શિખીધ્વજ રાજા કહે છે કે-હે દેવ-પુત્ર,આ સંસારમાં મારાં સંચિત થયેલાં પ્રાચીન પુણ્યો વડે જ ખેંચાઈને આપનું પધારવું થયું છે-એમ હું સમજુ છું.આપની સાથે મારો સમાગમ થયો,તેથી આજે ધર્મ વડે ધન્ય ગણાતા પુરુષોમાં અગ્રેસર તરીકે ગણાવા યોગ્ય થયો છું.આપનો સમાગમ મારા ચિત્તને જેવું શીતળ કરે છે,તેવી શીતળતા,મને રાજ્યલાભ-વગેરે પદાર્થો પણ આપી શકતા નથી,કેમકે સત-સમાગમમાં,વાસનાઓનો નાશ થઈને,અનંત બ્રહ્મ-નો અલીકિક આનંદ-રસ પ્રાપ્ત થાય છે,જયારે રાજ્યલાભ તો કલ્પનાથી જ થોડું તુચ્છ સુખ આપે છે.
વસિષ્ઠ કહે છે કે-ઉપર પ્રમાણે રાજા કહેતો હતો,ત્યારે તેનાં વચનોને બંધ પાડી,
બ્રાહ્મણ-પુત્ર તરીકે બનીને આવેલી તે ચૂડાલાં-રાણીએ વળી બીજીવાર રાજા ને કહ્યું કે-
હવે આ પ્રશંસા-ને આટલે જ બંધ કરો.તમે મને જે પૂછ્યું તે મેં તમને કહી બતાવ્યું,પણ હવે તમે કહો કે તમે કોણ છો?આ પર્વતમાં શું કરો છો?ક્યાં સુધી વનવાસમાં રહેવાનો છો?અને આ પ્રમાણે કરવાનું પ્રયોજન શું છે?
શિખીધ્વજ રાજા કહે છે કે-આપ દેવપુત્ર છો,એટલે બધું બરાબર રીતે જાણો છો,એટલે આપને બીજું શું કહું?
આપ તો સર્વ જાણો છો તે છતાં આપના પૂછવાથી મારા વિષે હું ટૂંકાણમાં કહું છું.
હું સંસારથી ભયભીત બની,રાજ્ય છોડી દઈને,આ વનમાં તપ કરવા માટે આવીને રહેલો શિખીધ્વજ નામનો
રાજા છું.આ સંસારમાં વારંવાર સુખ પછી દુઃખ,દુઃખ પછી સુખ,જન્મ પછી મરણ અને મરણ પછી જન્મ,
એમ વારાફરતી થયા જ કરે છે.જેથી હું તાપને પામેલો છું,અને તેથી અહી વનમાં આવી તપ કરું છું.
જેમ,ભાગ્યહીન નિર્ધન પુરુષને ખજાનાનો લાભ મળતો નથી,તેમ હું અનેક ઠેકાણે રખડ્યો છું અને અહીં આવી મેં અતિ-કઠોર તપ આદર્યું છે છતાં મને ખરી શાંતિ મળી નથી.જેનો પ્રયત્ન સફળ થયો નથી અને કોઈ જાતનું ફળ મળ્યું નથી તેવો હું એકલો કોઈ જાતની સોબત વગર અહી રહું છું.અને અંદરથી સુકાયા કરું છું.
ઉપવાસ,દેવપૂજન,અતિથીપૂજન-વગેરે સઘળી જુદી જુદી ક્રિયાઓ સતત અને બરાબર નિયમપૂર્વક હું કર્યે જાઉં છું,પરંતુ આમ કર્યાથી મને એક દુઃખમાંથી છૂટી બીજા દુઃખના સમૂહોમાં પડ્યો હોઉં-તેમ લાગે છે -અને-
શાંતિ માટે સ્વીકારેલો આ કર્મ-રૂપ-અમૃત-માર્ગ-એ અમૃત-રૂપ હોવા છતાં-
મને શાંતિ ના મલવાને લીધે વિષ જેવો લાગે છે.એ શું હશે? (એમ કેમ હશે?)
ચૂડાલા કહે છે કે-પૂર્વકાળમાં કોઈ એક દિવસે બ્રહ્માને પણ મેં આ વાત પૂછી હતી કે-
હે મહારાજ,કર્મ અને જ્ઞાન-એ બંનેમાં -જે એક મોક્ષ થવાનું કારણ હોય તે આપ કહો.