Feb 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-747

પંચતન્માત્રા-રૂપ બીજથી પ્રગટ થયેલ અને પ્રાણ-મન-બુદ્ધિ-જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય-
એ પંચક વડે અનુભવમાં આવતાં સંસાર-વૃક્ષો અવિવેકને લીધે પોતાના આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે અને જ્ઞાન થયેથી,કાળે કરીને પાછાં તેમાં જ લીન થઇ જાય છે.
અજ્ઞાનને લીધે તે પોતાની મેળે જ નાનાપણાને પ્રાપ્ત થઈને (સંસાર) ઘણા કાળ  સુધી સ્ફૂર્યા કરે છે
પણ, જો વિવેક દ્રષ્ટિથી જોવામાં આવે તો સમુદ્રમાં તરંગોની જેમ આત્મામાં જ બધું લીન થઇ જાય છે.

અજ્ઞાનથી બાહ્યાકાર-દૃષ્ટિ વડે જોતાં તે ફેલાયેલ જોવામાં આવે છે,પરંતુ વિવેક-દૃષ્ટિથી વિચારીને જોતાં,
જેમ સમુદ્રમાં થતાં તરંગો સમુદ્રમાં જ સમાઈ જાય છે,
તેમ અધિષ્ઠાન ચૈતન્યમાં અવિદ્યાથી દેખાતો સઘળો પ્રપંચ પાછો એ અધિષ્ઠાન ચૈતન્યમાં જ સમાઈ જાય છે.
હે રામચંદ્રજી,જે જીવો વાસનાનો નાશ થયા સુધી વિવેક-દૃષ્ટિમાં જ રહ્યા કરે છે-તેઓ પાછા જન્મ-મરણ,
દેહધારણ-આદિ સ્થિતિને ફરીવાર ભોગવતા જ નથી.જયારે બીજાઓ આ સંસાર ચક્રમાં વારંવાર ભમ્યા કરે છે.

(૮૧) આધિ-વ્યાધિની ઉત્પત્તિ અને તેની શાંતિના ઉપાય

વસિષ્ઠ કહે છે કે-આ સ્થૂળ દેહની અંદર,મુલાધારમાં રહેલી કુંડલિની,
લિંગ-શરીરના ઉપાદાન-રૂપ,ભૂત-સૂક્ષ્મ,પ્રથમ,પ્રાણ(પવન)રૂપે,નિરંતર સ્ફૂર્યા કરે છે.
અંદર પ્રાણ-રૂપે સ્ફૂરેલી કુંડલિની શક્તિ,સ્પંદ,સ્પર્શ,સંવિત,કલા-એવાં નામો વડે અનેક રીતે,કહેવાય છે.

કલ્પના કરવાને લીધે-તે કલા કહેવાય છે,ચેતન-પણાથી તે ચિત્ત કહેવાય છે,જીવનપણાને લીધે તે જીવ કહેવાય છે,મનન કરવાથી તે મન-રૂપે કહેવાય છે,સંકલ્પ કરવાથી તે સંકલ્પ-રૂપે કહેવાય છે,
નિશ્ચય કરવાથી તે બુદ્ધિ નામથી ઓળખાય છે અને અહંભાવ થવાથી તે અહંકાર કહેવાય છે.
તે સર્વોત્તમ કુંડલિની નામની જીવ શક્તિ સર્વદા દેહમાં રહે છે અને પુર્યષ્ટક-એવા નામથી પણ તે ઓળખાય છે.

આ કુંડલિની,અપાન-વાયુ-રૂપે (શરીરમાં) નીચેના ભાગમાં રહે છે,સમાન-વાયુ-રૂપે નાભિમાં રહે છે,
અને ઉદાન-વાયુ-રૂપે શરીરના ઉપરના ભાગ (કંઠ) આદિ પ્રદેશમાં રહે છે.
નીચે અપાન-વાયુ અને ઉપર ઉદાન-વાયુ-રૂપે રહેવાથી વચમાં એ બંનેનું પોતાને ખેંચાણ થવા છતાં પણ,
પોતે નિરંતર નિશ્ચલ,બળવાન અને સ્વસ્થ જ રહે છે.

જો એ સંવિત,સમાન-વાયુ વડે યત્નથી ધારણ ન કરી શકાય અને અપાન-વાયુ વડે નીચેની તરફ ખેંચાય તો તે (જીવ) નીચે જાય છે અને અધોમાર્ગ દ્વારા બળાત્કારથી બહાર નીકળી જતાં માણસ મરણને શરણ થાય છે.
તે જ રીતે ઉદાન-વાયુ વડે ખેંચાઈ ઉપર ચડી જાય તો-બળાત્કારથી બહાર નીકળી જતાં પુરુષ મૃત્યુવશ થાય છે.
ઉર્ધ્વ કે અધો ભાગ તરફ આવવું-જવું ત્યજી દઈને,તે કુંડલિની જો દેહમાં સમાન-વૃત્તિ વડે જ રહે,
તો (પ્રાણાયામ વડે) દેહની અંદર પવનનું રોકાણ થવાથી,મનુષ્યનો જે કોઈ રોગ હોય તે નાશ પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE