દીન-પુરુષો (કુંડલિની-યોગના) પુરુષાર્થથી (યોગીઓની જેમ)
આકાશ-ગમન વગેરે જેવી ઉર્ધ્વ-ગતિને પામી,ઇન્દ્ર-પદને પહોંચે છે.
બીજી નાડીઓમાં નહિ જવા દેતાં,ફક્ત સુષુમણામાં જ રેચક પ્રાણાયામ વડે,પ્રાણનો પ્રવાહ ચાલુ રાખી,કુંડલિની શક્તિને જયારે મસ્તકની અને કપાળની સંધિ-રૂપ છિદ્રની અંદરની (મૂર્દ્ધ) જ્યોતિમાં,મૂહુર્ત-પર્યંત (સંયમ-પૂર્વક) સ્થિર રાખવામાં આવે-તો આકાશમાં ફરતા સિદ્ધ-પુરુષોનાં દર્શન થાય છે.
રામ કહે છે કે-અમારા જેવાની ઇન્દ્રિયો દિવ્ય ન હોવાથી ચક્ષુ આદિનો સંયોગ થયા છતાં પણ સિદ્ધોનું દર્શન થવું દુર્લભ છે,તો પછી ચક્ષુના તેજના સંબંધ વિના ફક્ત (મૂર્દ્ધ)જ્યોતિમાં પ્રાણ ધારણ કરી રાખવાથી સિદ્ધોનું દર્શન શી રીતે થાય ?
વસિષ્ઠ કહે છે કે-"વાયુ-રૂપ" (ઈચ્છા પ્રમાણે ગતિ કરનારા) સિદ્ધ પુરુષો,અજ્ઞાની-મલિન-ભૂલોક-વાસીઓની
ચક્ષુ-આદિ ઇન્દ્રિયો વડે (દિવ્ય ઉપાય વિના) જોવામાં આવતા નથી.
યોગાભ્યાસ વડે સંસ્કાર પામેલા-ચિત્તથી, બુદ્ધિ-રૂપી-ચક્ષુ વડે,તે સિદ્ધ-પુરુષો સ્વપ્નની પેઠે જોવામાં આવે છે.
પણ સ્વપ્ન અને સિદ્ધ-પુરુષોના દર્શન વચ્ચે તફાવત એટલો જ છે કે-સ્વપ્ન માં જોવામાં આવતો વ્યવહાર લાંબો કાળ રહેતો નથી અને સિદ્ધોના દર્શનમાં થયેલો (વરદાન-ફળ-પ્રાપ્તિ) વ્યવહાર ચિરસ્થાયી હોય છે.
રેચક-પ્રાણાયામ ના અભ્યાસના બળથી,મુખથી બહાર છેટે બાર આંગળ પરિમાણના પ્રદેશમાં,
ચિરકાળ સુધી પ્રાણની સ્થિતિ રાખવામાં આવે તો-"પરકાયા-પ્રવેશ" (ની સિદ્ધિ) થઇ શકે છે.
રામ કહે છે કે- તો પછી માત્ર એક સ્વ-ભાવની જ અચળ સ્થિતિ કેમ રહે છે?એ આપ કહો.
વસિષ્ઠ કહે છે કે-સૃષ્ટિના આરંભ-કાળમાં સત્ય-સંકલ-પરમેશ્વરના સંકલ્પને અનુસરીને,વસ્તુના સ્વભાવ નામની
જે "શક્તિ" સ્ફુરે છે-તે છેવટ સુધી કોઈ ફેરફાર ન થતાં તેવી ને તેવી જ સ્થિતિમાં રહે છે-એવો નિશ્ચય છે.
હે રામચંદ્રજી,તત્વ-દૃષ્ટિથી જોતાં,અવિદ્યા જેવી કોઈ વસ્તુ જ ન હોવાથી,પદાર્થની સ્વભાવ નામની "શક્તિ" પણ કવચિત બદલાઈ જાય છે.જે કંઈ જુદાજુદા પ્રકારે આપણે જોઈએ છીએ,તે સઘળું વસ્તુતઃ બ્રહ્મ-રૂપ જ છે,
પણ,માત્ર વ્યવહારને માટે જ ઉપર કહ્યા મુજબ તે બ્રહ્મમાં કલ્પનાઓ કરવામાં આવી છે.
રામ કહે છે કે-સુક્ષ્મ છિદ્ર-આદિમાં ગતિ કરવા માટે શરીરને અણુ જેવું (ઝીણું) કરવું હોય અથવા આકાશને પૂરવા માટે (પોતાના શરીરને ઘણા ભાગમાં વ્યાપ્ત કરવા માટે) શરીરને (ખૂબ) મોટું બનાવવું હોય,તો
તે પ્રમાણે યોગી-લોકો શી રીતે કરી શકે છે? તે આપ કહો.