શિખીધ્વજ રાજા કહે છે કે-હે દેવપુત્ર,આજે આપે મને સાચો બોધ આપ્યો.હું માત્ર અજ્ઞાનને લીધે જ સજ્જનોના સંગ તરફ લક્ષ્ય ના આપતા,આ વનમાં આવીને રહ્યો છું.મારાં સર્વ પાપો ક્ષીણ થઇ ગયા હોય એમ હું માનું છું.
કેમ કે -આજ આપ સામેથી પધારીને જ મને બોધ આપ્યો છે,માટે આપ જ મારા ગુરુ,પિતા અને મિત્ર છો.હું આપનો શિષ્ય થઈને આપના ચરણમાં નમસ્કાર કરું છું.મારા પર આપ કૃપા કરો.અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરો.અનેક પ્રકારનાં જુદાં જુદાં જે જ્ઞાન છે-તેમાં કયું જ્ઞાન સર્વથી શ્રેષ્ઠ છે ? તે વિષે કહો.
ચૂડાલા કહે છે કે-હે રાજર્ષિ,શ્રદ્ધારહિત પુરુષોને કરેલ ઉપદેશ,સુકાયેલા ઠૂંઠા પાસે કરેલા કાગડાના અવાજની જેમ નકામો છે,માટે જો તેમ થાય તેવું હશે તો,તમને હું કશું કહીશ નહિ.
પરંતુ જો તમે શ્રદ્ધાથી મારાં વાક્યોને દૃઢતાથી ગ્રહણ કરો,તો તમે જે પૂછો છો,તે જ્ઞાન અને તે કેવી રીતે પ્રાપ્ત થઇ શકે -તે વિષે સર્વ હું કહીશ.જે મનુષ્ય માત્ર વિનોદ કરવા પૂછે ને વક્તા પાસેથી જવાબ ગ્રહણ ના કરે,
તો તેવા મનુષ્યને કહેલાં વચનો નિષ્ફળ જાય છે.
શિખીધ્વજ કહે છે કે-આપ જે કંઈ મને કહેશો તે હું શ્રુતિના વિધિવાકય ની પેઠે,કોઈ જાતનો તર્ક-આદિ વિચાર ના લાવતાં-તત્કાલ શ્રદ્ધા વડે ગ્રહણ કરીશ.હું આપને આ બરાબર સત્યતાથી કહું છું.
ચૂડાલા કહે છે કે-જેમ,પિતાનું કહેલું વાક્ય,સાચું-કે ખોટું -એમ કુતર્ક કર્યા વિના જ- પરિણામે હિત-રૂપ સમજી,
માત્ર આજ્ઞા તરીકે માનવામાં આવે છે,તેમ, આ મારાં વચનોને પણ હેતુ વિશેનું પ્રયોજન ના શોધતાં,હિત-બુદ્ધિથી એક આજ્ઞા તરીકે સમજીને તે શ્રવણ કરો અને
સાંભળ્યા પછી-પણ તે વાક્યોમાં જ તમારું કલ્યાણ છે-તેવી દૃઢ ભાવના રાખો.
જેની બુદ્ધિ મંદ છે-તેણે લાંબે કાળે બોધ થાય છે અને જેની બુદ્ધિ તીવ્ર છે-તેણે જલદી બોધ થાય છે.
હવે પ્રથમ,હું તમારા જેવી મંદ બુદ્ધિ-વાળા પુરુષની કથા કહું છું,જેથી સંસાર તરવો સુગમ થશે.
(૮૮) મૂર્ખનું આખ્યાન
ચૂડાલા કહે છે કે-જેમ પરસ્પર ઉલટા ધર્મ-વાળાં જળ અને વડવાગ્નિ,એ બંનેનો,સમુદ્ર એ આશ્રય-રૂપ છે,
તેમ,કોઈ એક શ્રીમાન (શ્રીમંત) પુરુષ અન્યોન્ય વિરુદ્ધ ધર્મ-વાળા ગુણો-વાળો છે,એટલે કે-એ -
લક્ષ્મી (ધન) અને અસદગુણના આશ્રય-રૂપ છે.તે સર્વ રીતે કુશળ અને વિચક્ષણ છે,પરંતુ એક પરમાત્માના પદને ઓળખાતો નથી.જેમ,વડવાગ્નિ,સમુદ્રના જળને શોષી લે છે,તેમ, એ પુરુષે જપ-તપ-આદિ અનંત યત્નો વડે મળી શકે છે તેવા ચિંતામણિને મેળવવા પ્રવૃત્તિ કરી,અને દૃઢ નિશ્ચયથી તે કામમાં લાગેલા -એ પુરુષને તીવ્ર પ્રયાસ-વાળા યત્નથી,થોડા કાળમાં જ ચિંતામણિ સિદ્ધ થઈ-તેની પાસે આવ્યો.