શિખીધ્વજ કહે છે કે-હે રાણી,મેં ધારી રાખેલા વિચારમાં વિઘ્ન નાખવું બંધ કર.કેમકે,હું અહીંથી દુર એકાંતમાં વનમાં ગયેલો જ છું એમ સમજજે.સ્ત્રીઓ ગમે તેટલી મજબુત મનની કે કઠિન અંગવાળી હોય તો પણ વનમાં રહેવાને અશક્ત છે,માટે તારે રાજ્યમાં રહી રાજ્યનું રક્ષણ કરવું,
કારણકે પતિ ક્યાંય બહાર જાય-ત્યારે કુટુંબનો ભાર ઉઠાવવો તે-જ સ્ત્રીનો ધર્મ છે.
વસિષ્ઠ કહે છે કે-હે રામ,રાણીને એમ કહી રાજા સ્નાન કરી,સઘળું તે દિવસનું કામકાજ કર્યું,
અને રાત્રિના સમયે તે ઉઠયો "હું રાત્રિચર્યા માટે જાઉં છું,તમે સર્વ અહી જ રહો" એ પ્રમાણે -પોતાના સેવકોને કહી,રાજ્યમાંથી બહાર નીકળ્યો.નિસ્પૃહ થઇ ગયેલા એ રાજાએ "હે રાજ્યલક્ષ્મી તને હવે નમસ્કાર છે"
સવાર સુધી એ જંગલને વટાવી,આખો દિવસ પણ ચાલતા રહી,સાયંકાળે તેણે વિશ્રામ લીધો.
રાજાએ ત્યાં પર્ણકુટી બનાવી અને ખેદ પામ્યા વિના પ્રસન્નતાથી જ વનમાં દિવસો ગાળવા લાગ્યો.
(૮૫) ચૂડાલા પતિ પાસે વનમાં ગઈ
વસિષ્ઠ કહે છે કે-હવે ચૂડાલા રાણીએ શું કર્યું? તે તમને કહું છું.
અર્ધરાત્રિના સમયમાં ચૂડાલા જયારે ઉઠી,ત્યારે પતિને તેણે જોયો નહિ,એટલે ખેદથી ભરેલી તે રાણીએ વિચાર કર્યો કે-અહો,મોટું કષ્ટ આવી પડ્યું છે કે રાજા રાજ્ય છોડી વનમાં જતા રહ્યા ! હવે મારે અહી રહીને શું કરવું?
માટે,હું પણ તેમની પાસે જ જાઉં,કારણકે શાસ્ત્રોમાં,પતિ -એ જ- સ્ત્રીઓની મુખ્ય ગતિ બતાવી છે.
એવો વિચાર કરી,પોતાના પતિની પાછળ જવાને ઉભી થયેલી,ચૂડાલા રાણી,ગોખમાંથી સુક્ષ્મ-સ્વ-રૂપે બહાર નીકળી આકાશમાં આવી.અને જંગલમાં રહેલા પોતાના પતિને જોઈ,આકાશ-માર્ગમાં જ રહી.
અને પોતાના પતિનું ,જે કંઈ ભવિષ્યમાં થવાનું હતું-તેનો એ રાણીએ (આકાશ-માર્ગમાં રહી) વિચાર કર્યો.
હે રામચંદ્રજી,જે રીતે,જે કાળે,જે નિમિત્તે,જે સ્થાનમાં અને જે ક્રિયાથી,જેટલો તે રાજાનો અભ્યુદય થવાનો હતો અને જે તેણે પરમપદ ની પ્રાપ્તિ થવાની હતી-એ સઘળું અવશ્ય ભાવિ હતું-તે કેમ જાણે તે તે રાણીની આગળ મૂર્તિમાન આવીને ઉભું રહ્યું હોય-તેવું તે રાણીના જોવામાં આવ્યું.
અને તે ભાવિને અનુકુળ જ વર્તવા માટે તે રાણી,તે રાજા પાસે (પ્રત્યક્ષ રીતે) ગઈ નહિ.
"મારે હમણાં તે રાજા પાસે જવું નહિ,પણ લાંબો કાળ ગયા પછી જ તેમની પાસે જવું તેવો દૈવનો નિશ્ચય છે"
એવો વિચાર કરી ચૂડાલા પોતાના અંતઃપુર માં પાછી આવી અને સૂઈ ગઈ.
પછી-"કોઈ કારણે રાજા હમણાં બહાર ગયેલા છે" એમ શહેરમાં માણસોને સમજાવીને પોતે રાજ્યમાં જ રહી.
સર્વમાં સમ-દૃષ્ટિ રાખીને તે ક્રમે કરીને એ રાણી,પતિના રાજ્યની રક્ષા કરવા લાગી.
પતિ-પત્ની આમ જુદાં થયે ઘણો કાળ (અઢાર વર્ષ) વીતી ગયો.