Mar 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-759

માતાના ઉદરમાં (ગર્ભાશયમાં) રહેલા માંસ-પિંડ (બાળક) માં અતિ-સૂક્ષ્મ-રૂપે રહેલી "બીજ-શક્તિ" જ,જેમ,હાડકાં-હાથ-પગ-આદિ સ્થૂળ-ભાવને પ્રાપ્ત થાય છે-તેમ એ કુંડલિની શક્તિથી જ,હાડકાં-હાથ-પગ વગેરે (પાર્થિવ ભાગ) ભાવને પ્રાપ્ત થાય છે (ફરી દેહની કે બીજા કોઈ આકારની રચના થાય છે)
આમ,યોગી-પુરુષની જીવ-શક્તિ (કુંડલિની શક્તિ) પોતાની ઈચ્છા અનુસાર,મેરુ-પર્વત જેવા કોઈ મોટા આકારની કે તૃણ-જેવા કોઈ નાના આકારની (અણિમા) જેવી દૃઢભાવના કરે-તો તેવા આકારને પ્રાપ્ત થાય છે.

હે રામચંદ્રજી,અણિમાદિ સિદ્ધિઓ જે રીતે યોગથી પ્રાપ્ત થાય છે,તે તમને કહ્યું,હવે,આ સિદ્ધિઓ,જ્ઞાનથી શી રીતે મળી શકે તે કહું છું,તે તમે સાંભળો-કે જે આ કથા સાંભળ્યાનું મુખ્ય ભૂષણ છે.

શુદ્ધ-નિર્વિકાર-અલક્ષ્ય-સૂક્ષ્મતર અને શાંત,એક ચેતન-સત્તા (ચૈતન્ય) જ સર્વત્ર છે.
જગત કે જગતની ક્રિયા-એ કશું તેમાં (ચેતન-સત્તામાં) છે જ નહિ.
એ ચેતન-સત્તા જ જયારે સંકલ્પ-રૂપે સ્ફૂરેલા પોતાના આત્માને અધ્યાસથી વધારે છે,
ત્યારે સંકલ્પ-રૂપ મેલથી મલિન થાય છે.અને જીવ-એ નામથી ઓળખાય છે.
આ દેહ અસત્ય છતાં,જીવની દૃષ્ટિમાં,માત્ર સંકલ્પની ભ્રાંતિથી જ સત્ય જેવો લાગે છે.
જયારે જ્ઞાન-રૂપ દીપકથી પ્રકાશનો પૂર્ણ રીતે ઉદય થાય છે-
ત્યારે સંકલ્પથી થયેલું,જીવનું (ઉપર બતાવ્યા મુજબનું-સંકલ્પનું) સઘળું અજ્ઞાન નાશ પામે છે.

હે રામચંદ્રજી,જેમ તેલ ખૂટી જવાથી દીપક બુઝાઈ જાય છે,
તેમ સંકલ્પો નાશ થઇ જવાથી,દેહ પણ બાધિત (નહિ જેવો) થઇ જાય છે.
જેમ,નિંદ્રાનો નાશ થવાથી સ્વપ્ન જોવામાં આવતું નથી,
તેમ,સત્ય-પરમાત્મા (ચૈતન્ય) નો સાક્ષાત્કાર થવાથી,દેહ પણ (મિથ્યા હોવાથી) જોવામાં આવતો નથી.
જે તત્વ (દેહ) ના હોય તેમાં તત્વ (જીવ) ની ભ્રાંતિ થાય,એટલે જીવ દેહમાં બંધાઈ રહે છે,
પરંતુ,એક પરમાત્માની ભાવના કરવાથી તે જીવ,દેહના બંધન વગરનો થઇ સુખી થઇ જાય છે.

દેહ-આદિ અનાત્મ પદાર્થમાં,આત્મ-બુદ્ધિ થવી તે,હૃદયનો અંધકાર છે
અને તે એવો દારુણ છે કે-બહારનો સૂર્ય-પ્રકાશ તેને ભેદી શકતો નથી.
પોતાના આત્મામાં જ આત્મ-બુદ્ધિ થવાથી,"સર્વમાં ફેલાઈને રહેલું શુદ્ધ અધિષ્ઠાન-ચૈતન્ય જ હું છું"
એવો જ્ઞાન-રૂપ (અંદરનો) સૂર્ય જયારે ઉદય પામે-ત્યારે જ હૃદયનો અંધકાર (અજ્ઞાન) નાશ પામે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE