Mar 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-767

ચૂડાલા કહે છે કે-હે રાજર્ષિ,આ ત્રણે લોકમાં પ્રાણીઓની જેટલી જાત છે-તે સર્વનો અને દેવ-આદિનો પણ જે દેહ છે-તે દ્વંદ્વ-ધર્મ-વાળો છે.
જ્ઞાનવાન હોય કે અજ્ઞાની હોય,પરંતુ જ્યાં સુધી મનુષ્ય (પ્રાણી કે દેવ) જીવતું રહે છે-
ત્યાં સુધી સૌનું શરીર સુખ-દુઃખ-મય જ હોય છે.
જેમ દીવાથી પ્રકાશ વધે કે જેમ,ચંદ્રના ઉદયથી મહાસાગર વધે,
તેમ, કોઈ પદાર્થમાં તૃપ્તિ થવાને લીધે સુખ-જ વધે છે,અને,
જેમ,વાદળાં-રૂપી પડદો ચંદ્રને આડે આવી જવાથી રાત્રિમાં અંધારું વધે,
તેમ કોઈ ભૂખ-આદિ પદાર્થોથી દુઃખ જ વધે છે.

આ વિષયમાં સ્વ-ભાવ જ મુખ્ય કારણ-રૂપ છે.એક ઘડીભર પણ જો પોતાનું નિર્મળ આત્મ-સ્વ-રૂપ ભૂલી જવાય,તો-જેમ,વર્ષા-ઋતુમાં વાદળાં ચડી આવે છે તેમ,આ દેખાતો સંસાર પ્રગટ થાય છે.
જેમ,અંધારા અને પ્રકાશ વડે,દિવસ અને રાત્રિની સ્થિતિ છે,તેમ, સુખ-દુઃખ વડે જ આ શરીરની સ્થિતિ છે,
પરંતુ એ સુખ-દુઃખ,અજ્ઞાની પુરુષને,"જન્મના કારણ-રૂપ એવો દેહ-આદિમાં,
આત્મ-બુદ્ધિ નો અધ્યાસ હોવાને લીધે"
જેમ,કપડાંમાં કેસરનો રંગ બરાબર દૃઢ રીતે લાગી જાય છે,તેમ,બરાબર દૃઢ સંસ્કાર-રૂપે બેસી જાય છે.

હે રાજર્ષિ, જ્ઞાનીને તત્વજ્ઞાનને લીધે (જો ઘડીવાર સુધીમાં પણ આત્મ-સ્વ-રૂપના તત્વજ્ઞાનને ના ભૂલે તો)
સુખ-દુઃખનો જરા પણ રંગ લાગતો નથી.
જેમ,કેસર-ગળી-વગેરેનો સારો-નરસોરંગ સ્ફટિક-મણિને અંદર રંગી શકતો નથી,
તેમ,બહાર સુખ-દુઃખ દેખાવા છતાં,પણ જ્ઞાનવાનને (જીવનમુક્ત તત્વજ્ઞ પુરુષને)
તે (સુખ-દુઃખ તેને) અંદર લેપી શકતું નથી-કે તેને હર્ષ-શોક નો રંગ પણ લાગી શકતો નથી.
જયારે,અજ્ઞાની પુરુષની બુદ્ધિમાં સુખ-દુઃખ નો સંબંધ માત્ર થવાથી,તેનો ઘાટો રંગ બેસી જાય છે,અને,
તે વસ્તુ (સુખ-દુઃખ) બુદ્ધિમાંથી જતું રહેવાથી પણ પાછું મનમાં દુઃખ થાય છે.

જેમ,કેસર-આદિનો રંગ વસ્ત્રથી દુર કરવામાં આવે તો પણ વસ્ત્રની અંદર દૃઢ બેસી ગયેલો રંગ તો જતો જ નથી,
તેમ,સુખ-દુઃખ આપનાર વસ્તુ દૂર જ થઇ જાય તો પણ
અજ્ઞાનીઓના હૃદયની અંદર દૃઢ ખૂંચી ગયેલા સંસ્કારો તો જતા જ નથી.
(આ ક્રમથી જ બંધન-મોક્ષની વ્યવસ્થા સમજી લેવી.)
વિષયાશક્તિને લીધે,વાસનાનો જે વધારો થાય છે,એ જ બંધન છે
અને વિષયોનો સંગ છૂટી જતાં,જ વાસનાઓ ચાલી જવી-તેનું નામ જ મોક્ષ કહેવાય છે.

શિખીધ્વજ રાજા કહે છે કે-દૂર રહેલા અને પાસે રહેલા પદાર્થોનો લાભ-એ  સુખનું કારણ છે,અને
તે પદાર્થોનો નાશ એ દુઃખનું કારણ છે.તો,તે કારણો થી શા માટે જીવને સુખ-દુઃખ થાય છે? તે કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE