને સ્પર્શ કરું કે ના કરું? અને જો કદાચિત ચિંતામણિ હોય તો કદાચ મારા ભાગ્યહીન-પણાને લીધે તેં સ્પર્શ કરવાથી જતો તો નહિ રહે? માત્ર આટલા થોડા કાળમાં,મને ચિંતામણિ
સિદ્ધ થાય નહિ,કારણકે મરતાં સુધી યત્ન કરવાથી જ તે મળે છે-એવો શાસ્ત્રો નો ક્રમ છે.

હું પોતે ગરીબ હોવાથી,માત્ર ભ્રાંતિથી જ હું તેને દેખું છું,એવું મને લાગે છે.મને અત્યારે,થોડા સમયમાં જ
સર્વ સિધ્ધિઓને આપનાર ચિંતામણિ મળી જાય,એવી મારી પાસે પુણ્ય-સંપત્તિ ક્યાંથી હોય?
કદાચ,કોઈ મહાત્મા પુરુષોને જ થોડા સમયમાં સંપત્તિઓ અનુકૂળ થાય છે,જયારે હું તો,એક તુચ્છ મનુષ્ય છું,
ભાગ્યહીન છું,મેં થોડુંક તપ કર્યું હશે,પણ એટલામાં આવી સિધ્ધિઓ મને કેવી રીતે મળે?"

આ પ્રમાણે તે અજ્ઞાની પુરુષે લાંબા કાળ સુધી વિચાર કર્યો,
પરંતુ પોતાની મૂર્ખતાને લીધે અને ભ્રાંતિથી ભૂલ કરીને એ ચિંતામણિ લેવા માટે કશો પ્રયત્ન કર્યો નહિ.
જે કાળે,જે પદાર્થ,જેને મળવાનું વિધાતા તરફથી નિર્માણ થયું જ નથી,તે પદાર્થ તે કાળે તેને મળતો જ નથી.
જેમ કે તે પુરુષે,તે મળેલ ચિંતામણિને,ભ્રાંતિની રમતમાં જ ગુમાવી દીધો.
એ પુરુષ,જયારે ચિંતામણિને ગ્રહણ કર્યા વિના એમ ને એમ જ ઉભો રહ્યો,
એટલે  પછી,પોતાનો અનાદર થવાથી તે ચિંતામણિ,ત્યાંથી ઉડીને જતો રહ્યો.

જયારે સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે,ત્યારે તે પુરુષમાં વિચક્ષણ-પણું ઉત્પન્ન કરે છે,
પરંતુ પુરુષ જો એ સિદ્ધિઓનો અનાદર કરે તો,તેઓ જતી રહે છે,
માત્ર એટલું જ નહિ,પણ પહેલાનું જે વિચક્ષણ-પણું રહ્યું હોય તે પણ સાથે લઇ જાય છે.
ત્યાર પછી,જેમ,દૃઢ નિશ્ચય વાળા પોતાના કાર્યમાં કદી હતાશ થતા નથી,
તેમ તે પુરુષે,ફરીથી ચિંતામણિ ને મેળવવા માટે,અનેક ક્રિયાઓ કરીને યત્ન કરવા માંડ્યો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE