ભૂખ-તરસ અને સ્ત્રી-પુત્ર-આદિની ઈચ્છા-વગેરેથી થયેલો વ્યાધિ સામાન્ય ગણાય છે,
અને જન્મ-આદિ વિકાર આપનાર (વાસનામય) વ્યાધિ દૃઢતર કહેવાય છે.
અન્નપાન અને સ્ત્રી-પુત્ર આદિ ઇચ્છિત વસ્તુ મળી જવાથી વ્યવહારિક સામાન્ય વ્યાધિ નાશ પામે છે.અને આધિ નાશ થઇ જવાથી મનથી થયેલા રોગો પણ નાશ પામે છે.
પરંતુ હે રામચંદ્રજી,જેમ રજ્જુમાં અજ્ઞાનથી થયેલી સર્પની ભ્રાંતિ, રજ્જુનું ખરું જ્ઞાન થયા વિના મટતી જ નથી,
તેમ,આત્મજ્ઞાન થયા વિના દૃઢતર જન્મ-મરણ આપનારો વ્યાધિ મટતો જ નથી.
પણ જો આ દૃઢતર વ્યાધિઓનો ક્ષય થાય તો તે સર્વ આધિ-વ્યાધિઓને મૂળમાંથી ઉખેડી નાખે છે.
જે વ્યાધિઓ,આધિ વિના ઉત્પન્ન થાય છે-તે તો વૈદકશાસ્ત્રમાં કહેલાં ઔષધ અને મંત્ર આદિના શુભ ક્રમોથી,
કે વૃદ્ધ-પરંપરાના ઉપાયોથી દૂર થાય છે-તે વિષે તો તમે જાણો છો,એટલે એ વિષે તમને વધુ શું કહેવું?
રામ કહે છે કે-આ આધિ-વ્યાધિઓ ઔષધ-આદિ દ્રવ્ય થી કે મંત્ર-પુણ્ય-આદિ બીજી યુક્તિથી શી રીતે નિવૃત્તિ પામે છે-તે મને કહો.
વસિષ્ઠ કહે છે કે-આધિ કે વ્યાધિ વડે પીડાયાથી શરીરમાં ક્ષોભ થાય છે.જેમ,ભૂલો પડેલ મનુષ્ય,પાસે જ રહેલા માર્ગને દેખતો નથી અને તે ન દેખાયાથી અવળે માર્ગે ચાલ્યો જાય છે,તેમ, શરીરમાં ક્ષોભ થવાથી
પ્રાણ-આદિ પવનો પોતાના સમાનભાવ ને છોડી દઈ,આડે-અવળે માર્ગે ગમે તેમ ગતિ કરવા માંડે છે.
અને આમ થવાથી સઘળી નાડીઓ કફ-પિત્ત દોષોથી પુરાઈ જવાને લીધે વિષમતાને પામી જાય છે.
પ્રાણો વડે દેહ ચારે તરફ વિહ્વળ થવાથી,કેટલીક નાડીઓ અન્નરસથી પૂરી ભરાઈ જાય છે તો કેટલીક નાડીઓ તદ્દન ખાલી જ રહી જાય છે.પ્રાણની ગતિ બદલાઈ જવાથી,કાંતો અન્નનો રસ ખરાબ થાય છે,
કાં તો એ અન્ન નહિ પચવાથી અજીર્ણ થાય છે અથવા એ અન્નરસ બહુ જીર્ણ થઇ જાય છે (સુકાઈ જાય છે)
અને તેથી શરીરમાં વિકાર થાય છે.
જેમ નદીનો વેગ,પોતાનું વલણ સમુદ્ર તરફ હોવાથી,પોતાની અંદરનાં લાકડાને પણ તે સમુદ્ર તરફ લઇ જાય છે,
તેમ,પ્રાણવાયુઓ ખાધેલા અન્નને રસ-રૂપ બનાવી દઈ,શરીરની અંદર પોતપોતાના સ્થાનમાં પહોંચાડી દે છે,
પરંતુ,જે અન્ન પ્રાણવાયુના વિષમ-પણાથી શરીરના અંદરના ભાગમાં ક્યાંય રૂંધાઇ રહે છે -
તે સ્વાભાવિક રીતે શરીરની અંદરની ધાતુઓને બગાડી કફ-આદિ વ્યાધિઓ ઉત્પન્ન કરે છે.
વળી,ઉપર કહ્યા પ્રમાણે આધિ (માનસિક પીડા)માંથી વ્યાધિ (રોગ) ઉત્પન્ન થાય છે.
અને તે આધિ મટી જવાથી વ્યાધિ પણ નાશ પામે છે.
હવે મંત્રોથી જે રીતે આધિ નાશ પામીને વ્યાધિઓ નાશ પામે છે તેનો ક્રમ કહું છું તે તમે સાંભળો.