જેમ,ઝેરના (ઝેર ખાનારા) કીડા-વગેરે પણ દૃઢ ભાવનાના આગ્રહને લીધે,ઝેરનું પણ અમૃતની પેઠે ભક્ષણ કરે છે,અને અન્ન-દૂધ આદિ અમૃતને ઝેરની અભક્ષ્ય માનીને -તેને અભક્ષ્ય ગણે છે.
તેમ,આત્મ-જ્ઞાની પુરુષો,જેમાં જેવી ભાવના કરે,તેમાં દૃઢ ભાવનાને લીધે,તેમને તેવું જ દેખવામાં આવે છે.
આવી જ રીતે દૃઢ સંકલ્પથી જે જે ભાવના કરવામાં આવે તે-તત્કાલ તેવી જ રીતે સિદ્ધ થાય છે.
આનાં અનેક દૃષ્ટાંતો-આ લોકમાં વારંવાર જોવામાં પણ આવે છે.
આમ,દેહને જો સત્ય-પણાથી જોવામાં આવે તો-તે દેહ-રૂપે સત્ય દેખાય છે,
પરંતુ જો અસત્ય-ભાવથી જોવામાં આવે તો-સઘળું અધિષ્ઠાન-ચૈતન્યમય જ હોવાથી-બ્રહ્માકાશ રૂપે ભાસે છે.
હે રામચંદ્રજી,અણિમાદિ સિદ્ધિ મેળવવા માટે ઉપર જણાવેલી યુક્તિ તમને કહી,
હવે આ જ વિષયમાં બીજી એક યુક્તિ (પરકાયા-પ્રવેશ વિશેની) કહું છું તે તમે સાંભળો.
જેમ,બહારના વાયુમાં રહેલી ફૂલની સુગંધ નાક પાસે જાય,
તેમ,રેચક પ્રાણાયામના અભ્યાસના યોગથી,જીવને જયારે "કુંડલિની-શક્તિ-રૂપ-ઘર"માંથી જુદો પાડીને,
બીજાના દેહમાં-જીવમાં કે બુદ્ધિમાં,(વૈભવ ભોગવવા માટે) દાખલ કરવામાં આવે-
ત્યારે ચેષ્ટા વગરનો એ (મૂળ) દેહ,લાકડાના જેવો જડ થઇ જાય છે.
(જુદા પડેલ) એ જીવને,સ્થાવર કે જંગમમાં,જે પદાર્થ પોતાને ભોગવવાની ઈચ્છા થાય,
તેની અંદર,તેવા વૈભવો ભોગવવાને યોજી શકાય છે.
આ પ્રમાણે (પરકાયા પ્રવેશની સિદ્ધિથી) પરકાયામાં પ્રવેશ કરીને,વૈભવો ભોગવી રહ્યા પછી,
એ જીવને પોતાનું પૂર્વનું શરીર રહેલું હોય તો-તેમાં અથવા-
બીજું પોતાને જે કંઈ રુચે તેમાં-જેટલા કાળ સુધી ઈચ્છા હોય તેટલા કાળ સુધી પ્રવેશ કરે છે.
અથવા તો એ યોગી,પરકાયા પ્રવેશ કરી,વૈભવો ભોગવ્યા પછી,સર્વમાં વ્યાપ્ત રહેલા પોતાના ચૈતન્ય-ચમત્કારથી,સર્વ સ્થાવર-જંગમ દેહોમાં (તેના જીવોમાં) અને
સત્વ-આદિ ગુણોમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈને રહે છે.
યોગથી મળેલા ઐશ્વર્યથી ભરપૂર થયેલો એ જીવ,નિત્ય સ્વ-પ્રકાશ અને નિર્દોષ -
પોતાના આત્મ-સ્વ-રૂપને ઓળખી,જે જે ઈચ્છા કરે છે-તે તે તત્કાલ મેળવે છે.
આમ છતાં (આ સિદ્ધિઓને બાજુમાં રાખીને કે તેની પાછળ ના દોડીને)
"અજ્ઞાનનું પડળ ખસી જવું (અજ્ઞાનનો નાશ) એ જ પરમ-પદ છે" -એમ વિવેકી પુરુષો નું માનવું છે.