Mar 24, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-770

(૮૬) કુંભની ઉત્પત્તિ
ચૂડાલા કહે છે કે-ઉપર જણાવ્યા પ્રમાણે શબલ બ્રહ્મ (ઈશ્વર) ના સ્વભાવને લીધે જ -આવડું મોટું જગત ઉત્પન્ન થયું છે અને વાસના વડે ધર્મ તથા ધર્મને આધીન થઇ એ (જગત) સ્થિતિને પામેલ છે.જ્ઞાન વડે વાસનાનો ક્ષય થઇ જવાથી ધર્મ-અધર્મ સાથેનો સંબંધ દૂર થાય છે-ને મનુષ્ય ફરીવાર જન્મ લેતો નથી,એવું અમારા અનુભવમાં આવે છે.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,આપનાં વચનોની સુંદર શૈલી સાંભળી,આજ અમૃતપાન કર્યું હોય તેમ હું અંદર શીતળ થઇ ગયો છું.હવે આપની ઉત્પત્તિ શી રીતે થઇ? તે વિષે કહો.

ચૂડાલા કહે છે કે-પછી એ નારદમુનિએ પોતાનું વીર્ય, પાસે રહેલા સ્ફટિક કુંભમાં,
જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ પેઠે મુક્યું.અને પોતાના સંકલ્પમાત્રથી સર્જેલા દુધથી છલોછલ ભરી દીધો.
કુંભમાં પેદા થયેલ તે ગર્ભ,મહિને મહિને વધવા લાગ્યો.અને સમસ્ત અંગો પૂર્ણ થયા પછી,કુંભમાંથી બહાર નીકળ્યો.અતિ સૌન્દર્ય-વાળો તે બાળક શુક્લ-પક્ષમાં જેમ ચંદ્રમા વધે તેમ વધવા લાગ્યો.(મોટો થયો)

નારદ મુનિએ તેના જાત-કર્મ આદિ સંસ્કારો કરી,પોતાની પાસે રહેલું સઘળું વિદ્યાધન-એ પુત્રને આપ્યું.
નારદે થોડા દિવસોમાં જ તેણે સઘળાં શસ્ત્રો ભણાવી,કેમ જાણે પોતાનું જ પ્રતિબિંબ હોય તેવો બનાવી દીધો.
પછી એક વખત,એ પુત્રને સાથે લઈને,નારદમુનિ બ્રહ્મલોકમાં ગયા,
ત્યાં પોતાના પિતા બ્રહ્માની પાસે,તે પુત્રની બુદ્ધિની પરીક્ષા માટે,કેટલાક પ્રશ્નો પૂછાવડાવ્યા.

ત્યારે બ્રહ્માએ પોતાના પૌત્રની વેદ-આદિ શાસ્ત્રો વિષે પ્રશ્નો પૂછી તેની પરીક્ષા લીધી,અને પૌત્રના સંતોષકારક જવાબોથી પ્રસન્ન થઇ તેને પોતાના ખોળામાં બેસાડ્યો.અને પોતાના કેવળ આશીર્વાદ માત્રથી જ -
તેને સર્વજ્ઞ તથા સર્વજ્ઞાનના અવધિ-રૂપ-તત્વજ્ઞાનમાં જ તલ્લીન બનાવી દીધો.
તે પૌત્ર કુંભમાંથી ઉત્પન્ન થયેલો હતો એટલે તેનું નામ કુંભ પાડ્યું,હે મહર્ષિ,તે કુંભ હું પોતે,બ્રહ્માનો પૌત્ર થાઉં છું.
(પોતાના પતિને પોતાનામાં વિશ્વાસ બેસાડી તેને જ્ઞાનવાન બનાવી સંસાર-પાશમાંથી છોડાવવા,ચૂડાલાએ
અહી ઋષિ-પુત્ર થઇ બ્રહ્માના પૌત્ર હોવાનો દાવો કર્યો છે-એટલે મિથ્યા-ભાષણનો દોષ તેને લાગતો નથી!!)

હે રાજર્ષિ,હું મારા પિતાજી (નારદજી) સાથે બ્રહ્મલોકમાં જ્યાં ખુશી પડે ત્યાં રહું છું.મારી સાથે લીલા કરનાર
ચાર વેદો મારા મિત્રો છે અને ગાયત્રી મારી માતૃભગિની (માસી) છે-એમ હું સમજુ છું.સરસ્વતીને હું,
મારી માતા ગણું છું.બ્રહ્મલોકમાં મારું ઘર છે અને ત્યાં બ્રહ્માના પૌત્ર તરીકે ખુશીથી રહું છું.
હું સર્વ વાતે પરિપૂર્ણ છું,એટલે મારે કંઈ પણ કરવાનું બાકી રહ્યું નથી,
તો પણ લીલા-માત્રથી જ આખા જગતમાં સર્વ ઠેકાણે મારી મરજી મુજબ હું જઈ શકું છું.

હું ભૂલોકમાં ફરું છું ત્યારે મારા પગ પૃથ્વીને અડકતા નથી.મારા અવયવોને ધૂળ અડકી શકતી નથી
તથા મારું શરીર (કે મન) પણ કદી ખેદ પામતું નથી.
હે રાજર્ષિ,હું આકાશ-માર્ગે જતો હતો,તેવામાં મેં તમને જોયા,જેથી હું તમારી પાસે આવેલ છું.
આમ,મેં આપે પૂછેલા સર્વ પ્રશ્નોના જવાબ આપ્યા છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE