સામાન્ય નાડીમાં કફ-પિત્ત-આદિ દોષ વધી જવાથી તેમાં અન્ન-રસ પહોચાડનારી,
પ્રાણ-શક્તિનો વ્યાપાર બંધ પડી જાય છે-અને સામાન્ય રોગો થાય છે,
અને મુખ્ય નાડીઓમાં જો વ્યાપાર બંધ પડી જાય તો મોટા રોગો થાય છે.
રામ કહે છે કે-હે મહારાજ,શરીરમાં આધિઓ અને વ્યાધિઓ શી રીતે ઉત્પન્ન થાય છે?
વસિષ્ઠ કહે છે કે-આધિ અને વ્યાધિ એ બંને દુઃખનું કારણ છે.વ્યાધિમાં ઔષધથી તે સમય પૂરતું સુખ મળે છે,
અને આધિમાં-જ્ઞાન વડે આત્યંતિક નિવૃત્તિ થાય તો તે મોક્ષ કહેવાય છે.
આધિ અને વ્યાધિ,એ બંને કોઈ વખત એકબીજાના નિમિત્ત-રૂપ થઇ,શરીરમાં ક્રમે કરીને થાય છે.
કોઈ વખત એક કાળે,એવાં કોઈક સાધન મળી આવવાથી શરીરમાં બંને સાથે પેદા થાય છે
તો કોઈ વખતે ક્રમવાર પણ થાય છે.
દેહ-સંબંધી જે દુઃખ છે તે વ્યાધિ કહેવાય છે અને વાસનામય માનસિક વ્યથાને આધિ નામથી કહેવાય છે.
આ બંને નું મૂળ તપાસતાં,તેમનું કારણ-અજ્ઞાન જ જણાય છે અને તત્વજ્ઞાનથી તેનો સંપૂર્ણ નાશ થાય છે.
અજ્ઞાનને લીધે પોતાની ઇન્દ્રિયોનો સંયમ નહિ થવાથી,ચિત્તમાં સ્વસ્થતા રાખનારા ભાવને છોડી દઈ,
રાત-દિવસ,રાગ-દ્વેષમાં રૂંધાઇ જઈ "આ મળ્યું અને આ ન મળ્યું" એવી ચિંતાથી
ગાઢ મોહને આપનારી,આધિઓ,આમ અજ્ઞાનથી જ આવી પડે છે.
અત્યંત ઈચ્છાઓ સ્ફૂરવાથી તથા અજ્ઞાનથી,ચિત્ત ના જીતાવાને લીધે,ખરાબ અન્ન જમવામાં આવવાથી,
શ્મસાન-વગેરે ખરાબ સ્થળોમાં ફરવાથી,સાયંકાળ વખતે ભોજન,મૈથુન-આદિ વ્યવહાર કરવાથી,
દુષ્ટ કર્મોનું ચિત્તમાં ચિંતન કરવાથી,દુર્જનોના સંગ-દોષથી,વિષ,સર્પ,વાઘ-આદિની શંકાઓ મનમાં આવવાથી,
નાડીઓના છિદ્રોમાં અન્નરસ ના જવાને લીધે-તે ક્ષીણ થઈ જવાથી કે બમણો (વધુ)રસ જવાથી
બહુ પૂર્ણ થઈને કફ-પિત્ત આદિ દોષથી,પ્રાણ વ્યાકુળ થઇ જવાને લીધે શરીર વિકલ થઇ જવાથી -
વગેરે -આવા દોષોથી અનિયમિતતા થાય એટલે શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થાય છે,
કે જેથી શરીરનો આકાર બદલાઈ જાય છે.
પૂર્વજન્મની હોય કે આ જન્મની હોય,શુભ હોય કે અશુભ હોય,પરંતુ જે બુદ્ધિ,બળ-વાળી હોય છે તે-
તેવા આધિ-વ્યાધિના ક્રમ તરફ મનુષ્યને લઇ જાય છે.પંચભૂતથી બનેલા આ સ્થૂળદેહમાં અને લિંગ-દેહમાં-
આ રીતે આધિઓ અને વ્યાધિઓ ઉત્પન્ન થાય છે.કે જેનો શી રીતે નાશ થાય છે-તે વિષે હવે કહું છું.